મુંબઈયાત્રા દરમ્યાન અડવાણી રથ પરથી ઊતરી નહીં શકે

01 November, 2011 03:20 PM IST  | 

મુંબઈયાત્રા દરમ્યાન અડવાણી રથ પરથી ઊતરી નહીં શકે



(સપના દેસાઈ)

મુંબઈ, તા. ૧

ફક્ત બોરીવલીમાં જ જાહેર સભા માટે તેઓ નીચે ઊતરશે. આમ મુલુંડથી બોરીવલીની લગભગ ચાલીસેક કિલોમીટરની રથયાત્રા દરમ્યાન એક પણ વાર તેઓ રથમાંથી નીચે ઊતરી નહીં શકે અને પાંચ મિનિટથી વધારે કોઈ પણ સ્થળે થોભી પણ નહીં શકે.

શુક્રવારે પોતાની રથયાત્રા સાથે લાલકૃષ્ણ અડવાણી મુંબઈમાં આવી રહ્યા છે ત્યારે બીજેપીના વરિષ્ઠ અને સ્થાનિક નેતાઓ તેમ જ મુંબઈનાં વિવિધ પોલીસ-સ્ટેશનોના અધિકારીઓ સહિત પોલીસના તમામ દરજ્જાના ઉચ્ચ અધિકારીઓની હાલમાં જ એક મીટિંગ યોજાઈ હતી જેમાં તેમની સુરક્ષાને ધ્યાનમાં લઈને બીજેપીના નેતાઓને અમુક નર્દિેશો આપવામાં આવ્યા હતા. ઝેડ સિક્યૉરિટીમાં આવતા લાલકૃષ્ણ અડવાણીની મુંબઈયાત્રા દરમ્યાન તેમની આસપાસ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આમ છતાં મુંબઈમાં સાત સ્થળે જ્યાં તેઓ નાની સભાને સંબોધવાના છે એમાંથી એકપણ સ્થળે તેઓ પાંચ મિનિટથી વધુ સમય રોકાઈ નહીં શકે. એટલું જ નહીં; તેમનું સ્વાગત કરવા માટે કોઈ તેમને ફૂલ, હારતોરા કે પછી શ્રીફળ સુધ્ધાં અર્પણ કરી શકશે નહીં. જો કોઈ તેમનું સ્વાગત કરવા જ માગતું હોય તો તેમના પર માત્ર ફૂલોની પાંખડીઓનો જ વરસાદ કરી શકાશે.

લાલકૃષ્ણ અડવાણીની સુશાસન અને સ્વચ્છ રાજનીતિ માટે ચાલી રહેલી જનચેતના યાત્રા બાબતે બીજેપીના મુંબઈ અધ્યક્ષ ઍડ્વોકેટ રાજ પુરોહિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વરિષ્ઠ નેતાની સુરક્ષાને લઈને પણ અમે ગંભીર છીએ. તેમની મુંબઈની રથયાત્રા દરમ્યાન કુલ ૧૨૦૦ મોટરસાઇકલ તેમની સાથે હશે, જેમાં ઉત્તર મુંબઈની જ ૪૦૦થી ૫૦૦ મોટરસાઇકલ હશે. સાત જગ્યાએ નાની સભા સંબોધશે. એમાં મુલુંડમાં બે, ઘાટકોપરમાં બે, જોગેશ્વરીમાં એક, ગોરેગામમાં એક, મલાડમાં એક અને કાંદિવલીમાં સ્ટેશન બહાર જનતાને તેઓ ગાડીમાં રહીને જ સંબોધશે. ત્યાંથી તેઓ રાતના આઠેક વાગ્યે બોરીવલી આવશે.’

રથયાત્રા બાબતે વધુ માહિતી આપતાં વિધાનસભ્ય યોગેશ સાગરે  ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલીમાં કોરા કેન્દ્ર મેદાનમાં તેઓ વિશાળ સભાને સંબોધશે. એમાં જનતા અને બીજેપીના અનેક નેતાઓની સાથે શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને રિપબ્લિક પાર્ટીના ઑફ ઇન્ડિયાના રામદાસ આઠવલે હાજરી આપવાના છે. સભા બાદ તેઓ એમબીએ (માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન)ના વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરઍક્શન કરશે, તેમની આ રથયાત્રા યોજવાનાં કારણો જણાવશે અને તેમની સાથે ચર્ચા કરશે. એમાં પણ સૌથી નજીકના વિદ્યાર્થી અને તેમની વચ્ચે ઓછામાં ઓછું ૨૦ ફૂટનું અંતર હશે. ત્યાર બાદ રાતના તેઓ બોરીવલીમાં એક હોટેલમાં રોકાશે અને બીજા દિવસે સવારે એક પત્રકાર-પરિષદ યોજ્યા બાદ ગુજરાત તરફ રવાના થશે.’

મુંબઈમાં અડવાણીની જનચેતના યાત્રાનો રૂટ

લાલકૃષ્ણ અડવાણી શુક્રવારે સાંજે ચાર વાગ્યે નવી મુંબઈના ઐરોલી-મુલુંડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જંક્શન પરથી મુલુંડમાં પ્રવેશ કરશે. અહીંથી મુલુંડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જંક્શનથી મુલુંડ ઈસ્ટ અને વેસ્ટને જોડતા બ્રિજ પરથી તેઓ વેસ્ટમાં નેતાજી સુભાષ રોડ પર આવશે. અહીંથી આગળ પાંચ રસ્તા જંક્શન પર એક નાનકડી સભાને તેઓ સંબોધશે. અહીંથી આગળ દેવીદયાળ રોડ થઈને ફાયરબ્રિગેડ પાસેથી લેફ્ટ ટર્ન મારી એલબીએસ માર્ગ પર ભાંડુપ તરફ આગળ વધશે. એમાં સોનાપુર જંક્શન, ભાંડુપ પોલીસ-સ્ટેશન અને ભાંડુપ વિલેજ રોડ જંક્શન, ડ્રીમ્સ મૉલની બહાર અને ત્યાંથી આગળ મંગતરામ પેટ્રોલ-પમ્પ સિગ્નલ પર બીજેપીના સ્થાનિક કાર્યકરોને મળીને આગળ વિક્રોલી સૂર્યાનગર, વિક્રોલી રેલવે-સ્ટેશન-એલબીએસ માર્ગ થઈ ઘાટકોપર (વેસ્ટ)ના સર્વોદય હૉસ્પિટલના સર્કલ પર પહોંચશે. અહીં રથમાં ઊભા રહીને જ અડવાણીજી બે મિનિટનું ભાષણ કરશે. પછી ઘાટકોપર (વેસ્ટ)ના મહાત્મા ગાંધી રોડ પર ઓઘડભાઈ લેનના કાર્યાલય નજીક પહોંચશે. અહીં  રાજાવાડી પાસે આવેલી સિંધુવાડીમાં જશે. યાત્રા હોટેલ મેઘરાજની સામેના રોડ પરથી, પુણે વિદ્યાભવન માર્ગ પરથી પસાર થઈ રમાબાઈનગર પહોંચશે. ત્યાંથી વિક્રોલી પાસેના ગાંધીનગર થઈને પવઈ આઇઆઇટીના લોકોનું અભિવાદન ચાલતાં-ચાલતાં જ ઝીલી તેમની યાત્રા જોગેશ્વરી લિન્ક રોડ પરથી વેસ્ટર્ન સબબ્ર્સમાં જશે. ત્યાં આજગાંવકર પ્લૉટ અસ્મિતા સ્કૂલ પાસે એક નાનકડી સભા યોજશે. ત્યાંથી આગળ ગોરેગામ (ઈસ્ટ)માં ઑબેરૉય મૉલ પાસેથી આગળ વધશે. ત્યાં સાવરકર ચોક પાસે નાની સભાને સંબોધશે. ત્યાંથી આગળ સાવરકર ફ્લાયઓવરથી ગોરેગામ (વેસ્ટ)માં એસ. વી. રોડ પર જશે. ત્યાંથી આગળ મલાડ (વેસ્ટ)માં સ્ટેશન પાસે પબ્લિકને સંબોધશે. ત્યાંથી આગળ ન્યુ ઈરા ટૉકીઝ, માર્વે રોડ જંક્શનથી બીજેપીની ઑફિસ કાન્તિ ટેરેસ થઈને કાંદિવલી (વેસ્ટ)ના સાંઈબાબાનગર પાસે પહોંચશે; જ્યાં કાંદિવલી સ્ટેશનની બહાર જનતાને તેઓ સંબોધશે. ત્યાંથી બોરીવલી (વેસ્ટ)માં કોરા કેન્દ્ર ગ્રાઉન્ડમાં પહોંચશે.