દક્ષિણ મુંબઈનો વીઆઇપી રોડ ૧૧ મહિને શરૂ થયો

25 June, 2021 04:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા ઑગસ્ટ મહિનામાં રસ્તો બેસી જવાને લીધે બંધ થયેલો હ્યુજીસ રોડ વાહનો માટે ફરી ખુલ્લો મુકાયો

એન. એસ. પાટકર રોડનો વાહનવ્યવહાર ગઈ કાલે શરૂ થયો હતો

ગયા વર્ષની પાંચમી ઑગસ્ટે રસ્તો બેસી જવાને કારણે બંધ થયેલો દક્ષિણ મુંબઈનો માર્ગ ગઈ કાલે વાહનવ્યવહાર માટે ખુલ્લો થયો હતો. મલબાર હિલ વિસ્તારમાં બાબુલનાથ શિવમંદિરની પાસેનો એન. એસ. પાટકર માર્ગ ઑપેરા હાઉસ અને કેમ્પ્સ કૉર્નર વિસ્તારોને જોડે છે. ગયા વર્ષના ચોમાસામાં રસ્તો બેસી જતાં એક મકાનની રિટેનિંગ વૉલ તૂટી ગઈ હતી. એને કારણે અગિયાર મહિના સુધી હ્યુજીસ રોડ નામે પણ ઓળખાતો પાટકર રોડ બંધ થયો હતો. એ દુર્ઘટનાને પગલે હૅન્ગિંગ ગાર્ડન, કમલા નેહરુ પાર્ક અને વાલકેશ્વર તરફનો બી. જી. ખેર માર્ગ પણ બંધ રાખવામાં આવ્યો હતો.

મુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘એ દુર્ઘટના પછી મહાનગરપાલિકાએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીના સહયોગમાં નિષ્ણાતોની સમિતિ નિયુક્ત કરી હતી. એ સમિતિની ભલામણો અનુસાર આ વર્ષની પહેલી જાન્યુઆરીએ તૂટેલી દીવાલ-રિટેનિંગ વૉલનું બાંધકામ-સમારકામ શરૂ કરીને છ મહિનામાં પૂરું કરવામાં આવ્યું હતું. નવી રિટેનિંગ વૉલ ૧૬૦ મીટર લાંબી, પાંચ મીટર ઊંચી અને નીચે ૯૦૦ મિલીમીટર-ઉપર ૩૦૦ મિલીમીટર જાડી છે. એ દીવાલ જોડેનો ૫૫૦ મીટર લાંબો રસ્તો કૉન્ક્રીટાઇઝ કરવામાં આવ્યો છે. એ રસ્તાની પહોળાઈ ૨૪ મીટરથી વધારીને ૨૭ મીટર કરવામાં આવી છે. ચોમાસાનું પાણી વહી જાય એ માટેનું ૧૨૦૦ મિલીમીટર વ્યાસ ધરાવતું ૫૫૦ મીટર લાંબું નાળું પણ આ રસ્તાની નીચે છે.’

શહેરનું પહેલું ઑટોમૅટિક પાર્કિંગ

ભુલાભાઈ દેસાઈ માર્ગ (વૉર્ડન રોડ) પર શહેરનો પહેલો મલ્ટિ-સ્ટોરીડ મેકૅનાઇઝ્ડ પાર્કિંગ લૉટ શરૂ કરવામાં આવ્યો છે. ૨૧ માળના હબટાઉન સ્કાયબે ટાવરમાં રોબોટિક સિસ્ટમ વડે સંચાલિત પાર્કિંગની સુવિધા છે. એમાં ૨૪૦ વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા છે. એમાં બે મોટાં એલિવેટર્સ ઉપરાંત બે શટલ ડિવાઇસિસ અને બે સિલોમેટ ડૉલીઝ છે. કારને ફેરવવા માટે ઑટોમૅટિક ટર્નેબલ્સ, બે એન્ટ્રી અને બે એક્ઝિટ્સ છે. આ ટેક્નૉલૉજી વડે એક કલાકમાં ૬૦ કાર પાર્ક કરી શકાય છે. ચોવીસ કલાક ખુલ્લા રાખવામાં આવનારા આ મલ્ટિ-સ્ટોરીડ પાર્કિંગ લૉટના બાંધકામમાં વપરાયેલા મટીરિયલ્સમાં ફક્ત ૨૦ ટકા આયાત કરાયેલું છે. બીજું મટીરિયલ ભારતીય છે.

mumbai mumbai news malabar hill