નરેન્દ્ર મોદીને મત આપવા લખો ટપાલ

13 November, 2012 06:16 PM IST  | 

નરેન્દ્ર મોદીને મત આપવા લખો ટપાલ


વરુણ સિંહ

મુંબઈ, તા. ૧૪

ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે અને નરેન્દ્ર મોદીને ખુશ કરવા માટે બીજેપીમાં હોડ લાગી છે તો મુંબઈ એમાંથી બાકાત કઈ રીતે રહી શકે? મુંબઈમાં સ્થાયી થયેલા ગુજરાતીઓને હવે બીજેપીએ ગુજરાતમાં વસતા પોતાના પરિવારના સભ્યોને પત્ર લખવા કહ્યું છે તેમ જ એમાં માત્ર બીજેપીને જ મત આપવા માટેની અપીલ કરવામાં આવી છે.

 ગયા સપ્તાહે બીજેપીની દાદરમાં આવેલી મુંબઈની ઑફિસમાં ગુજરાત બીજેપીના નૅશનલ વાઇસ પ્રેસિડન્ટ પરસોતમ રૂપાલા ગુજરાતીઓને સંબોધવા આવ્યા હતા. આ મીટિંગમાં ઉપસ્થિત ગુજરાતીઓને તેમનાં સગાંસંબંધીઓને કાગળ લખવા માટે તેમણે અપીલ કરી હતી. એમાં માત્ર બીજેપીને મત આપવા માટે જ કાગળ લખવા જણાવવામાં આવ્યું છે

આજના ટેલિફોનિક યુગમાં કાગળ લખવાની વિનંતી અને એ પણ પોતાને ડેવલપ ગણાવતા રાજ્યના નેતાએ કરવી પડે એ કંઈ વિચિત્ર લાગે એવી બાબત છે. એ મીટિંગમાં હાજર બીજેપીના પ્રવક્તા નિરંજન શેટ્ટીએ કહ્યું હતું કે હા, બીજેપીના નૅશનલ વાઇસ પ્રેસિડન્ટ રૂપાલાએ લોકોને પત્ર લખવા જણાવ્યું હતું. 

શેટ્ટીએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં અમારી જીત નક્કી છે, પરંતુ અમે દુશ્મનને સંપૂર્ણ ખતમ કરી નાખવા માગીએ છીએ. હજીય ગુજરાતમાં કેટલીક એવી બેઠકો છે જ્યાં કૉન્ગ્રેસ જીતે છે. આ કાગળ લખવાનું અભિયાન પણ એ જ જિલ્લામાં ખાસ શરૂ કરવામાં આવ્યું છે. અમને આશા છે કે ઘણા લોકો ગુજરાતમાં રહેતાં પોતાનાં સગાંને કાગળ લખશે તેમ જ ફોન કરીને પણ બીજેપીને વોટ આપવા કહેશે.’

પક્ષનાં અંતરંગ સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ બીજેપીના તમામ લોકો પોતે ગુજરાતની ચૂંટણીમાં જોરશોરથી મંડી પડ્યા હોય એવું બતાવવાની સ્પર્ધા કરી રહ્યા છે એથી જ મુંબઈ બીજેપીના કેટલાક લોકો ૨૧ નવેમ્બરે પ્રચાર માટે પણ જઈ રહ્યા છે. શેટ્ટીએ દાવો કરતાં કહ્યું હતું કે ‘હજી પણ ઘણા સિનિયર સિટિઝનો એવા છે જેમનાં ઘણાં સગાં ગુજરાતમાં વસે છે. તેઓ ચોક્કસ પત્ર લખશે. ટેલિફોન કે ઈ-મેઇલ કરતાં પત્ર વધુ અંગત અસર કરે છે.  ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે જરૂરી અસર પત્ર જ કરી શકે છે.’

જોકે જે કોઈ પત્ર લખશે તેમણે જાતે જ તેને પોસ્ટ કરવો પડશે, કારણ કે ગુજરાતમાં પ્રચાર કરવા જતા બીજેપીના સભ્યો આ પત્રને પહોંચાડવા માટેના કુરીઅર તરીકેની સેવા નહીં બજાવે.