શું આમ જ જીવવું પડશે?

09 June, 2020 08:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું આમ જ જીવવું પડશે?

મુંબઈમાં પહેલા દિવસે ભારે ટ્રાફિક જૅમની સાથે બસો માટે લાંબી-લાંબી લાઇનો જોવા મળી હતી

લૉકડાઉન-5માં છૂટછાટ વચ્ચે ગઈ કાલે ‘મિશન બિગિન અગેઇન’ના ત્રીજા તબક્કામાં પ્રાઇવેટ ઑફિસો અને સામાન્ય લોકો માટે બેસ્ટની બસો શરૂ થવાથી મુંબઈમાં પહેલા દિવસે ભારે ટ્રાફિક જૅમની સાથે બસો માટે લાંબી-લાંબી લાઇનો જોવા મળી હતી. ૧૦ ટકા હાજરીની પરવાનગી મળી છે, પણ આ ૧૦ ટકાએ કદાચ સૌપ્રથમ વાર ઑફિસમાં લોકલ ટ્રેન વિના પહોંચવાનું હતું. કોરોનાના ૪૦,૦૦૦ કેસ ધરાવતા મુંબઈમાં જાણે કોઈ ડર જ ન રહ્યો હોય એમ મોટી સંખ્યામાં લોકોએ ઘરની બહાર નીકળીને રીતસરની દોટ મૂકી હતી. આવી જ પરિસ્થિતિ આગામી દિવસોમાં રહેશે તો એનાં ગંભીર પરિણામ એકાદ અઠવાડિયામાં આવી શકે છે. કોરોના-વિસ્ફોટ થાય તો નવાઈ નહીં. મીરા રોડના જસવંત જાનીનો કિસ્સો લઈએ તો તેમણે તેઓ જ્યાં કામ કરે છે એ સ્ટોર સુધી પહોંચવા માટે ત્રણ બસ બદલવી પડી હતી. પ્રશ્ન એ છે કે શું આમ જ જીવવું પડશે?

મુંબઈ, થાણે, નવી મુંબઈ, મીરા-ભાઈંદર, વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી સહિતના વિસ્તારોમાં પાલિકા સંચાલિત બસો સામાન્ય લોકો માટે શરૂ કરવામાં આવતાં ગઈ કાલે સવારથી હજારો લોકો લાઇનમાં ઊભેલા જોવા મળ્યા હતા. પ્રાઇવેટ ઑફિસો અને નાની માર્કેટ ખોલવાની મંજૂરી મળી હોવાથી આટલા બધા લોકો અઢી મહિના બાદ ઘરની બહાર નીકળતાં અનેક જગ્યાએ ભારે અફરાતફરી જોવા મળી હતી. બસ જ્વાયથી શરૂ થતી હતી ત્યાં જ ભરાઈ જતી હોવાથી વચ્ચેનાં બસ-સ્ટૉપ પરના પ્રવાસીઓ કલાકો સુધી રાહ જોઈને કંટાળી જતાં પાછા ઘરે ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

coronavirus covid19 lockdown mumbai mumbai news