વિધાન પરિષદની ચૂંટણીમાં સોમવારે ચમત્કાર થશે એ આખું મહારાષ્ટ્ર જોશે

19 June, 2022 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે આ ચમત્કાર કઈ બાજુએ થશે એ અત્યારે ન કહી શકું તેમ જ ચૂંટણીમાં ઉમેદવારોને વધુ મત મળે એ માટેની રણનીતિ પર કામ ચાલુ હોવાનું પણ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું

ફાઇલ તસવીર

વિધાન પરિષદની ચૂંટણીને હવે એક જ દિવસ બાકી છે ત્યારે આ ચૂંટણીમાં પણ રાજ્યસભાની જેમ કોઈ ઊલટફેર થશે કે કેમ એના પર સૌની નજર છે ત્યારે ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા અજિત પવારે કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીની જેમ જ વિધાન પરિષદની ચૂંટણીમાં ચમત્કાર થશે એ સોમવારે આખું મહારાષ્ટ્ર જોશે. જોકે આ ચમત્કાર કોના પક્ષે થશે એ સોમવારે જ ખબર પડશે. મહાવિકાસ આઘાડીના તમામ ઉમેદવારો વિજયી થાય એ માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે. રાજ્યસભામાં જે ભૂલ થઈ હતી એ આ વખતની ચૂંટણીમાં ન થાય એ માટે ઉમેદવારોના ક્વોટા વધુ રાખવાની રણનીતિ પર કામ ચાલી રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું. ઉપરાંત એક પણ મત રદ ન થાય એ માટેની કાળજી રાખવામાં આવશે.

અજિત પવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘વિધાન પરિષદની ચૂંટણીમાં એક પણ મત રદ ન થાય એ માટે દરેક વિધાનસભ્યને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અમારા બે વિધાનસભ્ય અનિલ દેશમુખ અને નવાબ મલિકને મતાધિકાર ન અપાયો હોવાથી અપક્ષ વિધાનસભ્યોની મદદથી આ ખોટ ભરવાનો પ્રયાસ કરાશે. રાજ્યના ૨૮૪ વિધાનસભ્યો ૧૧માંથી ૧૦ ઉમેદવારને મતદાન કરશે એટલે કે દરેક ઉમેદવારને ૨૬ મતની જરૂર રહેશે. આમાં ચમત્કાર તો થશે જ, પણ એ કઈ બાજુએ થશે એ સોમવારે મહારાષ્ટ્ર જોશે.’

શિવસેનાના વિધાનસભ્યોને મલાડ અને ગોરેગામ વચ્ચે વેસ્ટર્ન એક્સપ્રેસવે પર આવેલી હોટેલ વેસ્ટ ઇનમાં રાખવામાં આવ્યા છે. અહીં ગયા શુક્રવારે મોડી રાત્રે આદિત્ય ઠાકરેએ વિધાનસભ્યોની મુલાકાત લીધી હતી અને ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમની સાથે વિધાન પરિષદની ચૂંટણી બાબતે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ગઈ કાલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિધાન પરિષદની ચૂંટણીમાં પક્ષના પાંચેય ઉમેદવાર વિજયી થશે. તેમણે કહ્યું હતું કે ‘મહાવિકાસ આઘાડી સરકારમાં અણબનાવ છે એનો ફાયદો બીજેપીને થશે. આ સિવાય અપક્ષ વિધાનસભ્યોના પોતાના મત છે જેનો અધિકાર તેઓ નક્કી કરશે. આ ચૂંટણીમાં બીજેપીના પાંચેય ઉમેદવાર વિજયી થશે અને મહાવિકાસ આઘાડીનો એક ઉમેદવાર હારશે. રાજ્યસભાની ચૂંટણીમાં ૧૧ મતની જરૂર હતી જે બીજેપીએ મેળવીને વિજયી પ્રાપ્ત કર્યો હતો એનું પુનરાવર્તન વિધાન પરિષદમાં થશે.’

૧૦ બેઠક માટે ૧૧ ઉમેદવાર
સોમવારે એટલે કે ૨૦ જૂને યોજાનારી વિધાન પરિષદની ચૂંટણીમાં ખાલી પડેલી ૧૦ બેઠકની ચૂંટણી યોજાશે, જેમાં ૧૧ ઉમેદવાર મેદાનમાં છે. બીજેપીએ પ્રસાદ લાડ, શ્રીકાંત ભારતીય, પ્રવીણ દરેકર, ઉમા ખાપરે અને રામ શિંદેને મેદાનમાં ઉતાર્યાં છે. તો શિવસેનાએ સચિન આહીર અને આમશા પાડવી, કૉન્ગ્રેસે ભાઈ જગતાપ અને ચંદ્રકાંત હાંડોરે તથા એનસીપીએ એકનાથ ખડસે અને રામરાજે નાઈક નિંબાળકરને ઉમેદવારી આપી છે.

ગણિત શું છે?
એનસીપીના વિધાનસભ્યો અનિલ દેશમુખ અને નવાબ મલિક જેલમાં હોવાથી ચૂંટણી માટેનો મતનો ક્વોટા ૨૬ થયો છે. રાજ્યસભા પ્રમાણે મતદાન થશે તો બીજેપી પાસે ૧૨૩ મત છે. આથી એના ચાર ઉમેદવાર આસાનીથી વિજયી થશે અને પાંચમા ઉમેદવાર માટે ૭ મતની જોડતોડ કરવી પડશે. આની સામે મહાવિકાસ આઘાડી સરકાર પાસે ૧૬૧ મત છે. આટલા મતમાં સરકારમાં સામેલ શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસના બે-બે ઉમેદવાર  વિજયી થઈ શકે છે. જોકે સરકારના નારાજ વિધાનસભ્યો અને અપક્ષો ક્રૉસવોટિંગ કરે તો રાજ્યસભાની જેમ અહીં પણ ચમત્કારિક પરિણામ આવી શકે છે.

mumbai mumbai news maharashtra ajit pawar