હમણાં નહીં થાય મુંબઈમાં લૉકડાઉન, CMના અલ્ટિમેટમના 10 દિવસ થયા પૂરા

04 March, 2021 07:27 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

હમણાં નહીં થાય મુંબઈમાં લૉકડાઉન, CMના અલ્ટિમેટમના 10 દિવસ થયા પૂરા

ઉદ્ધવ ઠાકરે

રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ૨૧ ફેબ્રુઆરીએ મુંબઈગરાઓને ૮-૧૦ દિવસનું જે અલ્ટિમેટમ આપ્યું હતું એ ગઈ કાલે પૂરું થતાં બધાને એક જ ચિંતા હતી કે સરકાર શું નિર્ણય લેશે. આમ તો બે દિવસ ૧૦૦૦થી ઓછા કેસ આવ્યા બાદ ગઈ કાલે મુંબઈમાં કોરોનાના કેસની સંખ્યા ફરી એક વાર ૧૦૦૦ને પાર કરીને ૧૧૨૧ સુધી પહોંચી ગઈ હતી. આમ છતાં, ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘કોરોનાના ટ્રાન્સમિશનને અટકાવવા લૉકડાઉન એ સૌથી સચોટ ઉપાય છે, પણ હું એ લગાવવા નથી માગતો, કારણ કે મારા આ નિર્ણયની ઇકૉનૉમી પર બહુ જ ગંભીર અસર થશે અને હું લોકોને ભૂખે નથી મારવા માગતો.

છેલ્લા ઘણા દિવસથી મુંબઈમાં એક જ વાત ચાલી રહી છે કે સરકાર લૉકડાઉન તો નહીં કરેને? ગયા અઠવાડિયે રાજ્યના રિલીફ ઍન્ડ રિહૅબિલિટેશન પ્રધાન વિજય વડેટ્ટીવારે એવો સંકેત આપ્યો હતો કે સરકાર લોકલ ટ્રેનની સર્વિસ ઓછી કરવાનું વિચારી રહી છે. આ સિવાય નાઇટ કરફ્યુ લાદવામાં આવશે એવી પણ વાતો વહેતી થઈ હતી.

જોકે ગઈ કાલે સુધરાઈના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ સ્પષ્ટતા કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે દિવસથી કોરોના પેશન્ટ્સની સંખ્યા ઓછી આવી રહી છે, પરંતુ ગઈ કાલે ફરી થોડા પેશન્ટ્સ વધ્યા છે. હાલમાં તો લૉકડાઉન થવાનું નથી, પરંતુ અચાનક લોકોની લાપરવાહીના કારણે ૨૦૦૦ દરદીઓની ઉપર કેસ ગયા તો લૉકડાઉનની દિશાએ વિચારવું પણ પડી શકે છે. ટ્રેનની ફેરીઓ ઓછી થવાની નથી કે નાઇટ કરફ્યુ વિશે હાલમાં કોઈ વિચાર પણ નથી, પરંતુ લોકો જો માસ્ક નહીં પહેરશે, ભીડ કરશે કે અન્ય કોરોના નિયમોનું પાલન નહીં કરશે તો કડક નિર્ણયો લઈ પણ શકાય છે. એ ઉપરાંત લગ્ન પ્રસંગ, પાર્ટી, રેસ્ટોરાં, ક્લબ વગેરે જગ્યાએ બીએમસી અધિકારીની કરવામાં આવતી સખતાઈમાં કોઈ બદલાવ નહીં આવશે. અધિકારીઓની ટીમ એ સ્થળે પહોંચીને કાર્યવાહી કરી જ રહી છે.’

સેન્ટરમાં ભીડ ન કરવાની બીએમસીની અપીલ...

બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બીએમસી ટૂંક સમયમાં જ વૅક્સિન સેન્ટર વધારવાની છે તેમ જ ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને અને ૪૫થી ૬૦ વર્ષના મેડિકલ સમસ્યા ધરાવતા દરેકને વૅક્સિન મળવાની જ છે. એથી થોડો સંયમ રાખે અને બધાને વૅક્સિન મળશે એટલે ચિંતા ન કરે. અમારી ફક્ત લોકોને અપીલ છે કે વૅક્સિન સેન્ટરમાં ભીડ ન કરે અને નિયમોનું પાલન કરે.’

ઍપની સમસ્યા દૂર થશે

રજિસ્ટ્રેશન કરાવતી વખતે ઍપમાં લોકોને અનેક સમસ્યા આવે છે એ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે ‘ઍપ પર અમારી ટેક્નિકલ ટીમ પૂરી રીતે કામ કરી રહી છે. ઍપ પર કામ કરીને ઇમ્પ્રુમેન્ટ લાવી રહ્યા છીએ તેમ જ સેન્ટર પર પણ બીએમસીની એક-એક ટીમ બેસાડવામાં આવી છે જે લોકોને આવતી સમસ્યા માટે મદદરૂપ બનશે.’

આજે ૧૫ પ્રાઇવેટ હૉસ્પિટલમાં વૅક્સિન શરૂ થશે...

બીએમસીએ મુંબઈની ૨૯ પ્રાઇવેટ હૉસ્પિટલમાં વૅક્સિન મળશે એની લિસ્ટ જાહેર કરી હતી. એમાંથી આજથી ૫૦ ટકા એટલે કે ૧૫ હૉસ્પિટલમાં વૅક્સિન આપવાની શરૂઆત કરાશે. વૅક્સિન લેવાની પ્રક્રિયા એકસરખી જ હશે, ફક્ત આ હૉસ્પિટલમાં વૅક્સિનના ૨૫૦ રૂપિયા ભરવા પડશે.

mumbai mumbai news uddhav thackeray coronavirus covid19 lockdown preeti khuman-thakur