મારા વોટના બદલામાં મને શું જોઈએ છે?

27 April, 2024 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેપારીઓેને વેપાર કરવા માટે સરકારે સવલતો આપવી જોઈએ; મુંબઈને સ્વચ્છ બનાવવું જોઈએ

નીલેશ જૈન, ફાલ્ગુની ત્રિવેદી, નૈનેશ મહેતા

ભાઈંદરના નીલેશ જૈન કહે છે... વેપારીઓેને વેપાર કરવા માટે સરકારે સવલતો આપવી જોઈએ

મારો મત હું એ સક્ષમ લોકપ્રતનિ‌ધિને આપવા માગું છું જે વેપારીઓને વેપાર કરવા માટે સરળ પદ્ધતિ શરૂ કરાવી શકે એમ જણાવીને ચશ્માંના વેપારી નીલેશ જૈન (ગુંગલિયા) કહે છે, ‘વેપારીઓને વેપાર કરવાનું બાજુએ રહી જાય છે અને અનેક પ્રકારની સરકારી પ્ર‌ક્રિયાઓમાં તેઓ વ્યસ્ત રહેતા હોય છે. સરકાર તેમના ઑફિસરોને કોઈ પણ બજારમાં સર્વે કરવા મોકલશે ત્યારે વેપારીઓની હાલત GST ભરીને કેવી થઈ ગઈ છે એ જાણવા મળશે. GST નામની માયાજાળથી વેપારીઓ થાકી ગયા છે. વેપારીઓને ધંધામાં પાર્ટીનું પેમેન્ટ ટાઇમસર મળતું નથી, પણ GST તો સમયસર ભરવો જ પડે છે. સરકારે કોઈ એવી સિસ્ટમ લાવવી જોઈએ જેથી દરેક આઇટમ પર ફિક્સ પાંચ ટકા GST લગાવે અને માલ સેલ થયા બાદ પાંચ ટકા લગાવે. GST ભરવો અને રિટર્ન લેવો એ સિસ્ટમ હજી ઘણા વેપારીઓને નથી ફાવતી અને ગળે ઊતરી રહી નથી એટલે સરકાર GSTનો પણ વિચાર કરે અને GST ઓછો કરે જેથી વેપારીઓને પણ GSTથી થોડી રાહત મળશે. GSTને કારણે માલનો ભાવ વધી જાય છે અને પબ્લિકને એ પરવડતો નથી, કારણ કે બજારમાં ચાઇનાનો માલ સસ્તો પડે છે.’

- પ્રીતિ ખુમાણ ઠાકુર

કાંદિવલીનાં ફાલ્ગુની ત્રિવેદી કહે છે... મુંબઈને સ્વચ્છ બનાવવું જોઈએ

કાંદિવલીના મહાવીરનગરમાં રહેતાં હાઉસવાઇફ ફાલ્ગુની ત્રિવેદીને આ વખતે મત આપવા સામે શું અપેક્ષા છે એવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે ‘મોદીજીએ આખા 
દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું એવું જોરદાર અભિયાન મુંબઈમાં પણ ચલાવવું જોઈએ. મુંબઈમાં હજી વધુ સ્વચ્છતાની જરૂર છે. ગુજરાતનાં સુરત, અમદાવાદ અને વડોદરા જેવાં શહેરો પણ મુંબઈ સામે ચોખ્ખાં દેખાય છે. મુંબઈને સ્વચ્છ બનાવવું જોઈએ. બીજું, મોદીસાહેબે મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચાલુ કરી છે. એ સિવાય પણ ઘણા બેનિફિટ્સ આપ્યા છે. ખાસ કરીને જો મહિલાના નામ પર ફ્લૅટ ખરીદવામાં આવે તો તેમને ટૅક્સમાં રાહત મળે છે. આમ કરવાથી અમારા પોતાના નામે એક ઍસેટ ઊભી થાય છે એ પણ અમારા માટે મહત્ત્વની વાત છે.’

- બકુલેશ ત્રિવેદી

ડોમ્બિવલીના નૈનેશ મહેતા કહે છે... સરકાર એજ્યુકેશન ફી અને મેડિકલ ચા‌ર્જિસ પર નિયંત્રણ મૂકે

ડોમ્બિવલી-ઈસ્ટના ૪૩ વર્ષના નૈનેશ મહેતા નવનીત એજ્યુકેશન લિમિટેડના‌ સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ છે. તેઓ અત્યારે તેમના મતદાનની સિલ્વર જ્યુ‌બિલી ઊજવી રહ્યા છે. પોતાના એક મતના બદલામાં નવી સરકાર આજની શિક્ષણ-પ્રણાલીમાં ફેરફાર કરે એવી ઇચ્છા રાખતા નૈનેશ મહેતા ‘મિડ-ડે’ને કહે છે, ‘એમાં કોઈ જ શંકા નથી કે અત્યારની એજ્યુકેશન પૉલિસી ખૂબ જ કઠિન હોવા છતાં મોદી સરકાર શિક્ષણ-પ્રણાલીમાં ધરખમ ફેરફાર કરવા માટે ગંભીરતાપૂર્વક કામ કરી રહી છે. આમ છતાં CBSE/ICSEના નામ પર અને ઇન્ટરનૅશનલ સ્કૂલો લાખો રૂપિયા ફી તરીકે લઈ રહી છે જેના પર સરકારનું કોઈ જ નિયંત્રણ નથી. હું માનું છું કે એને આજના સમયમાં મૂળભૂત ગણીને એના પર સંપૂર્ણ ‌નિયંત્રણ રાખવું જરૂરી છે. મેડિકલ ફીલ્ડનો સંપૂર્ણ ચાર્જ સરકારે પોતાના હાથમાં લેવો જરૂરી છે. ડૉક્ટરો માનવતા ભૂલીને સારવાર માટે પેશન્ટો પાસેથી લાખો રૂપિયા વસૂલ કરી રહ્યા છે. દવાના ભાવ પર પણ સરકારનું નિયંત્રણ અતિ આવશ્યક છે. સરકાર ઇચ્છે તો એ શક્ય બની શકે એમ છે જે ‌કોવિડની રસીમાં પુરવાર થયું છે. એ સમયે સરકારે ખૂબ જ વ્યવસ્થિત રીતે પ્રદાન કર્યું છે. સરકારે એના ભાવ પર નજર રાખી હોવાથી મને લાગે છે કે ૮૦ ટકા ભારતીયોએ એનો લાભ લીધો હતો. આજના કાળમાં આ બે મુદ્દાઓ સરકારની વોટ-બૅન્કને છલકાવી શકે એમ છે.’

- રોહિત પરીખ

Lok Sabha Election 2024 Lok Sabha mumbai mumbai news