લૉકડાઉનમાં પણ અંધેરીની દાગીનાની ફૅક્ટરીમાંથી 8 કરોડનું સોનું ચોરાયું

26 April, 2020 09:35 AM IST  |  Mumbai | Mumbai Correspondent

લૉકડાઉનમાં પણ અંધેરીની દાગીનાની ફૅક્ટરીમાંથી 8 કરોડનું સોનું ચોરાયું

ચોરીએ કટર વડે કાપેલી સોનાની તીજોરી.

અંધેરી એમઆઇડીસીમાં આવેલી જાણીતી પેપર બોક્સ કંપનીની સામે આવેલી નીરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સોનાના દાગીના બનાવતી કંપનીમાં લૉકડાઉન દરમ્યાન ચોર કટર વડે તિજોરી કાપી તેમાંથી અંદાજે ૭થી ૮ કરોડ રૂપિયાનું સોનું ચોરી પલાયન થઈ ગયા છે. આ બાબતે સ્થાનિક એમઆઇડીસી પોલીસ અને ક્રાઇમ બ્રાંચ બન્ને સમાંતર તપાસ ચલાવી રહી છે.

આ કેસના ફરિયાદી સોના ઓવરસિઝના રાજકુમાર લુથરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં ૬-૭ વર્ષથી અમે અહીં યુનિટ ધરાવીએ છીએ. હાલ લૉકડાઉન હોવાથી વચ્ચે વચ્ચે અમે ફૅક્ટરીએ આવીને ચક્કર મારી જતા હતા. ૨૨ તારીખે અમે બપોરે ૩ વાગ્યે ફરી એક વાર ચક્કર મારીને ચેક કરવા આવ્યા હતા ત્યારે યુનિટમાં રાખેલી તિજોરી કટરથી કપાયેલી હતી અને તેમાંનું અંદાજે ૭થી ૮ કરોડનું સોનું ગાયબ હતું. એથી તરત જ સ્થાનિક એમઆઇડીસી પોલીસને જાણ કરી હતી આથી પોલીસ અને ક્રાઇમ બ્રાંચના ઑફિસરોએ આવીને તપાસ ચાલુ કરી છે. અમે યુનિટમાં સીસીટીવી અને કેમૅરા પણ લગાડ્યા હતા અને તેનું વિડિયો રેકૉર્ડર પણ હતું, પણ ચાલાક ચોર એ કેમૅરા અને વિડિયો રેકૉર્ડર પણ લઈ ગયા છે. પોલીસ આ બાબતે હવે ચોરીનો કેસ નોંધી તપાસ ચલાવી રહી છે.’

એમઆઇડીસી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશ શિંદેએ કહ્યું હતું કે ‘એ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગ્રાઉન્ડ + એક માળની છે. પહેલા માળે ઉપરની તરફ પતરાનું છાપરું છે. ચોર એ છાપરું તોડીને યુનિટમાં પ્રવેશ્યા હતા અને ત્યાર બાદ ચોરી કરી છે. હાલ અમે તપાસ ચાલુ કરી છે. શું કોઈ અંદરની વ્યક્તિ-જાણભેદું આ ચોરીમાં સંડોવાયેલું હોઈ શકે એમ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે હાલ અમારી તપાસ ચાલુ છે, કાંઈ ચોક્કસ કહી શકાય નહીં.’

mumbai mumbai news andheri Crime News mumbai crime news