14 October, 2025 08:07 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યમાં બે જુદા-જુદા બનાવોમાં દીપડાના હુમલામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. બીડમાં ગાયો ચરાવવા ગયેલા ૩૬ વર્ષના ખેડૂત અને પુણેના શિરુર તાલુકાના ગામમાં પાંચ વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાતાં સ્થાનિક લોકોએ વનવિભાગને પશુઓના હુમલા સામે સુરક્ષા વધારવાની અપીલ કરી છે.
રવિવારે શિરુર તાલુકાના પીંપરખેડ ગામમાં ખેતરમાં પરિવાર સાથે કામ કરતી પાંચ વર્ષની બાળકી તેના દાદા માટે નજીકમાં આવેલા ઘરમાં પાણી લેવા ગઈ હતી. એ સમયે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. ગળાથી પકડીને દીપડો બાળકીને ખેતરમાં ખેંચી ગયો હતો. આસપાસ ઊભેલા લોકોએ બાળકીને છોડાવવાનો પ્રયત્ન કરતાં દીપડો બાળકીને મૂકીને જંગલમાં જતો રહ્યો હતો. બાળકીએ સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો હતો. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ૧૦ જગ્યાએ પાંજરાં ગોઠવીને સોમવારે દીપડાને પકડી લીધો હતો.
બીજા બનાવમાં બીડના એક ગામમાં રવિવારે સવારે ગાયો ચરાવવા ગયેલો ખેડૂત ઘરે પાછો ન ફરતાં ફૉરેસ્ટ વિભાગ અને સ્થાનિક લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. સોમવારે સવારે જંગલમાંથી ખેડૂતનું અડધું શરીર દીપડાએ ખાધેલી અવસ્થામાં મળી આવ્યું હતું.