બે કરોડની લોન મેળવવા જતાં એક કરોડ ગુમાવ્યા

24 September, 2020 10:37 AM IST  |  Mumbai | Anurag Kamble

બે કરોડની લોન મેળવવા જતાં એક કરોડ ગુમાવ્યા

પ્રતીકાત્મક તસવીર

પોતાની ફાર્મા કંપની ઊભી કરવા માટે બે કરોડની લોન મેળવવા માગતા ૫૧ વર્ષની વ્યક્તિને ધિરાણ કંપનીએ ચૂનો ચોપડતાં તે વ્યક્તિએ પોતાના ૧.૧ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. આ મામલે ચિતલસર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે.
પીડિત થાણેની વાગલે એસ્ટેટસ્થિત એક ફાર્મા કંપનીના વાઇસ પ્રેસિડન્ટ છે. લોનની જરૂરિયાત હોવાથી જુલાઈ, ૨૦૧૯માં અખબારમાં આવેલી એક ફાઇનૅન્સ કંપનીની જાહેરાત તરફ તેમનું ધ્યાન ગયું હતું. પીડિતે પોલીસને આપેલા નિવેદન અનુસાર, ‘કંપનીનું નામ પારસ ફાઇનૅન્સ લોન કંપની હતું. મેં તેમને મારી લોનની જરૂરિયાત જણાવી. તેમણે મારા દસ્તાવેજો અને બૅન્ક સ્ટેટમેન્ટ માગ્યા અને મને બે કરોડની લોન મળશે તેમ જણાવ્યું.’
પરંતુ એ કંપનીના એક્ઝિક્યુટિવ્ઝ પ્રોસેસિંગ ફીના ઓઠા હેઠળ પીડિત પાસેથી વધુ નાણાં માગવા માંડ્યા. પીડિતે જણાવ્યું હતું કે ‘મેં તેમને જુલાઈ, 2019થી ઑક્ટોબર, ૨૦૧૯ દરમિયાન ૧૪,૧૩,૦૪૭ રૂપિયા પ્રોસેસિંગ ફીપેટે ચૂકવ્યા, પણ પછી તેમણે અચાનક જ મારી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું. તેમણે મને છેતર્યો હોવાની મને શંકા ગઈ.’
૧૪ લાખ ગુમાવ્યા બાદ પીડિતે દેશમાં સિમેન્ટ અને મેટલ ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી ગ્રુપનું નામ ધરાવતા ફાઇનૅન્સ ગ્રુપની જાહેરાત જોઈ. પ્રતિષ્ઠિત જૂથનું નામ ધરાવતી આ કંપનીએ પણ જુદી-જુદી રીતે પીડિત પાસેથી કુલ ૮૭,૫૧,૧૦૦ રૂપિયા પડાવ્યા. ચિતલસર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રિયતમા મુઠેએ જણાવ્યું હતું કે ‘અરજી મળ્યા બાદ અમે તમામ દાવાની ખરાઈ કરી અને મામલામાં તથ્ય જણાતાં અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવ્યો છે. આ ફ્રૉડ કંપનીઓની કડીઓ દિલ્હી અને હિમાચલ પ્રદેશ સાથે જોડાયેલી છે. ટૂંક સમયમાં અમારી ટીમ તપાસ માટે રવાના થશે.’

mumbai mumbai news anurag kamble