કચ્છના ગાંધીની વિદાય

16 November, 2014 04:53 AM IST  | 

કચ્છના ગાંધીની વિદાય




અલ્પા નિર્મલ


ગૂગલ પર બિદડા (Bidada) ટાઇપ કરો એટલે પહેલી પાંચ વેબસાઇટ બિદડા ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશન, શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ, રીહૅબ સેન્ટર, નેચર ક્યૉર સેન્ટરના સમાચારો, સિદ્ધિઓ, કામકાજ અને અવૉર્ડ્સ વિશે માહિતી આપતી હોય અને ફક્ત આટલું જ નહીં, આ જ પેજ પર દેશ-વિદેશનાં નામી મીડિયાઓની વેબસાઇટમાં પણ આ સંસ્થાઓનો ઉલ્લેખ કરતી લિન્ક હોય.

ગુજરાતના વિષમ પ્રાંત કચ્છના સાવ નાનકડા ગામ બિદડાને આટલી

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હોય તો સંસ્થાના સ્થાપક લક્ષ્મીચંદ રાંભિયાને કારણે. લક્ષ્મીચંદભાઈને પ્રેમથી બધા બચુભાઈ કહે છે. નાનપણથી જ તેમનું નામ બચુ પડી ગયેલું. આ બચુએ જોકે કામ ખૂબ મોટાં કર્યા છે. બિદડા હૉસ્પિટલ તરીકે વધુ જાણીતી શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ હેઠળ ચાલતી હૉસ્પિટલ હોય કે ૨૦૦૧ના ભૂકંપ પછી અસ્તિત્વમાં આવેલું જયા રીહૅબિલિટેશન સેન્ટર હોય, ૨૦૦૯માં ખૂલેલું રતનવીર નેચર ક્યૉર સેન્ટર હોય કે મુંબઈમાં પરેલ ખાતે આવેલી મારુ હૉસ્પિટલ હોય - બચુભાઈએ ડૉક્ટરો, ડોનર્સ, સ્વયંસેવકો અને સાથીમિત્રોના સહકારથી સંસ્થાને એવા ઉચ્ચ સ્થાને પહોંચાડી છે કે ૪૧ વર્ષ પહેલાં શરૂ થયેલી આ સંસ્થા ડે-બાય-ડે વધુ સક્ષમ, વધુ સફળ અને વધુ સુદૃઢ થઈ રહી છે. નાત-જાત, અમીરી-ગરીબી જેવા ભેદભાવ વગર ફક્ત માનવતાના ધોરણે ચાલતી સંસ્થાના પિતામહ બચુભાઈનો ૮ નવેમ્બરે બિદડામાં ૮૦ વર્ષની ઉંમરે દેહાંત થયો ત્યારે સંસ્થાને તો મોટી ખોટ પડી છે, પણ કચ્છે કોહિનૂર ગુમાવ્યો છે.

યુવા વયથી સેવા


ઘણી વ્યક્તિના જૈવિક બંધારણમાં જ સેવા વણાયેલી હોય છે. સેવાનાં સ્વરૂપ અલગ હોય, પણ બેઝિક ફન્ડા એક જ હોય કે કોઈ પણ વ્યક્તિને કાંઈ તકલીફ ન થવી જોઈએ. એ જ ન્યાયે બચુભાઈ માટુંગાની પોદાર કૉલેજમાં ત્રણ વર્ષ ભણી વેપારીઓને, દુકાનદારોને ઇન્શ્યૉરન્સ, ટૅક્સેશન, કાયદા-કાનૂન વિશે જ્ઞાન આપતા. કોલગેટ, અમૂલ જેવી કંપનીની પ્રોડક્ટની એજન્સી પોતે શરૂ કરી અને એ સંદર્ભે વેપારીઓને મળતા ત્યારે તેમને ધંધાકીય અડચણ ન આવે એ માટે માર્ગદર્શન આપતા. તેમના પુત્ર શરદભાઈ કહે છે, ‘એ સમયમાં અમારી કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિમાં ભણતર ઓછું હતું અને તેમણે કરેલો અભ્યાસ ઉચ્ચ કહેવાતો. એથી ઘણી વખત વેપારીઓની સ્પેશ્યલ મીટિંગો લઈને તેમને ગાઇડ કરતા.’

સસરાજીનું તેડું

મુંબઈમાં દાદરમાં બે દીકરા અને એક દીકરી સાથે રહેતા બચુભાઈને ૧૯૭૨માં તેમના સસરા કલ્યાણજી માવજી પટેલનું કચ્છથી તેડું આવ્યું. ઍક્ચ્યુઅલી તેમના સસરા બિદડા ગામના સરપંચ અને માંડવી તાલુકા ગ્રામ પંચાયતના પ્રમુખ હતા અને તેમણે પોતાના ગામમાં નેત્રયજ્ઞ રાખ્યો હતો. એમાં મદદ કરવા જમાઈને તેડાવ્યા. આજથી ચાર દાયકા પહેલાં કચ્છ સાવ ઉપેક્ષિત પ્રદેશ હતો. આરોગ્ય, સ્વચ્છતા, એજ્યુકેશનના નામે બિલકુલ જાગૃતિ નહોતી. એ સમયે હંગામી તંબુમાં યોજાયેલા આઇ-કૅમ્પમાં ગ્રામ્ય પ્રજાજનોની હાલત જોઈને બચુભાઈ એવા દ્રવી ગયા કે ત્યારે જ નક્કી કર્યું કે આ આરોગ્યસેવાને કાયમી સ્વરૂપ આપવા કાંઈક નક્કર કરવું પડશે અને લીલાધર ગડા (અધા) અને બચુભાઈએ શું કરવું એની બ્લુપ્રિન્ટ બનાવી. તેમના આઇડિયા જોઈને એક મિત્રએ બિદડા ગામની બહાર ૨૧ એકર જમીન મફત આપી અને ૧૯૭૫-’૭૬માં અહીં બાંધકામ શરૂ થઈ ગયું. શરદભાઈ કહે છે, ‘એ સમયે પપ્પા અડધો સમય ગામમાં, અડધો સમય મુંબઈમાં રહેતા. તેમનો ધંધો તો તેમના નાના ભાઈને સોંપી દીધો હતો ને તેઓ મુંબઈમાં રહીને સંસ્થાના મકાન માટે ફન્ડફાળો ઉઘરાવતા.’

દીર્ઘદ્રષ્ટા

૧૯૭૯માં હૉસ્પિટલનું ઓપનિંગ થયું અને એ જ સમયથી બચુભાઈ કાયમી ધોરણે બિદડામાં જ સ્થાયી થઈ ગયા. બચુભાઈએ હૉસ્પિટલનું મકાન બાંધતી વખતે એવી દૂરંદેશી રાખી હતી કે એ ૧૨-૧૫ બેડની સામાન્ય સારવાર આપતી હૉસ્પિટલ ન બની રહેતાં સેંકડો દરદીઓના વિવિધ રોગનો ઉપચાર કરતું શુશ્રુષાલય બની રહે. બચુભાઈના મોટા પુત્ર હેમંતભાઈ કહે છે, ‘પપ્પાની આ જ દૂરંદેશીને લીધે આજે ૨૭ એકરમાં હૉસ્પિટલ ફેલાયેલી છે. તેમના સદ્ભાવ, સેવા અને સૌમ્ય સ્વભાવને લીધે જ દર વર્ષે ઍવરેજ દોઢ લાખથી વધુ લોકો અહીં સાજા થાય છે.’

અંત સમય સુધી કામ

સંપૂર્ણપણે સેવા અને સંસ્થાને સમર્પિત બચુભાઈ વર્ષોથી બિદડા ખાતે જ રહેતા હતા. ધર્મપત્નીના નિધન બાદ તેમનાં સાસુજીની પણ સેવા કરી. ૭ નવેમ્બરે રાત્રે નવ વાગ્યા સુધી આગામી મેડિકલ કૅમ્પ, સંસ્થાના એક એકમ જૈન સાધુ-સાધ્વીના વૈયાવચ્ચની વ્યવસ્થા કરી રહ્યા હતા અને ૮ નવેમ્બર સવારે હેલ્થમાં થોડાં કૉમ્પ્લીકેશન્સ થતાં બિદડા હૉસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યાં જ તેમનો દેહાંત થયો.

વિદેશથી ડૉક્ટરો આવે છે સેવા કરવા

નેત્રયજ્ઞના સ્વરૂપે શરૂ થયેલી આ સંસ્થાની યાત્રાની નામના દેશ-વિદેશમાં એવી પહોંચી છે કે સોથી સવાસો જેટલા ભારતની બહાર વસતા નૉન-રેસિડન્ટ ઇન્ડિયન ડૉક્ટરો સાથે વિદેશી મૂળના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરો અને વૉલન્ટિયર્સ દર જાન્યુઆરી મહિનામાં આ અંતરિયાળ વિસ્તારમાં પંદરથી ચાલીસ દિવસ સેવા માટે આવી પહોંચે છે. એક મહિનાના આ કૅમ્પ દરમ્યાન ૧૨૦૦ ગામના વીસ હજારથી વધુ પેશન્ટ વીસ અલગ-અલગ રોગોની ટ્રીટમેન્ટ લે છે. બસ્સોથી વધુ મુંબઈના ડૉક્ટરો પણ આ કૅમ્પમાં સહભાગી થાય છે. હજારો-લાખો ડૉલર્સ-રૂપિયા ચાર્જ કરતા આ મેડિકલ પ્રૅક્ટિશનરો બચુભાઈના સેવાકાર્યથી એવા પ્રભાવિત છે કે તેઓ અહીં પોતાના ખર્ચે આવીને દરેક પેશન્ટની વિનામૂલ્યે ટ્રીટમેન્ટ કરે છે.

અનેક સેવાભાવી વ્યક્તિઓ ઊભી કરી છે

કોઈ પણ એક સંસ્થાની શરૂઆત થાય પછી એમાં મોટા ભાગે સમય જતાં તડા પડવા લાગે, હુંસાતુંસી થાય અને આખરે સંસ્થાનું વિલીનીકરણ થાય; જ્યારે શ્રી બિદડા સવોર્દય ટ્રસ્ટ એક બીજમાંથી વટવૃક્ષ થઈને વધુ પાંગર્યું છે, વધુ વિસ્તર્યું છે. સંસ્થાના સક્રિય કાર્યકર તથા વિદેશના ડૉક્ટરો, વૉલન્ટિયર્સ, ડોનર્સ સાથેના સંબંધો વિકસાવનાર વિજય છેડા કહે છે, ‘બચુભાઈએ આખી ટીમ ઊભી કરી છે. તેમની વહીવટી વ્યવહારકુશળતા, પ્રામાણિકતા, માણસની પરખ, આયોજનશક્તિ અદ્ભુત હતાં. માણસને સેવા કરવાની લગન છે એ જાણી-ચકાસીને તેમણે તેને પૂર્ણ સ્વતંત્રતા આપી છે. ક્યારેય મનસ્વીપણું નથી બતાવ્યું. સૌની સાથે રહી, સાથે ચાલી સારું કરવું એ જ તેમનો જીવનમંત્ર રહ્યો.’

ભૂકંપ પછી સંસ્થા વધુ સજ્જ

૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ આવેલા ભૂકંપે કચ્છમાં ભારે તબાહી મચાવી. હજારો લોકો મૃત્યુ તો પામ્યા, પણ લાખો લોકો અક્ષમ થઈ ગયા અને એવા સમયે બચુભાઈ અને સંસ્થાના કારોબારી સભ્યોએ કચ્છીજનોને રીહૅબિલિટેટ કરવા ફિઝિયોથેરપી સેન્ટરની સ્થાપના કરી. રાહતકાર્યના નામે શરૂ કરેલું આ સેન્ટર એવું પાંગર્યું છે જેમાં દેશભરથી અનેક પેશન્ટ સારવાર લેવા આવે છે. ભારતના છેવાડે વર્લ્ડ-ક્લાસ ટ્રીટમેન્ટ આપતું આ સેન્ટર બચુભાઈના કર્મનિષ્ઠ સ્વભાવ અને આરોગ્યક્ષેત્રે પ્રગતિશીલ વિચારધારાને કારણે જ ઊભું થયું છે.