21 October, 2026 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લૉરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ
સલમાન ખાનને અનેક ધમકીઓ, તેના બાંદરાના ગૅલૅક્સી અપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા સહિત અનેક ગુનાઓ લૉરેન્સ બિશ્નોઈ, તેના ભાઈ અનમોલ બિશ્નોઈ તથા તેની ગૅન્ગના સભ્યો વિરુદ્ધ નોંધાયેલા હોવા છતાં હજી સુધી મુંબઈ પોલીસ બિશ્નોઈ ભાઈઓની કસ્ટડી મેળવી શકી નથી. એને કારણે તેમની પૂછપરછ કે ઊલટતપાસ કરવાની તક પણ મુંબઈ પોલીસને નથી મળી. જોકે હાલ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ લૉરેન્સ બિશ્નોઈ અને દિલ્હીની તિહાર જેલમાં રખાયેલા અનમોલની કસ્ટડી મુંબઈ પોલીસ નથી મેળવી શકતી એની પાછળ કેન્દ્રીય ગૃહમંત્રાલયનો આદેશ છે. અનમોલને ૨૦૨૫માં અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો ત્યાર પછી તેને તિહાર જેલમાં જ રાખવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશ મુજબ લૉરેન્સ અને અનમોલને તેમની જેલમાંથી બહાર કાઢવા પર અને તેમને અન્યત્ર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એને કારણે મુંબઈ પોલીસ તેમનાથી જોડાયેલા ગુનાઓની તપાસ હાથ ધરી શકી નથી. મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોની પોલીસે પણ તેમની કસ્ટડી મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા છે. જોકે કેન્દ્રીય ગૃહમંત્રાલયને કારણે એ શક્ય બની શક્યું નથી.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 303 મુજબ ભારત સરકારને કોઈ કેદીને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકતો આદેશ આપવાની સત્તા છે. કાયદો-સુવ્યવસ્થા ડહોળાઈ શકે એ જોખમને ધ્યાનમાં રાખીને તથા સામાન્ય નાગરિકોના હિત માટે આ આદેશ આપવામાં આવે છે. શરૂઆતમાં ઑગસ્ટ ૨૦૨૩માં કોડ ઑફ ક્રિમિનલ પ્રોસીજર (CrPC)ની કલમ 268 હેઠળ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. ત્યાર પછી ૨૦૨૫ના ઑગસ્ટમાં લૉરેન્સને જેલની બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેની મુદત ૨૦૨૬ના ઑગસ્ટમાં વધારવામાં આવી હતી.
પોલીસ ઇચ્છે તો સાબરમતી જેલમાં જઈને પૂછપરછ કરી શકે
કસ્ટડી મેળવવી શક્ય નથી, પરંતુ જો બીજાં રાજ્યોની પોલીસ ઇચ્છે તો તે સાબરમતી જેલમાં જઈને લૉરેન્સની પૂછપરછ કરી શકે છે. જોકે કસ્ટડી લઈને પૂછપરછ કરવામાં અને બીજા રાજ્યની જેલમાં જઈને પૂછપરછ કરવામાં ઘણો ફરક છે અને જેલમાં પૂછપરછ કરાય તો જોઈએ એ રીતે પૂછપરછ કરી શકાય નહીં. જો કસ્ટડી મેળવવી હોય તો એ માટે ગૃહખાતાએ પોતાનો આદેશ રદ કરવો પડે જે એક લાંબી કાયદાકીય પ્રક્રિયા છે.
લૉરેન્સ બિશ્નોઈના ૫૬ સાગરીતો જેલમાં હોવા છતાં ચાલે છે સક્રિય નેટવર્ક
ટાઇગર શ્રોફ પર હુમલાની જવાબદારી લેનારા બિશ્નોઈ ગૅન્ગના અમેરિકામાં રહેતા હોવાનું મનાતા સાથી અનિલ પંડિતે સોમવારે બહાર પાડેલી ઑડિયો-ક્લિપમાં તેણે તેમની પાસે ૭૦,૦૦૦ શૂટર્સ હોવાનો દાવો કર્યો હતો. આ વાત અતિશયોક્તિ લાગતી હોવા છતાં તેની ગૅન્ગમાં રહેલા લોકોની સંખ્યા સારીએવી હોવાનું શક્ય છે, કારણ કે મુંબઈની જેલોમાં બિશ્નોઈ ગૅન્ગના ૫૬ સભ્યો કેદ હોવા છતાં શહેરમાં તેમની પ્રવૃત્તિઓ સરળતાથી ચાલે છે. આ મોટા ભાગના બધા જ સભ્યો વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA)ની કડક કલમો લાદી છે. હજી સુધી એક પણ સભ્યને જામીન પણ મળ્યા નથી. છતાં બિશ્નોઈ ગૅન્ગ આટલી સક્રિય છે એનાથી લૉરેન્સ બિશ્નોઈના નેટવર્કનો અંદાજ લગાવી શકાય છે.
મુંબઈમાં લૉરેન્સ બિશ્નોઈ અને તેની ગૅન્ગ વિરુદ્ધ નોંધાયેલા અત્યંત ગંભીર ગુનાઓ
NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા.
સલમાન ખાનના બાંદરા-વેસ્ટના ગૅલૅક્સી અપાર્ટમેન્ટના ઘરની બહાર ફાયરિંગ અને વારંવાર જીવથી મારવાની ધમકીઓ.
ડિરેક્ટર-પ્રોડ્યુસર રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ.
ઍક્ટર રણવીર સિંહને ખંડણી માટે ધમકી.
ઍક્ટર ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ.
કૉન્ગ્રેસની ફડણવીસને ચૅલેન્જ : ગુજરાતથી લૉરેન્સને લાવી બતાવો
ટાઇગર શ્રોફ પર થયેલા હુમલા બાદ લૉરેન્સ બિશ્નોઈના મુદ્દે રાજકારણ ગરમાયું છે. કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગુજરાતથી લૉરેન્સ બિશ્નોઈને લાવી બતાવવાનો પડકાર ફેંક્યો હતો. ચૅલેન્જ કરતાં તેમણે કહ્યું હતું કે ફક્ત પોકળ દાવાઓ બહુ થઈ ગયા, જો તમારામાં દમ હોય તો બિશ્નોઈને મુંબઈ પોલીસની પૂછપરછ માટે ગુજરાતથી મુંબઈ લાવી બતાવો. ટાઇગર શ્રોફ પરના હુમલા બાદ મુંબઈ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ વર્ષા ગાયકવાડ મુંબઈના
પોલીસ-કમિશનર દેવેન ભારતીને મળ્યાં હતાં અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને જંગલરાજ ચાલતું હોવાનું કહ્યું હતું. શિવસેના (UBT)ના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના ગૃહખાતાને રાજકીય વિરોધકોને જેલમાં નાખવાના કામમાં લે છે, જ્યારે ગુનાઓ આચરતી ગૅન્ગ ખુલ્લેઆમ બધું કરે છે.
દાઉદ આઉટ, બિશ્નોઈ ઇન : આ બધું બૉલીવુડ પર વર્ચસ માટે?
આ અગાઉ દાઉદ ઇબ્રાહિમ જેવા આતંકવાદીઓ બૉલીવુડને ખાસ કરીને તો ખંડણી માટે અને પછીથી તેમની ફિલ્મોમાં કાળો પૈસો લગાડીને એમાંથી કમાણી કરવા માટે ધમકીઓ આપતા તથા પ્રોડ્યુસર ગુલશનકુમાર જેવા પોતાની વાત ન માનનારાઓની હત્યાઓ પણ કરાવતા. દાયકાઓ સુધી અન્ડરવર્લ્ડે બૉલીવુડને પોતાના ઓછાયા હેઠળ રાખ્યું હતું. જોકે હવે લૉરેન્સ બિશ્નોઈ જેવા ન્યુ જનરેશન ગૅન્ગસ્ટર્સ દ્વારા બૉલીવુડની સેલિબ્રિટીઓને નિશાન બનાવવાનું કારણ ખંડણી વસૂલવું નથી. લૉરેન્સ દ્વારા બૉલીવુડની સેલિબ્રિટીઝ તથા અન્ય હાઈ-પ્રોફાઇલ લોકોને ટાર્ગેટ બનાવવાનું કારણ બૉલીવુડ પર પોતાનું વર્ચસ જમાવવાનું અને બૉલીવુડનો ખરો બૉસ કોણ છે એ દર્શાવવાનું છે. છેલ્લાં અમુક વર્ષોથી દાઉદની પકડ નબળી થઈ છે ત્યારે લૉરેન્સ બિશ્નોઈએ તેને ટેકઓવર કર્યો હોય એવું જણાય છે, કારણ કે પોતાને દેશભક્ત ગણાવતા લૉરેન્સ બિશ્નોઈની દાઉદ પ્રત્યેની અને સલમાન ખાનના દાઉદ-કનેક્શનની નફરત જગજાહેર છે.