ગણપતિબાપ્પા અને રિદ્ધિ-સિદ્ધિ જસ્ટ મૅરિડ

28 September, 2012 03:06 AM IST  | 

ગણપતિબાપ્પા અને રિદ્ધિ-સિદ્ધિ જસ્ટ મૅરિડ



સપના દેસાઈ

મુંબઈ, તા. ૨૮

ગણેશોત્સવ દરમ્યાન અનેક મંડળો આતંકવાદ, કરન્ટ અફેર્સ જેવી જુદી-જુદી થીમ પર ડેકોરેશન કરીને ઉજવણી કરતાં હોય છે; પણ મલાડ (ઈસ્ટ)માં આવેલી ધનજીવાડીનું અષ્ટવિનાયક મિત્ર મંડળ આ બધામાં નોખું તરી આવે છે. મંડળ પોતાના લાડલા ગણપતિબાપ્પાનાં ધામધૂમપૂર્વક લગ્ન કરાવીને ગણેશોત્સવની હટકે રીતે ઉજવણી કરી રહ્યું છે. એ પણ કઈ રીતે? રીતસરની કંકોતરી છપાવી, બૅન્ડ-વાજાં સાથે વરઘોડો કાઢીને તમામ રીતરિવાજો સાથે ગઈ કાલે ગણેશજીનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં; જેમાં ગણેશભક્તો પણ હોંશે-હોંશે જોડાયા હતા.

આજે પ્રીતિભોજન

ધામધૂમથી પૂર્ણ થયેલાં લગ્નમાં સેંકડો લોકો હાજર રહ્યા હતા એમ જણાવીને સચિને વધુમાં કહ્યું હતું કે ‘સામાન્ય લગ્નમાં જે રીતે લગ્નના બીજા દિવસે બટુકભોજનનું આયોજન થતું હોય છે એ મુજબ આજે સાંજે સાડાસાત વાગ્યા પછી પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે અમે ગણેશોત્સવ દરમ્યાન એક વખત ભોજનનો કાર્યક્રમ રાખતા હોઈએ છીએ. એમાં ચાર હજારની આસપાસ પબ્લિક આવતી હોય છે. આ તો સાક્ષાત્ ભગવાનનાં જ લગ્ન છે એટલે આજે સાડાછ હજાર જેટલી પબ્લિક ઊમટી પડે એવી શક્યતા છે.’

દાંડિયારાસથી લઈને મેંદીનું આયોજન

મહિનાઓથી ચાલી રહેલી તૈયારી પછી ગઈ કાલે ધામધૂમપૂર્વક પાર પડેલા વિઘ્નહર્તાના લગ્નપ્રસંગ માટે રીતસરનો માંડવો સજાવવામાં આવ્યો હતો. લગ્ન માટે ખાસ કંકોતરી છપાવવામાં આવી હતી. ગઈ કાલે મંત્રોચ્ચાર સાથે ગણેશજીનાં રિદ્ધિ-સિદ્ધિ સાથે ધામધૂમપૂર્વક લગ્ન થયાં એ પહેલાં મંગળવારે દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે લગ્ન પહેલાં કન્યાને જે રીતે મેંદી મૂકવામાં આવે છે એ મુજબ બહેનો માટે મેંદીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૬૦૦થી વધુ બહેનોએ મેંદી મુકાવી હતી અને ગઈ કાલે રીતસરનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સામાન્ય રીતે લગ્નપ્રસંગે જેટલી પણ વિધિઓ થતી હોય છે એ તમામ વિધિઓ થઈ હતી.

આઇડિયા કેવી રીતે આવ્યો?


ગણપતિબાપ્પાનાં લગ્ન કરાવીને ઉજવણી કરવાના અનોખા આઇડિયા વિશે મંડળના કાર્યકર હેમલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા મંડપની સ્થાપનાના પચીસમા વર્ષે અમે ગણપતિબાપ્પાનાં લગ્ન યોજીશું એવું અગાઉ નક્કી થયું હતું, પણ પછી વિચાર બદલી નાખ્યો હતો અને આ વર્ષે મંડળે પોતાની સ્થાપનાનું પંદરમું વર્ષ છે ત્યારે ગણપતિનો લગ્નમહોત્સવ ઊજવી નાખવો એવું નક્કી કર્યું. એ મુજબ અમે તેમના લગ્નમહોત્સવનો કાર્યક્રમ યોજ્યો. આ અગાઉ અમદાવાદમાં બે વર્ષ પહેલાં ગણપતિબાપ્પાનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. અમારું માનવું છે ત્યાં સુધી મુંબઈમાં પહેલી વાર જ આવા કાર્યક્રમનું આયોજન થયું છે.’

રિયલ લાઇફનાં હસબન્ડ-વાઇફે ફેરા લીધા

ગણેશોત્સવના તહેવારને પોતાના લાડલા ગણરાયાના લગ્નમહોત્સવનું રૂપ આપીને મલાડનું મંડળ એની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગઈ કાલે ધામધૂમથી પાર પડેલાં લગ્ન બાબત મંડળના કાર્યકર સચિને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે રાતે નવથી સાડાનવ વાગ્યા દરમ્યાન બાપ્પાનાં લગ્ન રિદ્ધિ-સિદ્ધિ સાથે પાર પડ્યાં એ પહેલાં સાંજે સાડાસાત વાગ્યે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડા વખતે પાલખીમાં ગણપતિબાપ્પાની મૂર્તિ મૂકવામાં આવી હતી જે ધનજીવાડીમાં આવેલા તમામ સાર્વજનિક ગણેશોત્સવ મંડપોમાં ફરી હતી. ત્યાર પછી તેમનું રાજતિલક થયું હતું. લગ્નની વિધિઓ ચાલી રહી હતી એ દરમ્યાન લગ્નગીતો ગવાયાં હતાં. શિવ-પાર્વતીના પુત્ર ગણપતિના બ્રહ્મા-સરસ્વતીની પુત્રી રિદ્ધિ-સિદ્ધિ સાથે ફેરા થયા હતા અને આ ફેરા રિયલ લાઇફનાં હસબન્ડ અને વાઇફે તેમના હાથમાં મૂર્તિઓ લઈને લીધા હતા.’