જીવના જોખમે જીવદયા

17 January, 2022 11:51 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કુર્લામાં ગેરકાયદે થતી માંસની હેરાફેરીને અટકાવવા ગયેલા જીવદયાપ્રેમીઓ પર થયો પોલીસની હાજરીમાં લાકડી, સળિયા અને પથ્થરથી થયો હુમલો

હુમલાખોરોની મારઝૂડનો ભોગ બનેલો લોહીલુહાણ આશિષ બારીક (ડાબે), ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશનની બહાર ઘટનાની માહિતી આપી રહેલો ફરિયાદી પ્રતીક નનાવરે

ગૌરક્ષા માટે કામ કરતા ધ્યાન ફાઉન્ડેશનના બે વૉલન્ટિયર્સ પ્રતીક નનાવરે અને આશિષ બારીકને માહિતી મળી હતી કે રવિવારે સવારે ૬ વાગ્યે કુર્લાના કસાઈવાડામાં કથિતપણે ગૌમાંસ વેચાવા આવવાનું છે. એટલે તેમણે ચુનાભઠ્ઠી પોલીસ અને પોલીસ મેઇન કન્ટ્રોલને જાણ કરી ચુનાભઠ્ઠી પોલીસને સાથે લઈ આઇશર ટેમ્પોનો પીછો કરીને એને રોક્યો હતો અને તપાસ કરી રહ્યા હતા ત્યારે ૧૮-૨૦ જણનું ટોળું પોલીસની હાજરીમાં જ તેમના પર તૂટી પડ્યું હતું. આ ટોળાએ મુક્કા, લાત, લાકડી અને લોખંડના સળિયા, પથ્થરથી તેમની મારઝૂડ કરી હતી. એક જણે આશિષ બારીકને માથામાં લોખંડનો સળિયો ફટકારી દેતાં તેને ટાંકા આવ્યા છે અને હાલ હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ચુનાભઠ્ઠી પોલીસે આ સંદર્ભે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.   
આ કેસના ફરિયાદી પ્રતીક નનાવરેએ પોલીસને આપેલા તેના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘અમને અમારા સિનિયર યતીન કાંતિલાલ જૈને માહિતી આપી હતી કે ગૌમાંસ ટ્રાન્સપોર્ટ થવાનું છે. એથી અમે પોલીસ કન્ટ્રોલને જાણ કરી હતી. ત્યાર બાદ ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશનમાં જઈ વિગત આપી હતી કે  અમને ગુપ્ત બાતમીદાર તરફથી માહિતી મળી છે કે મરુન કલરના આઇશર ટેમ્પોમાં માંસ કુર્લાના કસાઈવાડામાં અબ્દુલ અસલમ રૌફ કુરેશી ઉર્ફે મુલ્લા પાસે આવવાનું છે. ત્યાર બાદ અમે પોલીસ વૅનમાં પોલીસ સાથે કસાઈવાડાના નાગોબા ચોક ગયા હતા.’  
ફરિયાદી પ્રતીક નનાવરેએ વધુમાં કહ્યું હતું કે ‘એ વખતે કબ્રસ્તાન રોડ બડી મસ્જિદ પાસે અમે એ ટેમ્પો રોક્યો હતો. ચુનાભઠ્ઠી પોલીસે એના ડ્રાઇવર મુશ્તાક અહમદ અલી મોહમ્મદ હનીફ સૈયદને પૂછ્યું કે ટેમ્પોમાં શું છે? ત્યારે તેણે કહ્યું હતું કે એમાં અસલમ અબ્દુલ રૌફ કુરેશીની દુકાનમાં વેચવા માટે માંસ છે. પોલીસે તેમની પાસે એ માટેના કાગળપત્ર માગ્યા હતા જે તેની પાસે નહોતા. ટેમ્પોની ચકાસણી કરતાં એમાં બરફના ટુકડા સાથે માંસના ટુકડા હોવાનું જણાઈ આવ્યું હતું, એથી પોલીસે આગળની કાર્યવાહી કરવા ડ્રાઇવર અને માંસ ભરેલો ટેમ્પો તાબામાં લીધો હતો. એ પછી આગળ જતાં કેટલાક લોકો હાથમાં લાકડી, પથ્થર, સળિયા લઈને અમારી તરફ આવ્યા હતા. એ વખતે અસલમ કુરેશી રિક્ષામાં ત્યાં આવી પહોંચ્યો હતો અને એ લોકોને ઉદ્દેશીને કહ્યું હતું કે ઇનકો આજ ખલ્લાસ કર દેંગે, સબ મિલકે ઇનકો માર ડાલેંગે, ઇનકો આજ કૌન બચાતા હૈ વહી દેખતા હૂં. એ પછી એ લોકો અમારા પર તૂટી પડ્યા હતા. એ વખતે અમારી સાથે રહેલા પીઆઇ સમાધાન પવાર અને તેમના સાથીઓએ એ ટોળાને વિખેરી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે અમને બન્નેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ હિંસક ટોળાએ હુમલો કરી જ દેતાં આખરે અમે બન્નેને ઈજા થઈ હતી અને અમે ફસડાઈ પડ્યા હતા. એ પછી સમાધાન પવારે અસલમને તાબામાં લીધો હતો અને અમને બન્નેને પોલીસ વૅનમાં નાખી સારવાર માટે સાયન હૉસ્પિટલ લઈ જવાયા હતા. મારી ઈજા ગંભીર નહોતી એથી સારવાર કરી પોલીસ સાથે હું ચુનાભઠ્ઠી સ્ટેશન આવ્યો હતો, જ્યારે મારા સાગરીત આશિષની ઈજા ગંભીર હોવાથી તેને દાખલ કરી સારવાર અપાઈ રહી છે.’  
આ સંદર્ભે ‘મિડ-ડે’એ ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ દેસાઈનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ કેસના ફરિયાદી અને તેના સાથી બન્ને ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે મદદ માગી હતી. આ ઉપરાંત અમને પોલીસ કન્ટ્રોલમાંથી પણ આદેશ આવ્યો હતો કે બન્નેની મદદ કરવી. એથી અમારી ટીમ તેમની સાથે ગઈ હતી. એ વખતે ઘટનાસ્થળે મટન ઉતારનારા ૮-૧૦ જણે તેમના પર હુમલો કર્યો હતો. અમારા અધિકારીએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફરિયાદીના સાથીને માથામાં પથ્થર લાગ્યો છે. અમે આ કેસમાં સાત જણને તાબામાં લીધા છે જેમાં અસલમ અબ્દુલ રૌફ કુરેશી ઉર્ફે મુલ્લાનો પણ સમાવેશ છે. અમે આ કેસમાં આઇપીસીની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) ઉપરાંત અન્ય કલમો સહિત મહારાષ્ટ્ર પ્રાણી પરના અત્યાચાર કાયદા હેઠળ પણ ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ ગૌમાંસનો આરોપ લગાવ્યો છે. જોકે અમે અત્યારે એ માંસ જપ્ત કરી ટેસ્ટિંગ માટે લૅબમાં મોકલાવી રહ્યા છીએ. એનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે એ શું હતું. હાલ આરોપીની પૂછપરછ કરી તેમની ધરપકડ કરવાની પ્રોસીજર ચાલુ છે.’

mumbai mumbai news kurla bakulesh trivedi