લૉકડાઉન ઇફ્કેટ : ૩૫ ટકા રેસ્ટૉરાંના શટર ડાઉન

13 August, 2020 12:51 PM IST  |  Mumbai Desk | Urvi Shah Mestry

લૉકડાઉન ઇફ્કેટ : ૩૫ ટકા રેસ્ટૉરાંના શટર ડાઉન

લૉકડાઉન ઇફ્કેટ : ૩૫ ટકા રેસ્ટૉરાંના શટર ડાઉન

કોરોનાને કારણે થયેલા લૉકડાઉનને પરિણામે ચાર મહિનાથી રેસ્ટોરાં બંધ હોવાથી અંદાજે ૩૫ ટકા જેટલાં રેસ્ટોરાં હાલમાં બંધ થઈ ગયાં છે એવું ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશનનું કહેવું છે. રેસ્ટોરાંનું ભાડું, લાઇટબિલ, સ્ટાફનો પગાર વગેરે ભરવું મુશ્કેલ થઈ જવાથી રેસ્ટોરાંવાળાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. ટ્રેન પણ બંધ હોવાને કારણે સ્ટાફ આવી શકતો નથી જેથી ઑનલાઇન રેસ્ટોરાં ચલાવવું મુશ્કેલ પડી જાય છે. ગવર્નમેન્ટ દ્વારા રેસ્ટોરાંને વહેલી તકે ઓપન કરવામાં આવે જેથી રેસ્ટોરાંવાળાઓની તકલીફ ઓછી થાય એવું રેસ્ટોરાંવાળાઓ કહી રહ્યા છે.
કુર્લામાં સ્વાગત જૂસ ઍન્ડ સેન્ટર ચલાવતા બન્ટી છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આટલા મહિનાથી રેસ્ટોરાં બંધ હોવાને કારણે ભાડાં ભરવાં પરવડે એમ નથી. રેસ્ટોરાંનું ભાડું ભરવાનું ઉપરથી લાઇટબિલ, પગાર, ટૅક્સ વગેરે ભરવાં મુશ્કેલ થઈ ગયાં છે કેમ કે કસ્ટમરો જ નથી તો બિઝનેસ કેમ થશે? આથી ચાર-પાંચ મહિના તો રેસ્ટોરાં બંધ જ કરવાનું વિચારી રહ્યા છીએ. એ પછી જે રીતે સમય હશે એ રીતે નિર્ણય લઈશું કે રેસ્ટોરાં ચાલુ કરવી કે નહીં.’
ભુલેશ્વરમાં આવેલી ખિચડી સમ્રાટ રેસ્ટોરાંના માલિક અતુલ અગ્રવાલે
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માર્ચ મહિનાથી લૉકડાઉન શરૂ થઈ ગયું છે ત્યારથી અત્યાર સુધી રેસ્ટોરાં બંધ છે. ગવર્નમેન્ટ દ્વારા રેસ્ટોરાં ઓપન કરવા બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી. જ્યારે બધું ખૂલી રહ્યું છે તો પછી રેસ્ટોરાંને જ શા માટે બંધ રાખી છે?’ ‍
રિવાઇવલ રેસ્ટોરાંના માલિક કમલેશ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક્સાઇઝ ફી જે આખા વર્ષની ફી ભરવાની હોય એમાં પણ ગવર્નમેન્ટે પંદર ટકા વધારો કર્યો છે. રેસ્ટોરાં શરૂ કરવા બાબતે અમે ટૂરિઝમ મિનિસ્ટર મહારાષ્ટ્ર, ચીફ મિનિસ્ટર સાથે પણ વેબિનાર કરી તેમની સાથે વાત કરી કે હવે રેસ્ટોરાંને પણ ચાલુ કરાવો. તેમણે અમારો આ પૉઇન્ટ પણ નોટ કર્યો હતો, પરંતુ હજી ૩૧ ઑગસ્ટ સુધી તો રેસ્ટોરાં બંધ જ રાખવાનો આદેશ આપ્યો છે.’
અંધેરીમાં આવેલી સેફ્રન ઈટરી ઍન્ડ બારના માલિક પ્રદીપ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેસ્ટોરાં તો બંધ છે, પરંતુ ઑનલાઇન ડિલિવરી ચાલુ છે એમાંય સેલ નથી. રેસ્ટોરાં ચાલુ હોય તો લોકોના પાર્ટી ઑર્ડર લઈ શકાય. કસ્ટમરો વધુ આવી શકે, જેથી બિઝનેસ પણ થઈ શકે. એગ્રિગેટરના કમિશનને પણ ઓછાં કરવાં જોઈએ.’
ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (આહાર)ના જનરલ સેક્રેટરી સુકેશ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં મુંબઈમાં અંદાજે ૩૫ ટકા જેટલી રેસ્ટોરાં બંધ થઈ છે. બિઝનેસ જ નથી. લોકોને રેસ્ટોરાંનાં ભાડાં પણ પરવડતાં નથી. ઑનલાઇન ઑર્ડર અને પાર્સલ લેવાની પરમિશન ગવર્નમેન્ટે આપી છે, પરંતુ એમાં મુશ્કેલીથી પંદર ટકા બિઝનેસ થતો હોય છે તો એનો શું ફાયદો? પાંચ મહિનાથી રેસ્ટોરાં બંધ છે તો બિઝનેસ કેવી રીતે થાય? રેસ્ટોરાંને ચાલુ કરવા બાબતે ગવર્નમેન્ટ સાથે અમે પત્રવ્યવહાર પણ કર્યો છે, પરંતુ ગવર્નમેન્ટ કોઈ કમ્યુનિકેશન પણ નથી કરી રહી.’

urvi shah-mestry mumbai mumbai news