મુંબઈમાં વહેલી સવારથી વરસાદ, ડિસેમ્બરમાં પડી રહી છે છત્રીની જરૂર

05 December, 2019 08:25 AM IST  |  Mumbai

મુંબઈમાં વહેલી સવારથી વરસાદ, ડિસેમ્બરમાં પડી રહી છે છત્રીની જરૂર

ફાઈલ તસવીર(તસવીરકારઃ અતુલ કાંબળે)

આ વખતે તો છેક દિવાળી સુધી વરસાદ પડ્યો હતો એવું નવીનવાઈ સાથે કહેતા હો અને એવી આશા રાખતા હો કે હવે તો વરસાદ ગયો...તો ભૂલ કરો છો. આજે એટલે હા, પાંચમી ડિસેમ્બરે મુંબઈમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જે સાચી પડી રહી છે. મુંબઈમાં વહેલી સવારથી જ હળવો વરસાદ પડી રહ્યો છે.
અરબી સમુદ્રમાં અત્યારે બે વાવાઝોડા આકાર લઈ રહ્યા છે અને એમાંના અમ્ફનને કારણે આજે વરસાદ પડવાની આગાહી છે. હવાના દબાણનો બીજો પટ્ટો નામે પવન સોમાલિયા તરફ ગતિ કરી રહ્યો છે પણ તેની અસર પણ થોડીક દેખાય તો નવાઈ નહીં. મૂળે ક્લાયમેટ ચૅન્જને કારણે આ મોસમમાં અરબી સમુદ્રમાં અત્યારે આ નવમું વાવાઝોડું તૈયાર થયું છે. યાદ રહે કે છેક ૧૯૭૬માં આનાથી વધુ વાવાઝોડા ભારતના કિનારા નજીક તૈયાર થયા હતા અને એની સંખ્યા હતી દસ.
અરબી સમુદ્રમાં ફરી એક વાર હળવા દબાણનો પટ્ટો તૈયાર થતાં હવામાન વિભાગે આવતા ૨૪ કલાકમાં ચક્રવાતના આગમનની સંભાવના જણાવી છે જેને લીધે મુંબઈ, પુણે, નાશિકમાં વરસાદ વરસી શકે છે. ક્યાર અને મહા નામના વાવાઝોડાથી માંડ રાહત મળી હતી ત્યાં ફરી એક વાર પવન અને અમ્ફન નામનાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રના ઈસ્ટ-સેન્ટ્રલ એરિયામાં ચાલેલા અમ્ફન નામના ચક્રવાતને કારણે કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર તેમ જ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.

mumbai mumbai rains