ન જાણ્યું જાનકી નાથે, આગળ શું થવાનું છે?

22 May, 2022 07:50 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

એનું કારણ એ કે આગળ મોત રાહ જોઈને ઊભું હતું અને બસનો એક પ્રવાસી વૉશરૂમ કરવા નીચે ગયો હોવાથી શ્રદ્ધાળુઓ બચી ગયા : મુંબઈ અને ગુજરાતથી ચારધામ ગયેલા ગુજરાતીઓ યમુનોત્રીમાં ભૂસ્ખલનને લીધે ૨૪ કલાક ફસાઈ ગયા, પણ હોટેલવાળાઓએ માનવતા દાખવી

ન જાણ્યું જાનકી નાથે, આગળ શું થવાનું છે?


મુંબઈ : બે વર્ષ બાદ ચારધામ યાત્રા શરૂ થતાં ત્યાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઊમટ્યા છે. એવામાં યમુનોત્રી પાસે ભૂસ્ખલનને લીધે રસ્તો તૂટી જતાં શ્રદ્ધાળુઓ ભારે હેરાનગતિમાં મુકાઈ ગયા હતા. શ્રદ્ધાળુઓની ભીડ અને એવામાં આવી દુર્ઘટનાને કારણે ત્યાં વ્યવસ્થા સંભાળવી પણ મુશ્કેલ થઈ પડી હતી. આ દુર્ઘટનામાં મુંબઈ અને ગુજરાતથી દર્શન કરવા ગયેલા અનેક શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. જોકે એમાંથી એક બસના પ્રવાસીઓએ તો ખરો અનુભવ કર્યો છે. તેમની બસના એક પ્રવાસીએ વૉશરૂમ જવું હોવાથી તે નીચે ઊતર્યો એટલે બસ થોડો વખત માટે ઊભી રાખવામાં આવી હતી. આ બસ જતી હતી એ માર્ગ પર જ થોડે દૂર આ દુર્ઘટના બની હતી. આ પ્રવાસીઓનાં નસીબ સારાં કે બસે થોડા વખત માટે બ્રેક લીધો, નહીં તો બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હોત. 
દુર્ઘટના બાદ અમે બધા ખૂબ ડરી ગયા હતા એમ જણાવીને બોરીવલીથી ચારધામ ગયેલા વલ્લભ મોરડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી બે બસ એકસાથે હતી અને અમે બધા યમુનોત્રીમાં દર્શન કરીને પાછા વળ્યા હતા. એ વખતે અમે જે રસ્તા પર હતા એના થોડા અંતરે ભૂસ્ખલનને લીધે રસ્તો તૂટી જવાની ઘટના બની હતી. અમારી આગળ જ આ બનાવ બન્યો હોવાથી બાળકો અને મહિલાઓ ખૂબ ડરી ગયાં હતાં અને અમારો પણ શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. અમારાં નસીબ સારાં કે અમારી બસ આગળ જવાની હતી ત્યારે જ બસના એક પ્રવાસીને વૉશરૂમ જવું હોવાથી બસ એક બાજુએ ઊભી રાખી હતી. આ માર્ગ પર જતી અમારી પહેલી જ બસ હતી. જોકે રસ્તા પરથી પથ્થરો દૂર કરતાં અને રસ્તો કામચલાઉ રિપેર કરતાં સમય લાગી ગયો હતો. દુર્ઘટના બાદ અમે આગળનો પ્રવાસ કરી શકીએ એમ નહોતા. એથી બસમાં કલાકો બેસી રહ્યા હતા અને ત્યાર બાદ રસ્તા પર આવીને બેઠા હતા, પરંતુ રસ્તો જલદી રિપેર થાય એવી શક્યતા દેખાઈ રહી ન હોવાથી અમે પૂછપરછ કરી હતી. એથી થોડે દૂર ચાલીને ગયા અને ત્યાં હોટેલો હતી. હોટેલવાળાઓએ માનવતા દેખાડીને અમને રહેવા માટે જગ્યાની વ્યવસ્થા કરી આપી હતી. અમે હોટેલમાં જેમ-તેમ રહ્યા અને નૉર્મલ ભાડાં પર તેમણે અમને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. રસ્તાના રિપેરિંગ માટે ગઈ કાલથી યમુનોત્રી યાત્રા ત્રણેક દિવસ માટે બંધ કરવામાં આવી છે.’

mumbai news mumbai