કાયપો છે કરવા ચાલો ગુજરાત

13 January, 2022 09:29 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મુંબઈમાં આ વખતે પણ કોરોનાનું સંકટ વધતાં મકરસંક્રાન્તિની ઉજવણી કરવા મળવાની નથી એટલે મુંબઈગરા ફરી ગુજરાત જઈને ઉત્તરાયણ કરવા ઉત્સાહિત

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાનું સંકટ ફરી વધી જતાં રાજ્ય સરકારે અનેક પ્રકારના પ્રતિબંધ લાદી દીધા છે. એવામાં મકરસંક્રાન્તિનો તહેવાર માથે છે પરંતુ વધતા કોરોનાના કેસને લઈ મુંબઈમાં પ્રતિબંધ સાથે એક રીતે મિની લૉકડાઉન લાગુ કરાયું છે. આગામી દિવસોમાં પણ કેસ વધવાની શક્યતાને લીધે મકરસંક્રાન્તિની ઉજવણી કરવા મળે એ મુશ્કેલ છે, એને ધ્યાનમાં લઈને અમુક મુંબઈગરાઓ ફરી આ વર્ષે પણ ગુજરાત જવાના છે.
 ગુજરાતીઓ કાયપો છે કરે નહીં ત્યાં સુધી મકરસંક્રાન્તિ ઊજવાય નહીં એમ કહેતા દાદરના પ્રભાદેવીમાં રહેતા જિતેન્દ્ર મકવાણાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષથી અમે મુંબઈમાં ઉજવણી કરવાનું વિચારતા હતા પરંતુ કોરોનાના કેસ એટલા વધી ગયા હતા કે એ કરવું શક્ય નહોતું. એથી બે વર્ષથી ઉજવણી કરી શક્યા નથી પરંતુ આ વખતે બાળકો અને અમને પણ ઉજવણી કરવી છે એવું નક્કી કર્યું છે. જોકે આ વખતે પણ મુંબઈની પરિસ્થિતિ પહેલાં જેવી જોવા મળી રહી છે, એથી પરિવારે નક્કી કર્યું છે કે સુરતમાં રહેતી મારી બહેનના ઘરે ઉજવણી કરવા જઈએ. ગુજરાતમાં વધુ પ્રતિબંધો નથી અને એની સાથે પરિવારના લોકોની પણ ઇચ્છા પૂરી કરી શકાશે. આમ તો જૉબ પર મને ગુરુવારે રજા હોય છે એટલે ૧૪ અને ૧૫ જાન્યુઆરીની રજા લઈને ૧૩ જાન્યુઆરીના સાંજે અહીંથી ટ્રેન પકડીને ત્યાં ઉજવણી કરવા જઈશું.’
પ્રભાદેવી સાસ્કૃતિક કેન્દ્ર નામની સામાજિક સંસ્થાના સભ્યો ભેગા થઈને વર્ષમાં બે વખત બહાર જતા હોઈએ છીએ જેમાં મકરસંક્રાન્તિનો અચુક સમાવેશ હોય છે. છેલ્લાં બે વર્ષથી અમે કોરોનાને લીધે ગ્રુપમાં મકરસંક્રાન્તિ ઊજવી નથી પરંતુ આ વખતે ગુજરાત જઈને ઊજવવાનું નક્કી કર્યું છે એમ કહેતા ભરત સોલંકીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના સામાજિક, ધાર્મિક કાર્યો અમે કરતા હોઈએ છીએ. વર્ષમાં બે વખત અમે સંસ્થાના લોકો ફરવા જતા હોઈએ છીએ. અમે બધા મળીને મકરસંક્રાન્તિનો કાર્યક્રમ પણ કરીએ છીએ. બે વર્ષથી કોઈ કાર્યક્રમ કર્યો નથી એટલે આ વખતે મકરસંક્રાન્તિ માટે ગુજરાત જવાનું નક્કી કર્યું છે. મુંબઈમાં કોરોના કેસ વધુ હોવાથી અને સરકાર પણ પરવાનગી નહીં આપશે એટલે થોડા ફ્રેશ થવા માટે અમે ગુજરાત જઈશું. દર વર્ષે અમે બે દિવસ રોકાઈએ છીએ પરંતુ આ વખતે ફક્ત ૧૩ જાન્યુઆરીના રાતે જઈશું અને ૧૪ જાન્યુઆરીના પાછા આવી જઈશું.’
ગ્રાન્ટ રોડમાં રહેતાં ગીતા પરમારે જણાવ્યું હતું કે ‘કોરોના અને બાળકોની સ્ટડી ઘરેથી થઈ રહી હોવાથી બાળકોને લઈ જવા કે નહીં એ નક્કી નથી, પરંતુ અમે મોટા ચારેક જણ જવાની તૈયારી છે. અમારા સંબંધીઓ સુરત રહે છે એટલે ત્યાં રોકાવું સારું પડે છે. કોરોનાને કારણે ક્યાંય જઈ શકાતું નથી એટલે મકરસંક્રાન્તિ નિમિત્તે જઈ શકાશે.’

mumbai mumbai news