લૉકડાઉનનો સદુપયોગ: WR અને BMCએ ડિલાઇલ રોડ બ્રિજ પરનું કામ હાથ ધર્યું

24 May, 2020 07:39 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

લૉકડાઉનનો સદુપયોગ: WR અને BMCએ ડિલાઇલ રોડ બ્રિજ પરનું કામ હાથ ધર્યું

ગુરુવારે સવારે ૮ વાગ્યાથી શરૂ થયેલા કૉન્ક્રીટ કામમાં કુલ ૯૨ ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શહેરના ચાવીરૂપ રોડ બ્રિજ પૈકીના એક લોઅર પરેલ સ્થિત ડિલાઇલ રોડ બ્રિજનું કાર્ય આ સપ્તાહે ઝડપી ગતિથી આગળ વધ્યું હતું અને એક તરફનું પાયાનું બાંધકામ પૂર્ણ થયું હતું. એક વરિષ્ઠ અધિકારે જણાવ્યું હતું કે લૉકડાઉનની સ્થિતિનો લાભ ઉઠાવીને ડિલાઇલ રોડ બ્રિજનું (ઈસ્ટ બાજુનું) કાર્ય ૨૦ કલાક સુધી સતત કરતાં રહીને પૂરું કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘લૉકડાઉન અમલી છે ત્યારે રેલ કે રોડ પર ટ્રાફિક ન હોવાની આ દુર્લભ તક મળી હતી. ૧૦ રેલવે સુપરવાઇઝર, ૧૬ એન્જિનિયરો અને સુપરવાઇઝરની ટીમ તથા ૫૬ મજૂરોની ટીમે સાથે મળીને આ કામ પાર પાડ્યું હતું.’

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર રવિન્દર ભારે આ કામગીરીની પુષ્ટિ કરી હતી. ફાઉન્ડેશનની આ કામગીરીમાં કુલ ૯૨ ટન સ્ટેનલેસ સ્ટીલનો વપરાશ કરવામાં આવ્યો છે. એનું કૉન્ક્રિટિંગનું કાર્ય ગુરુવારે સવારે આઠ વાગ્યે શરૂ થયું અને શુક્રવારે સવારે ચાર વાગ્યે પૂરું થયું હતું. આ બ્રિજ જે જગ્યાએ આવેલો છે એ જોતાં એને ધરાશાયી કરવાનું કે પુનર્નિર્માણનું કાર્ય મુશ્કેલ છે.

જુલાઈ ૨૦૧૮માં ડિલાઇલ બ્રિજને બંધ કરાતાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ આઇઆઇટીના ઑડિટને પગલે શહેરને જોડતો મહત્ત્વનો લોઅર પરેલ રોડ બ્રિજ તોડી પાડવામાં આવ્યો હતો. શહેરની વચ્ચોવચ આવેલા આ મહત્ત્વના બ્રિજને ત્યારથી બંધ કરી દેવાતાં તમામ દિશામાંથી આવતા ટ્રાફિકને ભારે અડચણનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યાર બાદ એના પુનર્નિર્માણનું કાર્ય તાકીદે હાથ ધરવાનો નિર્ણય લેવાયો અને પશ્ચિમ રેલવે બ્રિજનું બાંધકામ કરશે, જ્યારે બીએમસી એપ્રોચ રોડ તૈયાર કરશે એવું નક્કી થયું. બીએમસી બ્રિજના બાંધકામ માટે પશ્ચિમ રેલવેને ૧૨૫ કરોડ રૂપિયા ચૂકવશે.

rajendra aklekar mumbai news mumbai lower parel lockdown western railway