BJPમાં જામી પડી અંદરોઅંદર લડાઈ

06 October, 2014 03:07 AM IST  | 

BJPમાં જામી પડી અંદરોઅંદર લડાઈ




વરુણ સિંહ


મહારાષ્ટ્રનો ગઢ કબજે કરવા મેદાને પડેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈમાં પહેલી રૅલી શનિવારે મહાલક્ષ્મી રેસકોર્સ મેદાનમાં થઈ હતી. મુંબઈની આ રૅલી કદાચ અંદરોઅંદર બાખડતા BJPના પ્રદેશ યુનિટ અને મુંબઈ યુનિટને એક કરવા માટે હતી, પરંતુ એવું થયું નથી. મુંબઈમાં મોદીની પહેલી રૅલીમાં ખાલી પડેલી ખુરસીઓને કારણે પાર્ટીના પ્રદેશ યુનિટને મુંબઈ યુનિટને ટોણો મારવાની તક મળી હતી. પ્રદેશ BJPના એક નેતાએ કહ્યું હતું કે અઠવાડિયા પહેલાં ૨૭ સપ્ટેમ્બરે આ મેદાનમાં જ શિવસેનાની રૅલી જે રીતે પૅક્ડ હતી અને અમારી પાર્ટીની રૅલીમાં ખુદ પ્રાઇમ મિનિસ્ટર હાજર હતા છતાં ખુરસીઓ ખાલી હતી એ પાર્ટી માટે અકળાવનારી વાત કહેવાય. આ સાથે જ BJPમાં એકબીજા પર દોષારોપણનો નવો દોર શરૂ થયો છે.

પ્રદેશ BJPના એક નેતાએ કહ્યું હતું કે અઠવાડિયા પહેલાં શિવસેનાની રેસકોર્સ મેદાનમાં થયેલી રૅલી બાદ રૅલીના સ્થળથી મહાલક્ષ્મી સ્ટેશન સુધી પહોંચવા માટે એક કલાકનો સમય લાગે એટલો હેવી ટ્રાફિક જૅમ હતો, પરંતુ શનિવારે આ સ્થળે જ મોદીની રૅલી પૂરી થયા બાદ રોડ સાવ ખાલીખમ હતા અને મહાલક્ષ્મી રેલવે-સ્ટેશન પર દસ જ મિનિટમાં પહોંચી શકાય એમ હતું. મોદી જ્યારે રૅલીમાં બોલી રહ્યા હતા ત્યારે ખુરસીઓ ખાલી પડી હતી એના ફોટો પણ લેવામાં આવ્યા હતા.

પ્રદેશ BJPના એક સિનિયર નેતાએ પાર્ટીના મુંબઈ યુનિટની ટીકા કરતાં કહ્યું હતું કે ‘રૅલીમાં ખાલી ખુરસીઓ એ વાતનો પુરાવો છે કે પાર્ટીના સિટી યુનિટે રૅલીમાં લોકોને ખેંચી લાવવા માટે ખાસ કોઈ કામ કર્યું નહોતું. રૅલીમાં મુંબઈ યુનિટના નેતાઓ મંચ પર ચડી બેઠા હતા અને પ્રદેશના નેતાઓને સ્ટેજથી દૂર રાખવામાં આવ્યા હતા. આવી તો કેટલીયે અવ્યવસ્થા અને કચાશ હતી. મુંબઈની રૅલી પહેલાં બીડ અને ઔરંગાબાદમાં મોદીની રૅલીનાં આયોજન પ્રદેશ યુનિટે કર્યા હોવાથી ત્યાં પૅક્ડ ક્રાઉડ હતું. મુંબઈની રૅલીમાં એટલી હદે કચાશ હતી કે સિટી યુનિટ મુંબઈમાં ચૂંટણી લડી રહેલા પાર્ટીના તમામ ઉમેદવારોનાં નામ મંચ પરથી બોલવાનું પણ ભૂલી ગયું હતું.’

મોદીના ભાષણ વખતે ખુરસીઓ ખાલી હોવાના ફોટો ઘણું કહી જાય છે છતાં પાર્ટીનું સિટી યુનિટ આ હકીકત સ્વીકારવા તૈયાર નથી. મુંબઈ BJPના પ્રવક્તા નિરંજન શેટ્ટીએ કહ્યું હતું કે ‘રૅલીમાં અવ્યવસ્થા અને કચાશ તેમ જ ખુરસીઓ ખાલી હોવાના આક્ષેપો દમ વગરના છે. રૅલીમાં ગ્રાઉન્ડ પૅક્ડ હતું અને અમારા નેતા અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને સાંભળવા લોકો ઊમટી પડ્યા હતા.’

જોકે ખાલી ખુરસીઓના ફોટો જોઈને શિવસેનાના નેતાઓનાં મોં મલકાઈ રહ્યાં છે, પરંતુ BJPનું સિટી યુનિટ તો ૯ ઑક્ટોબરે મુંબઈમાં મોદીની બીજી રૅલીની તૈયારીઓમાં ગળાડૂબ થઈ ગયો છે.

ઉદ્ધવ ઠાકરેનો સણસણતો ઉત્તર

શનિવારની રૅલીમાં પણ મોદી શિવસેના વિરુદ્ધ એક શબ્દ નહોતા બોલ્યા, પરંતુ પાર્ટીના પ્રદેશપ્રમુખ દેવેન્દ્ર ફડણવીસે કેટલાક લોકો શિવાજીની જય તો બોલે છે પરંતુ ખંડણી ઉઘરાવવાના ધંધા પણ કરતા હોવાનું કહીને શિવસેના સામે નામ લીધા વગર જ હુમલો કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ આવા આક્ષેપોનો સણસણતો ઉત્તર આપતાં જણાવ્યું હતું કે જો છેલ્લા અઢી દાયકાથી શિવસેના ખંડણી ઉઘરાવતી હોય તો અમારી પાર્ટનર-પાર્ટી હોવાના નાતે શું BJP પણ એમાં સામેલ હતી?