શિંદેના ગઢ થાણેમાં સ્થાનિક BJP નેતાઓ મહાનગરપાલિકાના નિયંત્રણમાં સન્માનજનક હિસ્સો માગે છે

22 January, 2026 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)માં ૭૫ વૉર્ડ જીત્યા હતા. ગઠબંધન ભાગીદાર BJPએ ૨૮ બેઠક મેળવી હતી

એકનાથ શિંદે

મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણેમાં BJP અને શિવસેના વચ્ચે તનાવનો માહોલ ચાલી રહ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટીના ૧૦૦ ટકા સ્ટ્રાઇક-રેટને કારણે સત્તામાં નોંધપાત્ર હિસ્સો મેળવવા માટે રજૂઆત કરી રહ્યા છે.

એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)માં ૭૫ વૉર્ડ જીત્યા હતા. ગઠબંધન ભાગીદાર BJPએ ૨૮ બેઠક મેળવી હતી. આમ ૧૩૧ સભ્યોની TMCમાં સત્તા મેળવવા માટે જરૂરી ૬૬નો બહુમતી આંકડો તેઓ પાર કરી ગયા છે.

શિવસેના એના સાથીપક્ષથી ખૂબ પાછળ રહીને બીજા ક્રમે રહી હોવા છતાં મુંબઈના મેયર પદ પર નજર રાખી રહી છે એવી અટકળો વચ્ચે BJPએ TMCની ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનને વખાણતાં પોસ્ટરો લગાડ્યાં છે.

BJPના થાણે પ્રભારી નિરંજન ડાવખરેએ જણાવ્યું હતું કે આ બૅનરો ચૂંટણી-જીત મેળવવામાં પક્ષના કાર્યકરોના અથાક પ્રયાસોને બિરદાવવા લગાડાયાં છે. નિરંજન ડાવખરેએ કહ્યું હતું કે ટેક્નિકલ કારણોસર ગુમાવેલી એક બેઠકને બાદ કરતાં BJPએ  થાણેમાં લડેલી ૨૮ બેઠકોમાં ૧૦૦ ટકા સ્ટ્રાઇક-રેટ જાળવી રાખ્યો છે. તેમણે કહ્યું હતું કે ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં તાજેતરની ચૂંટણીઓમાં BJPની શાનદાર સફળતાને કારણે થાણેમાં BJP માટે મજબૂત ભૂમિકા જરૂરી છે.

નિરંજન ડાવખરેએ મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે ‘જો આપણે આપણા ઢંઢેરામાં આપેલાં વચનો પૂરાં કરવાં હોય તો મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મુખ્ય હોદ્દા પર રહેવું જરૂરી છે. મેયરનું પદ હોય, ગૃહના નેતા હોય, સ્થાયી સમિતિ હોય કે અન્ય મહત્ત્વપૂર્ણ સમિતિઓ હોય; આ હોદ્દાઓમાં અર્થપૂર્ણ ભૂમિકા વિના, થાણે માટે અમે જે વિકાસ યોજના બનાવી છે એમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. જોકે એમ છતાં વરિષ્ઠ નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર BJP પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ જે પણ નિર્ણય લેશે એ અમને અને પાર્ટીના તમામ કાર્યકરોને સ્વીકાર્ય રહેશે.’

mumbai news mumbai thane municipal corporation thane municipal elections bmc election eknath shinde bharatiya janata party