લાલબાગચા રાજાને પ્રથમ દિવસે ૪૬ લાખ રોકડા, ૧૪ તોલા સોનું અને ૭ કિલો જેટલી ચાંદીનું અર્પણ

30 August, 2025 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશોત્સવના પહેલા દિવસે કુલ ૧૪૪.૦૫૦ ગ્રામ સોનું અને ૭૧૫૯ ગ્રામ ચાંદી બાપ્પાને ભેટ ધરવામાં આવ્યાં છે.

પહેલા દિવસે લાલબાગચા રાજાને અર્પણ થયેલી ભેટની ગણતરી.

મુંબઈના સૌથી માનીતા અને માનતા પૂરી કરનારા ગણપતિ લાલબાગચા રાજાને ભક્તોએ પહેલા દિવસથી જ ખુલ્લા હાથે લાખો રૂપિયાની ભેટ ચડાવી છે. રોકડ દાન ૪૬ લાખ રૂપિયા મળ્યું છે અને ૧૪ તોલાથી વધુ સોનું અને ૭ કિલોથી વધુ ચાંદી બાપ્પાને ભેટસ્વરૂપે અર્પણ કરવામાં આવ્યાં હોવાનું લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે કહ્યું હતું.

મંડળે વિગતવાર માહિતી આપતાં કહ્યું હતું કે ‘સ્ટેજ પર મુકાયેલી દાનપેટીમાં ૨૫.૫૦ લાખ રૂપિયાનું રોકડ દાન મળ્યું છે, જ્યારે રંગપેટીમાં ૨૦.૫૦ લાખ રૂપિયા ભક્તોએ અર્પણ કર્યા છે એટલે કુલ ૪૬ લાખ રૂપિયા રોકડ દાન મળ્યું છે. અનેક ભાવિકોએ તેમની શ્રદ્ધા અનુસાર સોનું-ચાંદી પણ બાપ્પાને ચરણે ધર્યાં છે. ગણેશોત્સવના પહેલા દિવસે કુલ ૧૪૪.૦૫૦ ગ્રામ સોનું અને ૭૧૫૯ ગ્રામ ચાંદી બાપ્પાને ભેટ ધરવામાં આવ્યાં છે.’

ગણેશોત્સવના બીજા દિવસથી બાપ્પાને મળેલા દાનની ગણતરી શરૂ કરવામાં આવે છે. મંડળના અધિકારીઓના નિરીક્ષણ હેઠળ બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને GS મહાનગર કો-ઑપરેટિવ બૅન્કના અધિકારીઓ કૅશ અને કીમતી વસ્તુઓની ગણતરી કરે છે.

lalbaugcha raja lalbaug ganpati festivals ganesh chaturthi news mumbai mumbai news