પનવેલમાં લાદવામાં આવેલો LBT મુલતવી રહેશે

08 January, 2017 06:11 AM IST  | 

પનવેલમાં લાદવામાં આવેલો LBT મુલતવી રહેશે




રોહિત પરીખ

પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશન અંતર્ગત આવી જતા નવી મુંબઈના પનવેલ, તળોજા, કળંબોલીની આસપાસના વિસ્તારની ગ્રામપંચાયતોના વેપારીઓ પર લાદવામાં આવેલો LBT મુલતવી રહેશે એવી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે ફામના અધ્યક્ષ વિનેશ મહેતાને ખાતરી આપતાં પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિસ્તારોના વેપારીઓને રાહત મળવાની પ્રતીતિ થઈ હતી.

નવા વર્ષમાં જ અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશન અંતર્ગત આવતા કળંબોલી, તળોજાના વિસ્તારોમાં ૦.૫ ટકાથી બે ટકા સુધી LBT લાદવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી આ વિસ્તારોના વેપારીઓ સરકાર સામે લડવાના મૂડમાં આવી ગયા હતા. ફામના અધ્યક્ષ વિનેશ મહેતાએ તો સરકારને સ્પષ્ટ ચેતવણી આપી દીધી હતી કે જો સરકાર એના LBT લાદવાના નોટિફિકેશનને પાછું નહીં ખેંચે તો ફ્રેબ્રુઆરી મહિનામાં આવી રહેલા ૨૦૧૭ના મ્યુનિસિપલ ઇલેક્શન સમયે વેપારીઓ ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં થઈ જશે.

જોકે કોલાબાના વિધાનસભ્ય રાજ પુરોહિતની મધ્યસ્થીથી સરકારે પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશન અંતર્ગત આવતા વિસ્તારોમાંથી LBT લાદવાના એના નિર્ણયને પાછો ખેંચવાની ખાતરી આપી હતી. એ સંદર્ભની માહિતી આપતાં ફામના અધ્યક્ષ વિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારે LBT લાદવાના નિર્ણયની જાહેરાત કરી એ જ દિવસથી મહારાષ્ટ્રના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા ફામના પદાધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી. હું, ફામના જનરલ સેક્રેટરી આશિષ મહેતા અને વિવિધ બજારોનાં સંગઠનોના પદાધિકારીઓ LBT લાદવાના મુદ્દે સરકારને પીછેહઠ કરવા માટે સતત દબાણ કરી રહ્યા હતા. એ માટે પહેલા જ દિવસે અમે BJPના અગ્રણી અતુલ શાહ સાથે અર્બન ડેવલપમેન્ટનાં સેક્રેટરી મનીષા મ્હઈસકરને મળ્યા હતા. ત્યાર બાદ રાજ પુરોહિત અને અતુલ શાહે દેવેન્દ્ર ફડણવીસ સાથે મીટિંગ કરાવી હતી, જેમાં ફામને સરકાર સકારાત્મક નિર્ણય લેશે એવો અણસાર મળી ગયો હતો. આમ છતાં ફામના ઉપાધ્યક્ષ જિતેન્દ્ર શાહ અને સેક્રેટરી પ્રીતેશ શાહે મલબાર હિલના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા સાથે નાણાપ્રધાન સુધીર મુનગંટીવાર સાથે આ બાબતે મીટિંગ કરી હતી.’

ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ ફરીથી વાયદાના પાકા હોવાનું પુરવાર થયું હતું એમ જણાવતાં વિનેશ મહેતાએ કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસે ફામને પહેલા દિવસની જ મીટિંગમાં ખાતરી આપી હતી કે તેઓ વેપારીઓના પડખે રહેશે. આખરે એક અઠવાડિયાની અમારી મહેનતે ગઈ કાલે અમને સફળતા અપાવી હતી. નાગપુરથી રાજ પુરોહિતને અને મને દેવેન્દ્ર ફડણવીસે તથા સુધીર મુનગંટીવારે ફોન પર મૌખિક ખાતરી આપી હતી કે આ મુદ્દા પર જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેમ જ મંગળવારે કૅબિનેટમાં આ ન્ગ્વ્ના મુદ્દા પર ચર્ચા કરીને એના પર સ્ટે મૂકવામાં આવશે અને ત્યાર પછી એ પાછો ખેંચવામાં આવશે. મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાનને આપેલી ખાતરીને મનીષા મ્હઈસકરે પણ સહમતી આપી હતી.’

અમારી આ લડતમાં અમને રાજનેતાઓની સાથે અનેક વેપારી સંગઠનોએ પણ સાથ આપ્યો હતો એમ જણાવતાં વિનેશ મહેતાએ કહ્યું હતું કે અમારી જીત અને સફળતા માટે રાજનેતાઓની સાથે સંબંધિત સરકારી અધિકારીઓ તેમ જ સ્ટીલ માર્કેટનાં વિવિધ સંગઠનોએ સાથ આપ્યો હતો.