મોટાં જળાશયો હજી માત્ર ૨૫ ટકા જ ભરાયાં

17 July, 2020 11:40 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

મોટાં જળાશયો હજી માત્ર ૨૫ ટકા જ ભરાયાં

ગયા સપ્તાહે શહેરમાં ભારે વરસાદ આવ્યો હોવા છતાં તળાવોમાં પાણીના સંગ્રહનું પ્રમાણ આઠ ટકાથી વધીને માત્ર ૨૫.૮૦ ટકા જ થયું છે. આ માટે થાણે અને નાશિકમાં થયેલો છુટોછવાયો વરસાદ કારણભૂત છે, જ્યાં મોટા ભાગનાં તળાવો આવેલાં છે.
શહેરને પાણી પૂરું પાડતાં કુલ સાત તળાવોમાંથી ભાત્સા, તાનસા, અપર વૈતરણા, મિડલ વૈતરણા, મોદક સાગર થાણે-નાશિક બેલ્ટ પર આવેલાં છે, જ્યારે તુલસી અને વિહાર સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી) ખાતે આવેલાં છે.
ગયા વર્ષે ૧૬ જુલાઈ સુધીમાં તળાવોમાં ૫૦ ટકા પાણીનો સંગ્રહ થયો હતો, જ્યારે ૨૦૧૮માં પાણીનો જથ્થો ૭૫ ટકા હતો. ગયા વર્ષે પણ ચોમાસું મોડું શરૂ થયું હતું તેમ છતાં, મોટા ભાગનાં તળાવોમાં આ વર્ષના અત્યાર સુધીના ગાળાની તુલનામાં બમણો વરસાદ નોંધાયો હતો.
શહેરનાં વિહાર અને તુલસી તળાવોમાં છેલ્લા ૨૪ કલાકમાં ગુરુવારે સવારે છ વાગ્યા સુધીમાં અનુક્રમે ૧૨૫ મિલીમીટર અને ૯૦ મિલીમીટર વરસાદ પડ્યો હતો, પરંતુ રોજિંદા પુરવઠામાં ૯૮ ટકાનો હિસ્સો ધરાવતાં અન્ય તળાવોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ મિલીમીટર કરતાં વધુ વરસાદ નોંધાયો નથી, એમ બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું.
ગયા વર્ષે તુલસી તળાવ ૧૨ જુલાઈના રોજ ઓવરફ્લો થયું હતું, ત્યાર બાદ ૨૫ જુલાઈએ તાનસા, ૨૬ જુલાઈએ મોદક સાગર, ૩૧ જુલાઈએ વિહાર, ૨૫ ઑગસ્ટે મિડલ વૈતરણા અને ૩૧ ઑગસ્ટે અપર વૈતરણા તળાવ ઓવરફ્લો થયાં હતાં. આજની તારીખે તુલસી તળાવ ૮૦ ટકા ભરાયું છે, જ્યારે વિહાર ૫૦ ટકા ભરાયું છે, પરંતુ તુલનાત્મક રીતે આ તળાવો અન્ય પાંચ તળાવોની સરખામણીમાં નાના કદના છે.

mumbai mumbai news thane