ગાડી કરતા ગામ ભલું: મુંબઈની કાળી-પીળીના 2000 ડ્રાઈવરોએ ઘરની વાટ પકડી

12 May, 2020 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગાડી કરતા ગામ ભલું: મુંબઈની કાળી-પીળીના 2000 ડ્રાઈવરોએ ઘરની વાટ પકડી

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાગૂ કરવામાં આવેલું દેશવ્યાપી લૉકડાઉન ક્યારે પુર્ણ થશે તે બાબતે કોઈ ચોક્કસ માહિતિ નથી, કરવા માટે કોઈ કામ નથી, ઘરમાં ખાવા માટેના ફાંફાં પડે છે, આર્થિક રીતે મુશ્કેલી પડી રહી છે, જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલા કાળી-પીળી ટૅક્સી અને રીક્ષાના 2000 જેટલા ચાલકોએ મુંબઈ છોડીને પોતાના ગામડે જવાનો નિર્ણય લીધો હોવાની માહિતિ મુંબઈ ટૅક્સી યુનિયનના નેતા એ.એલ.ક્વોડ્રોસે આપી છે.

મુંબઈમાં 20,000 કાળીપીળી ટૅક્સી અને બે લાખ કરતા વધુ રીક્ષા છે. લગભગ છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી રીક્ષા અને ટૅક્સીચાલકોનો ધંધો બંધ થઈ ગયો છે. એટલે તેમના માટે જીવન ગુજારવું મુશ્કેલ બન્યું છે. મુંબઈમાં જે રીતે કોરોનાનો પ્રભાવ વધી રહ્યો છે તે જોતા લાગે છે કે લૉકડાઉન કંઈ બહુ જલ્દી પુરું નહીં થાય. એટલે બિહાર અને ઉત્તરપ્રદેશના ટૅક્સી અને રીક્ષા ચાલકોએ પોતાના ગામ જવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી 2000 જેટલા ચાલકો મુંબઈથી રવાના થઈ ગયા છે અને હજી પણ કેટલાક પોતાના ગામ જવાની તૈયારીઓ કરી રહ્યાં છે. ક્વોડ્રોસે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને હિમાચલ પ્રદેશના ડ્રાઈવરો મોટા પ્રમાણમાં પોતાના ઘરે પરત ફરી રહ્યાં છે. તેમના માટે પરમિટ માંગવાની પ્રક્રિયા પણ ચાલુ જ છે. પરંતુ જ્યરે મુંબઈમાં લૉકડાઉન ખુલી જશે ત્યારે મુંબઈની વાહતૂક વ્યવસ્થા પર આની બહુ મોટા પ્રમાણમાં અસર થશે.

સુત્રોએ આપેલી માહિતિ મુજબ, સાકીનાકામાં રહેતા એક રીક્ષા ચાલકે રીક્ષામાં જ ઘરે જવાનું નક્કી કર્યું હતું. જ્યારે તેને પુછવામાં આવ્યું કે મુંબઈ પાછો ક્યારે આવશે તો તેને જવાબ આપ્યો હતો કે, ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અમને નોકરી આપશે તો અમે શું કરવા અહીં પાછા આવીશું અમારા ઘરવાળાઓ સાથે જ નહીં રહીએ? અન્ય એક ટેક્સી ચાલકે કહ્યુ હતું કે, મહારાષ્ટ્ર સરકારે અમને કોઈ જાતનું આશ્વાસન નથી આપ્યું તો પછી મુંબઈમાં ભીખ માંગવા જેવી પરિસ્થિતિ નિર્માણ થાય એના કરતા ગામડામાં ખેતી કરીને અમે અમારું પેટ ભરીશું.

lockdown mumbai mumbai news