બોરીવલીના દત્તાણી ટાવરમાં સાતમા માળના ફ્લૅટમાં આગ

31 August, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૨૦૦ સ્ક્વેર ફુટના ફ્લૅટમાં ઍર-કન્ડિશનર, લાકડાના દરવાજા, ફર્નિચર, ઇલેક્ટ્રિક વાયરિંગ વગેરે બળી ગયું હતું.

આગનો ગાઢ ધુમાડો દૂરથી જોઈ શકાતો હતો. તસવીર: નિમેશ દવે

બોરીવલી-વેસ્ટના કોરા કેન્દ્ર રોડ પર આવેલા દત્તાણી ટાવરમાં શુક્રવારે બપોરે સાતમા માળે આગ લાગી હતી. ૭૩ નંબરના ફ્લૅટમાં આગ લાગવાને કારણે ફ્લૅટનું વાયરિંગ અને ફર્નિચર બળી ગયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.

ફાયર કન્ટ્રોલ રૂમ તરફથી મળેલી માહિતી મુજબ શુક્રવારે બપોરે ૨.૧૮ વાગ્યે ગ્રાઉન્ડ પ્લસ ૧૨ માળના દત્તાણી પાર્ક બિલ્ડિંગના સાતમા માળે આવેલા ફ્લૅટના મીટર-બૉક્સમાં આગ લાગી હતી. આ સામાન્ય પ્રકારની લેવલ-૧ આગ હતી જે ફાયર-બ્રિગેડની મદદથી થોડા સમયમાં બુઝાવી દેવામાં આવી હતી. ૧૨૦૦ સ્ક્વેર ફુટના ફ્લૅટમાં ઍર-કન્ડિશનર, લાકડાના દરવાજા, ફર્નિચર, ઇલેક્ટ્રિક વાયરિંગ વગેરે બળી ગયું હતું. આગનો ગાઢ ધુમાડો બિલ્ડિંગની બહાર ફેલાતાં રહેવાસીઓમાં ફફડાટ ઊભો થયો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.

borivali news fire incident mumbai fire brigade mumbai mumbai news mumbai police