ગુજરાતમાં મેઘતાંડવને કારણે રદ થઈ મુંબઈથી ઊપડતી અમુક ટ્રેનો

03 July, 2017 03:39 AM IST  | 

ગુજરાતમાં મેઘતાંડવને કારણે રદ થઈ મુંબઈથી ઊપડતી અમુક ટ્રેનો



ગુજરાતમાં પાલનપુર-મહેસાણા રેલવે સેક્શનમાં મેઘતાંડવને કારણે શનિવારે રાતે ૧૫ ટ્રેનો અટકી પડી હતી. વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ રેલવે-મૅનેજર સહિતના અધિકારી અને ટેક્નિકલ સ્ટાફને યુદ્ધના ધોરણે કામગીરી કરી ગઈ કાલે આંશિક ટ્રેનવ્યવહાર શરૂ કરવામાં સફળતા મળી હતી.

અમદાવાદ ડિવિઝનમાં ચાર સ્થળે ટ્રૅક નીચેની માટી ખસી જવાથી ટ્રેનવ્યવહાર અટકી પડ્યો હતો. અટવાઈ પડેલી ટ્રેનના મુસાફરોને અદાજે ૧૦૦૦ ફૂડ-પૅકેટ, ૮૫૦ બિસ્કિટનાં પૅકેટ અને ૫૦૦ પાણીનાં પાઉચ તેમ જ સમોસાં, પૂરીભાજી અને ચા વિતરણ કરવામાં આવ્યાં હતાં.

વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસરે જણાવ્યા પ્રમાણે મહેસાણા અને પાલનપુર રેલવે-સેક્શનમાં શનિવારે ભારે વરસાદથી ચાર સ્થળોએ ટ્રૅક નીચેની માટી ખસી જતાં અને પાટા પર પાણી ફરી વળતાં ટ્રેનવ્યવહાર રાતે ૯ વાગ્યાથી અટકી ગયો હોવાથી ૧૫ ટ્રેનો અટકી ગઈ હતી. પાંચ ટ્રેન રદ કરવામાં આવી હતી જેમાં જોધપુર-બાંદરાનો સમાવેશ હતો. ૧૩ ટ્રેનને ડાઇવર્ટ કરવામાં આવી છે જેમાં બાંદરા-બિકાનેર, બાંદરા-જયપુર, બાંદરા-જમ્મુ તવી, દાદર-અજમેર તેમ જ બિકાનેર-દાદર એક્સપ્રેસનો સમાવેશ છે. જ્યારે પાંચ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.