લાલબાગ ચા રાજા પાસેથી લેવો છે ૩૫ લાખનો સોનાનો ફૂટબૉલ?

05 October, 2012 03:08 AM IST  | 

લાલબાગ ચા રાજા પાસેથી લેવો છે ૩૫ લાખનો સોનાનો ફૂટબૉલ?



સપના દેસાઈ

લાલબાગ, તા. ૫

લાલબાગચા રાજાનાં ચરણોમાં ભક્તોએ ચડાવેલા ચડાવાનું આજથી ત્રણ દિવસ માટે ઑક્શન શરૂ થઈ રહ્યું છે. એમાં સૌની નજર લાલબાગચા રાજાને ચરણે આવેલા એક કિલો સોનાના ફૂટબૉલ પર રહેવાની છે. મંડળે એની કિંમત ૩૫ લાખ રૂપિયાની આસપાસ આંકી છે. જોકે આ ફૂટબૉલનું ઑક્શન આજે નહીં, છેલ્લા દિવસે એટલે કે રવિવારે કરવામાં આવશે.

આજે સાંજે છ વાગ્યાથી શરૂ થનારા ઑક્શન બાબતે લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ટ્રેઝરર રાજેન્દ્ર લાંજવણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દર વર્ષની માફક આ વર્ષે પણ ભક્તોએ પોતાની માનતા પૂરી થતાં લાલબાગચા રાજાનાં ચરણોમાં અધધધ કહેવાય એટલી બધી સોના-ચાંદીની વસ્તુઓ ધરી છે. એમાં ગણપતિની મૂર્તિ, મોદક, દૂર્વા, ઉંદર, પારણું, બંગડી, સોનાની ચેઇન, અંગૂઠી, હાર, ઘર, સોના-ચાંદીનાં બિસ્કિટ વગેરેનો સમાવેશ છે. જોકે એ તમામ વસ્તુઓમાં આ વર્ષે સૌથી આકર્ષક વસ્તુ સોનાનો એક કિલોનો ફૂટબૉલ છે. કોઈ ભક્ત પોતાની માનતા પૂરી થતાં હૂંડીમાં આ બૉલ રાજાનાં ચરણે ચડાવી ગયો હતો. અમે એને પણ ઑક્શનમાં વેચાણ માટે મૂક્યો છે. આ બૉલને આજે નહીં, રવિવારે ઑક્શનમાં વેચાણ માટે મૂકવામાં આવશે. એની અત્યારે તો અમે ૩૫ લાખ રૂપિયા જેટલી કિંમત આંકી છે. ઑક્શનમાં આ ફૂટબૉલની ૪૦ લાખ રૂપિયાની ઉપર બોલી લાગશે એવો અમારો અંદાજ છે.’

રાજાનાં ચરણે ૧૩ કિલો સોનું

મોંઘવારીએ માઝા મૂકી છે, પણ લાલબાગચા રાજાના ભક્તોએ એની કોઈ અસર વર્તાવા દીધી હોય એવું લાગતું નથી એવું બોલતાં મંડળના અધ્યક્ષ અશોક પવારે કહ્યું હતું કે ‘આ વર્ષે લાલબાગચા રાજાને ચરણે લગભગ ૧૩ કિલો જેટલું સોનું ચડાવારૂપે આવ્યું છે જેની બજારકિંમત લગભગ સાડાત્રણ કરોડ રૂપિયાથી પણ વધુ છે. ગયા વર્ષે પણ રાજાના ચરણે ૧૩ કિલો જેટલું જ સોનું આવ્યું હતું; પણ ગયા વર્ષે સોનાનો ભાવ ઓછો હતો, જ્યારે આજે સોનાનો ભાવ ૩૨,૦૦૦ રૂપિયા પર પહોંચી ગયો છે છતાં લોકો મોટી સંખ્યામાં સોનું ચડાવી ગયા છે.’

રેકૉર્ડબ્રેક કૅશ-કલેક્શન

ગયા વર્ષની માફક આ વર્ષે પણ લાલબાગચા રાજાનાં ચરણે રેકૉર્ડબ્રેક કહેવાય એવી રોકડ રકમ પેટીઓમાં જમા થઈ છે એ વિશે મંડળના ટ્રેઝરર રાજેન્દ્ર લાંજવણેએ કહ્યું હતું કે ‘સાત હૂંડીઓ અને પેટીઓમાંથી નીકળેલી રકમની ગણતરી ચાલુ છે. ગઈ કાલ સુધી આઠ કરોડ ૧૬ લાખ ૩૫ હજાર રૂપિયા પર રકમ પહોંચી હતી અને હજી એની ગણતરી ચાલી રહી છે. ગયા વર્ષે હૂંડીઓ અને પેટીઓમાંથી આઠ કરોડ ૧૪ લાખ રૂપિયા રોકડા જમા થયા હતા. એની સામે આ વર્ષે હૂંડીઓ અને પેટીમાંથી નીકળેલી કૅશ ૧૦ કરોડ રૂપિયા પર પહોંચશે એવો અમારો અંદાજ છે. એ સિવાય વિસર્જનના દિવસે કૅશપેટીમાં જમા થયેલી પૈસાની ગણતરી પણ ચાલુ છે, જે ગઈ કાલ સુધી છ લાખ ૬૦ હજાર રૂપિયા પર પહોંચી હતી. એ સિવાય પેટીઓમાંથી ૩૨ દેશની અલગ-અલગ કરન્સી પણ નીકળી છે જેની ગણતરી હજી સુધી કરવામાં આવી નથી. તમામ રોકડ રકમની ગણતરી તેમ જ ઑક્શન થયા પછી એમાંથી આવનારી રોકડ રકમને જોતાં આ વર્ષે લાલબાગચા રાજાનો ચડાવો કદાચ ૧૫ કરોડ રૂપિયા પર પહોંચે એવુ લાગે છે. ગયા વર્ષે ઑક્શનથી મંડળને ચાર કરોડ રૂપિયાની આવક થઈ હતી જે આ વર્ષે એનાથી પણ ઉપર જાય એવું લાગે છે.’