વસઈમાં નાકાબંધી વખતે પોલીસને ઉડાવ્યો બાઇકસવારે

26 March, 2020 01:07 PM IST  |  Mumbai | Mumbai Correspondent

વસઈમાં નાકાબંધી વખતે પોલીસને ઉડાવ્યો બાઇકસવારે

નાકાબંધીમાં બાઇકચાલકે ઉડાવ્યા બાદ સબ-ઇન્સ્પેક્ટરની હૉસ્પિટલમાં ચાલી રહેલી સારવાર.

કોરોનાના સંકટમાં આખા દેશમાં ૨૧ દિવસનું લૉકડાઉન કરાયું છે ત્યારે લોકો ઘરની બહાર ન નીકળે એ માટે તમામ સ્થળોએ નાકાબંધી કરાઈ છે. આવી સ્થિતિમાં વસઈમાં ફરજ બજાવી રહેલા એક સબ-ઇન્સ્પેક્ટરે રોકવાનો પ્રયાસ કરતાં એક બાઇકસવારે તેમની પર બાઇક ચડાવીને તેમને ગંભીર રીતે ઘાયલ કરવાની ચોંકાવનારી ઘટના ગઈ કાલે બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ ‘ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે વસઈ-ઈસ્ટમાં આવેલા એવરશાઇન સર્કલ પાસે નાકાબંધી વખતે વાલીવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સનીલ પાટીલ ડ્યુટી પર હતો ત્યારે તેણે એક બાઇકવાળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાઇકવાળાએ ઊભા રહેવાને બદલે તેના પર બાઇક ચડાવી દીધી હતી અને પલાયન થઈ ગયો હતો.

આ ઘટનામાં સબ-ઇન્સ્પેક્ટરના માથામાં ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. કોરોનાના સંકટમાં લોકોની સુરક્ષા માટે ઠેર-ઠેર પોલીસે નાકાબંધી કરી છે ત્યારે માથા ફરેલ લોકો આવું વર્તન કરે તો પોલીસની સુરક્ષા સામે સવાલ ઊભો થયો છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તમામ લોકોને ઘરની બહાર ન નીકળવાની વારંવાર અપીલ કરી હોવા છતાં લોકો બહાર નીકળતા હોવાથી તેમને રોકવા માટે રાજ્યભરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોની અવરજવર બંધ કરી દેવાઈ છે. જે લોકો સરકારના ફરમાનની અવમાનના કરે છે તેમને પોલીસ લાઠીઓ ફટકારીને ઘરભેગા કરી રહી છે.

વાલીવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિલાસ ચૌગુલેએ કહ્યું હતું કે ‘નાકાબંધી દરમ્યાન એક બાઇકસવારે અમારા સબ-ઇન્સ્પેક્ટરે ઉડાવવાની ઘટના સવારે ૧૧ વાગ્યે બની હતી. પોલીસ લોકોને રસ્તા પર ન આવવાની અપીલ કરી રહી હોવા છતાં લોકો આવું વર્તન કરે છે. બાઇકચાલક પલાયન થઈ ગયો હોવાથી અમે તેને શોધી રહ્યા છીએ.’

mumbai news mumbai vasai coronavirus covid19