02 November, 2026 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લૉરેન્સ બિશ્નોઈ
ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાની તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓની પૂછપરછ ઉપરાંત અન્ય તપાસ દરમ્યાન લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગનો મૂળ ઉદ્દેશ શું છે એ જાણવા મળ્યું છે. બિશ્નોઈ ગૅન્ગ સેલિબ્રિટીઝ અને મોટાં માથાંને નિશાન બનાવીને બૉલીવુડ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પોતાની ધાક ઊભી કરવા માગે છે તથા એક સમયે મુંબઈમાં આતંકવાદી દાઉદ ઇબ્રાહિમનો જેવો ખોફ હતો એવો ખોફ મુંબઈમાં પોતાના નામનો લાવવા માગતો હોવાનું તપાસકર્તાઓએ જણાવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘દાઉદની D ગૅન્ગ ૧૯૯૦ના દશકમાં જે રીતે મુંબઈ પર રાજ કરતી હતી હવે એ જ રીતે લૉરેન્સ બિશ્નોઈની ગૅન્ગ પણ મુંબઈને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ગોળીબાર કરાવીને અને ધમકીઓ આપીને તે ડર પેસાડી રહ્યો છે જેથી તેને ખંડણી વસૂલ કરવામાં પણ સરળતા રહે.’
ઉલ્લેખનીય છે કે ભગત સિંહના વિચારોથી પ્રેરિત દેશભક્ત હોવાનો દાવો કરનારો લૉરેન્સ બિશ્નોઈ દાઉદ પ્રત્યે ખૂબ જ નફરત ધરાવે છે. ટાઇગર શ્રોફ પર હુમલાની જવાબદારી લેનારા અનિલ પંડિતની ઑડિયો-ક્લિપ પરથી ફરીથી તેમની દાઉદ પ્રત્યેની નફરત જાહેર થઈ હતી. એટલે દાઉદની D ગૅન્ગનો મુંબઈમાંથી સંપૂર્ણપણે ખાતમો બોલાવીને પોતાનું પ્રભુત્વ સ્થાપવાના પ્રયાસ થઈ રહ્યા છે.
ઑડિયો-રેકૉર્ડિંગ મળ્યું, અન્ડરવર્લ્ડનો ઉલ્લેખ મળ્યો
તપાસ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચને અમુક ઑડિયો-રેકૉર્ડિંગ પણ હાથ લાગ્યું હતું. આ રેકૉર્ડિંગની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને એમાં અન્ડરવર્લ્ડનો ઉલ્લેખ પણ હોવાનું તેમને જાણવા મળ્યું હતું. એમાં અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા અમુક લોકોનાં નામ પણ લેવામાં આવ્યાં હતાં. અન્ડરવર્લ્ડને લગતી વાતચીત થઈ હોવાને પગલે હવે ઑડિયો-ક્લિપના રેકૉર્ડિંગની ફૉરેન્સિક ટેસ્ટ કરવાની પણ તૈયારી ક્રાઇમ બ્રાન્ચની છે. ફૉરેન્સિક તપાસ બાદ આ ઑડિયો-રેકૉર્ડિંગની સત્યતા ચકાસાશે તથા એમાં વાતચીત કરનારાઓના અવાજ પરથી તેમની ઓળખ કરીને તેમની વાતચીતનો સાર સમજવાનો પ્રયત્ન કરવામાં આવશે.
બિલ્ડરો, ડેવલપરો અને બૉલીવુડની હસ્તીઓ ટાર્ગેટ
તપાસકર્તાઓએ જણાવ્યા અનુસાર મુંબઈમાં પોતાની ગૅન્ગનો વ્યાપ વધારવા માટે બિશ્નોઈ ગૅન્ગે બિલ્ડરો તથા બૉલીવુડની હસ્તીઓને નિશાના પર લીધી છે. આ બધાનું કારણ ખંડણી વસૂલવાનું હોઈ શકે. રિયલ એસ્ટેટ ડેવલપર્સ-બિલ્ડર્સ, બૉલીવુડના સ્ટાર્સ પાસેથી પ્રોટેક્શન મનીના નામે ખંડણી ઉઘરાવીને પોતાનું ફાઇનૅન્શિયલ નેટવર્ક વધુ મજબૂત બનાવવાનું મોટું કાવતરું હોવાનું તપાસકર્તાઓનું માનવું છે.