રેલવે-સ્ટેશન પર ટૂ-વ્હીલરના પાર્કિંગ ચાર્જમાં ખુલ્લેઆમ લૂંટ

19 November, 2014 05:38 AM IST  | 

રેલવે-સ્ટેશન પર ટૂ-વ્હીલરના પાર્કિંગ ચાર્જમાં ખુલ્લેઆમ લૂંટ


અંકિતા સરીપડિયા

મુલુંડ રેલવે-સ્ટેશન પર ટૂ-વ્હીલરના પાર્કિંગ માટે ૧૨ કલાક સુધીના ૧૫ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે; જ્યારે હાલમાં ત્યાં પાર્કિંગ-પ્લૉટમાં ચાર્જ વસૂલ કરનાર કૉન્ટ્રૅક્ટર દ્વારા ૧૫ રૂપિયાને બદલે ૨૦ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે. આમ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી કૉન્ટ્રૅક્ટર દિવસના હજારો રૂપિયા લોકો પાસેથી રળી લે છે અને ખુલ્લેઆમ લૂંટનો ધંધો ચલાવે છે. આ વિશે ફરિયાદ અને વિરોધ કરનારા મુલુંડના રહેવાસી સુનીલ નાગડાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું ઘણી વાર સ્ટેશન વિસ્તારમાં ટૂ-વ્હીલર પાર્ક કરું છું એ માટે કૉન્ટ્રૅક્ટર મારી પાસેથી ૧૨ કલાક માટે ૨૦ રૂપિયા વસૂલ કરે છે. જ્યારે પાર્કિંગ વિસ્તારમાં લગાવવામાં આવેલા ર્બોડ પર ૧૨ કલાક સુધીના ૧૫ રૂપિયા લખેલા છે, એથી મેં પાંચ રૂપિયા વધુ કેમ લે છે એમ પ્રfન કર્યો હતો ત્યારે એણે જૂનું ર્બોડ હોવાનું જણાવ્યું હતું અને મેં જ્યારે નવું ર્બોડ લગાવવા કહ્યું તો તેણે એ કામ રેલવેનું હોવાનું કહ્યું હતું.

બાદ મેં રેલવેના સ્ટેશન-માસ્ટરનો સંપર્ક કર્યો હતો અને તેમણે ર્બોડ પર લખેલા ચાર્જ આપવા જ કહ્યું હતું એથી મેં વિરોધ કરી કૉન્ટ્રૅક્ટરને ૧૫ રૂપિયા જ આપ્યા હતા, જે તેણે ચૂપચાપ સ્વીકારી લીધા હતા અને હવે મારી પાસેથી એ ૧૫ રૂપિયા જ વસૂલે છે. જોકે અન્ય પૅસેન્જર પાસેથી ૨૦ રૂપિયા વસૂલ કરે છે. એથી મારી નાગરિકોને વિનંતી છે કે આવી લૂંટથી સતર્ક રહો અને વધારાનો ચાર્જ આપો નહીં. એક રીતે જોઈએ તો પાંચ રૂપિયા મોટી રકમ ન કહેવાય પરંતુ એક રૂપિયાની પણ જો આ રીતે લૂંટ ચલાવવામાં આવે તો એ ખોટું જ છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ખુલ્લેઆમ ચાલી રહેલી આ લૂંટનો આપણે વિરોધ ન કરીએ તો કૉન્ટ્રૅક્ટરને ફાવતું મળી જાય છે.’