કાંજુરમાર્ગમાં દીપડો : ૩૦,૦૦૦ ફૅમિલી ઘરકેદમાં

26 December, 2011 03:42 AM IST  | 

કાંજુરમાર્ગમાં દીપડો : ૩૦,૦૦૦ ફૅમિલી ઘરકેદમાં



કાંજુરમાર્ગ (ઈસ્ટ)માં આવેલા મનસુખ રેસિડેન્શિયલ કમ્પાઉન્ડમાં નવ દિવસ પહેલાં જોવા મળેલો માદા દીપડો શુક્રવારે મોડી સાંજે ફરીથી જોવા મળ્યો હતો. ત્યાંના એક રહેવાસીએ દીપડો જોયો હોવાની બાતમી આપ્યા બાદ થાણેના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા સંજય ગાંધી નૅશનલ પાર્કની ટીમે  સર્ચ-ઑપરેશન કર્યું હતું. જોકે આ મહેનત તેમના માટે નિરર્થક પુરવાર થઈ હતી. થાણેના વનવિભાગના સહાયક સંરક્ષક સુરેશ દારડેએ કહ્યું હતું કે સાવચેતીનાં પગલાંરૂપે અમે દીપડાને પકડવા બે પાંજરા મૂક્યાં છે.

આ વિસ્તારમાં રહેતા લગભગ ૩૦,૦૦૦ જેટલા પરિવારના લોકોમાં એટલો ફફડાટ વ્યાપી ગયો છે કે તેમણે વહેલી સવારે તથા સાંજ પછી ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે.

અહીં રહેતી ફૅમિલીમાં માતાપિતા તેમનાં બાળકોને બહાર રમવા જવા દેતાં નથી. મૉર્નિંગ વૉક અને ઈવનિંગ વૉક માટે નીકળતા લોકો ઘરમાં બેસી રહે છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં રાતે અંધારું રહેતું હતું અને એમ છતાં લોકો રાતે બહાર નીકળતા ડરતા નહોતા, પરંતુ હવે અહીં ચાર હેલોઝન લગાવવામાં આવી છે.

દીપડાના ભયને કારણે આ એરિયામાં દૂધવાળાએ દૂધ આપવા આવવાનું બંધ કરી દીધું હતું. જોકે તેના માટે રોજીરોટીનો સવાલ હોવાથી તેને કમને આવવું પડે છે, પરંતુ તે વહેલી સવારે આવવાને બદલે સવારે આઠ વાગ્યા બાદ આવે છે. અહીં લોકોની અવરજવર પણ ઓછી થઈ જવાથી આ એરિયામાં દુકાનો ધરાવતા લોકોના ધંધા પર પણ માઠી અસર થઈ છે.