13 April, 2024 12:10 PM IST | Mumbai | Rohit Parikh
હેમલ પરીખ
૩૬ વર્ષના હેમલ પરીખે અત્યાર સુધીમાં ત્રણ વખત મહારાષ્ટ્રના સૌથી ઊંચા કળસુબાઈ શિખરને સર કર્યો છે અને ત્યાં પહોંચીને ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. મહારાષ્ટ્ર માટે તે ફેન્સિંગ રમે છે અને ઇન્ડિયાની દિવ્યાંગ ક્રિકેટ ટીમનો પ્લેયર પણ છે. સાયન (વેસ્ટ)માં રહેતો ફાઇનૅન્શિયલ કન્સલ્ટન્ટ હેમલ દરેક ચૂંટણીમાં મતદાન કરતો આવ્યો છે. આ વખતે હેમલ તેના એક મતની સામે ઇચ્છે છે કે સરકાર દેશના સર્વે દિવ્યાંગોનું જીવન સરળ અને સુવિધાજનક બને એવી યોજનાઓ બનાવે અને એને અમલમાં મૂકે. તે ‘મિડ-ડે’ને કહે છે, ‘આજે દિવ્યાંગે કે દિવ્યાંગના પરિવારે અનેક સરકારી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. એમાં સૌથી મહત્ત્વનું છે તેનું યુનિક ડિસેબિલિટી કાર્ડ. આ કાર્ડની પ્રક્રિયામાં સુધારો કરવાની જરૂર છે. આ કાર્ડના વેરિફિકેશન માટે અનેક દિવ્યાંગોએ તેમના ઘરથી દૂર હૉસ્પિટલમાં જવું પડે છે. બીજું, કૃત્રિમ અંગો પરથી સરકારે GST દૂર કરવો જોઈએ. ત્રીજા સ્થાને હું સરકારને દરેક કમર્શિયલ એરિયામાં રૅમ્પ બનાવવાની વિનંતી કરું છું જેથી દિવ્યાંગો તેમની વ્હીલચૅર પર સુલભતાથી અવરજવર કે ચડ-ઊતર કરી શકે. દિવ્યાંગ ભારતીય ક્રિકેટ ટીમના એક પ્લેયર તરીકે હું ઇચ્છું છું કે ક્રિકેટ બોર્ડે ભારતમાં દિવ્યાંગ ક્રિકેટરો માટે ટુર્નામેન્ટ યોજવી જોઈએ. દિવ્યાંગો મનથી વોટિંગ કરે એ માટે અમારા લોકપ્રતિનિધિઓએ આ દિશામાં પહેલ કરવાની જરૂર છે જેથી તેઓ પ્રોત્સાહિત થઈને મતદાન કરવા ઉત્સાહી બને.’
- રોહિત પરીખ