ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ હતી, પણ પપ્પા આવું પગલું લે એ માન્યામાં નથી આવતું

05 August, 2012 04:30 AM IST  | 

ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ હતી, પણ પપ્પા આવું પગલું લે એ માન્યામાં નથી આવતું

બકુલેશ ત્રિવેદી

મુંબઈ, તા. ૫

રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠની આત્મહત્યા પાછળ શું કારણ હતું એ તો જાણી શકાયું નથી, પણ તેમના પુત્ર આકાશનું કહેવું છે દરેક માણસનો એક બ્રેકિંગ પૉઇન્ટ હોય છે, જ્યારે તે હતાશામાં આવું પગલું લઈ શકે. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં આકાશે કહ્યું હતું કે ‘દરેક બિઝનેસમાં અપ્સ ઍન્ડ ડાઉન્સ આવતા જ હોય છે. ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ હતી એ વાત સાચી, પણ પપ્પા આવું પગલું લે એ માન્યામાં નથી આવતું. ૬૫ લાખ રૂપિયા ઊભા કરવા તેમના માટે સામાન્ય વાત હતી અને એક કૉલ કરીને તેઓ એટલી રકમ ઊભી કરી શકે એમ હતા. જોકે ઇન્ડસ્ટ્રીના જ લોકોનો તેમને સહકાર ન મળ્યો. તેમને આશા હતી કે સહકાર મળશે, પણ એવું ન થયું. પપ્પા સ્ટ્રૉન્ગ હતા. આ પહેલાં પણ આવી ક્રાઇસિસ આવી હતી, પણ એ દરેકમાંથી તેઓ બહાર આવ્યા હતા. તેઓ સ્ટ્રેસમાં હતા એવું નહોતું. તેમની કેટલીક દવાઓ ચાલુ હતી, પણ એ તો સામાન્ય હતી. મને લાગે છે દરેક વ્યક્તિનો એક બ્રેકિંગ પૉઇન્ટ હોય છે જ્યાં તે આવું પગલું ભરી શકે. કદાચ તેમણે અચાનક આ નર્ણિય લઈને પગલું લીધું હોવાનું લાગી રહ્યું છે.’

ફાઇનૅન્શિયલ મૅટરને લઈને લલિત શેઠની રાજ ટ્રાવેલ વર્લ્ડની ઑપેરા હાઉસ પર આવેલી ઑફિસ પર ર્કોટ-રિસીવરની નોટિસ લગાવવામાં આવી હતી અને એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ ઑફિસનું પઝેશન ર્કોટ પાસે છે. જોકે ગઈ કાલે એ નોટિસ જોવા મળી નહોતી, કાઢી નાખવામાં આવી હતી. આ પગલું ર્કોટના આદેશને પગલે ભરાયું કે અન્ય કોઈ કારણસર એ જાણી શકાયું નથી. બિઝનેસ મૅનેજમેન્ટ અને ટૂરિઝમ કરનાર આકાશ છેલ્લાં ત્રણ વર્ષથી પોતાનો અલગ બિઝનેસ સેટ કરી રહ્યો હતો. લલિત શેઠનું આકસ્મિક નિધન થતાં હવે તે પિતાનો બિઝનેસ સંભાળી લે એવી શક્યતા છે.

લલિત શેઠ સામે થઈ રહ્યા હતા આર્થિક બાબતના કેસ

રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠે ગયા બુધવારે બાંદરા-વરલી સી-લિન્ક પરથી કૂદીને કરેલી આત્મહત્યા વિશે તપાસ કરી રહેલી પોલીસ-ટીમને જાણવા મળ્યું છે કે લલિત શેઠ નાણાકીય તંગીમાંથી પસાર થઈ રહ્યા હતા. જોકે શેઠપરિવાર આ વાતને રદિયો આપી રહ્યો છે, પણ મળતી માહિતી પ્રમાણે લલિત શેઠ પર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનું પાંચ કરોડ રૂપિયાનું દેવું હતું. તેઓ બીજી બે બૅન્કો એચડીએફસી અને આઇસીઆઇસીઆઇની લોન ચૂકવવામાં પણ નિષ્ફળ જતાં આ બૅન્કોએ લિક્વિડેટરની નિમણૂક કરી હોવાની જાણકારી મળી છે. આ સિવાય બે કરોડ રૂપિયાના એક કેસમાં તાતા મોટર્સ અને તાતા ફાઇનૅન્સે લલિત શેઠ સામે લવાદની પ્રક્રિયા શરૂ કરી હતી અને તેમની કંપનીએ સાત વાહનો સરેન્ડર કરવાં પડ્યાં હતાં. તાતા મોટર્સે આ સંદર્ભમાં હાઈ ર્કોટમાં પિટિશન પણ કરી હતી અને એમાં લલિત શેઠની ધરપકડની માગણી પણ કરવામાં આવી હતી.

એચડીએફસી = હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન,

આઇસીઆઇસીઆઇ = ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા

પોલીસે કૉલ-રેકૉડ્ર્‍સ મગાવ્યા

લલિત શેઠના સુસાઇડ કેસની તપાસ બદલ જણાવતાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ધનંજય કુલકર્ણીએ કહ્યું હતું કે ‘અમે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર પાસેથી તેમના કૉલ-રેકૉડ્ર્‍સ મગાવ્યા છે. અમને ૩૧ જુલાઈ સુધીના રેકૉર્ડ્સ મળી ગયા છે, પણ લલિત શેઠે બુધવાર, ૧ ઑગસ્ટે આત્મહત્યા કરી છે. એથી ૧ તારીખનો રેકૉર્ડ હજી અમને પણ મળ્યો નથી. અમને પણ એ જાણવામાં રસ છે કે તેમણે છેલ્લે કોની સાથે વાત કરી હતી. બાકી તેમના પરિવારના સદસ્યોનું કહેવું છે કે તેમના પર કોઈ પ્રેશર નહોતું.’