લાલબાગચા રાજાના ચડાવાના ઑક્શનમાં ભક્તો ઊમટ્યાં

07 October, 2012 05:47 AM IST  | 

લાલબાગચા રાજાના ચડાવાના ઑક્શનમાં ભક્તો ઊમટ્યાં



સપના દેસાઈ

લાલબાગ, તા. ૭

લાલબાગચા રાજાના દરબારમાં ચાલી રહેલા ઑક્શનના બીજા દિવસે મોટી સંખ્યામાં ભકતોએ હાજરી પુરાવી હતી અને લાખો રૂપિયાની વસ્તુઓની ખરીદી કરી હતી. ગઈ કાલે કુલ ૧૦૪ વસ્તુઓની હરાજી બોલાઈ હતી, જેમાં સૌથી મોટી બોલી સોનાના એક હારની બોલાઈ હતી. એ ચાર લાખ રૂપિયામાં વેચાયો હતો. 

બે દિવસમાં એક કરોડ ૩૪ લાખ

ઑક્શનના બીજા દિવસે ગઈ કાલે કુલ ૧૦૪ વસ્તુઓ વેચાઈ હતી. મંડળના અધ્યક્ષ અશોક પવારે જણાવ્યું હતું કે ‘પહેલા દિવસે એટલે કે શુક્રવારે ૬૨ લાખ રૂપિયાની વસ્તુઓ વેચાયા પછી ગઈ કાલે ઑક્શનના બીજા દિવસે ૭૨ લાખ ૬૩ હજાર રૂપિયાની વસ્તુઓ વેચાઈ હતી, જેને પગલે બે દિવસની રકમ એક કરોડ ૩૪ લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આજે ઑક્શનનો છેલ્લો દિવસ છે ત્યારે એ રકમમાં હજી વધારો થાય એવી શક્યતા છે. ગયા વર્ષે ઑક્શનથી લગભગ ચાર કરોડ રૂપિયા ભેગા થયા હતા. ઑક્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે એટલે આજે પણ કદાચ એકથી દોઢ કરોડ રૂપિયાની આસપાસ વસ્તુઓ વેચાય એવી શક્યતા છે.’

ગઈ કાલે ઑક્શનમાં શું વેચાયું?

ગઈ કાલે ઑક્શનના બીજા દિવસે લાલબાગચા રાજાનાં ચરણોમાં ધરવામાં આવેલી ગણપતિની મૂર્તિ, મોદક, પારણું, બંગડી, સોનાની ચેઇન, પેન્ડન્ટ, ત્રિશૂલ, ચાંદીનું છત્ર, અંગૂઠી, ઘર, સોનાનાં બિસ્કિટ, દીવો, સોનાનો હાર, કંગન, મૂષક, શંખ, કાનનાં બૂટિયાં વગેરે વસ્તુઓને મોટી-મોટી બોલી લગાવીને પ્રસાદ સમજીને ભક્તોજનો ખરીદી ગયા હતા.

કૅલ્ક્યુલેશન નહીં, ભાવના

મુલુંડમાં રહેતા અને જ્વેલરીનો જ વ્યવસાય કરતા ધર્મેશ શાહ અને તેમનાં પત્ની તેજલ ગઈ કાલે પહેલી વાર ઑક્શનમાં ખરીદી કરવામાં આવ્યાં હતાં. સોનાનું ૧૩ ગ્રામનું કંગન ખરીદનારા ધર્મેશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘરેથી નીકળતી વખતે જ નક્કી કર્યું હતુ કે ઑક્શન ચાલતું હશે અને જ્યારે અમે ત્યાં પગ મૂકીશું અને જે વસ્તુની હરાજી ચાલતી હશે એ જ વસ્તુની ખરીદી કરીશું, પછી ભલે કોઈ પણ કિંમત ચૂકવવી કેમ ન પડે. એટલે જ અમારો પગ ત્યાં પડ્યો અને ૧૩ ગ્રામના કંગનની બોલી ચાલી રહી હતી જે અમે ૬૨,૫૦૦ રૂપિયામાં ખરીદી લીધું હતું. આ કંગનની માર્કેટ પ્રાઇસ ૪૦,૦૦૦ રૂપિયાની આસપાસ જ હોવાની મને ખબર હોવા છતાં મેં એ ૬૨,૫૦૦ રૂપિયામાં ખરીદ્યું, કારણ કે મારા માટે એ પ્રસાદ છે અને એમાં કૅલ્ક્યુલેશન નહીં પણ મનની ભાવનાનો સવાલ છે. બાપ્પાનો આ પ્રસાદ અમે અમારી ૧૩ વર્ષની દીકરી માટે ખરીદ્યો છે.’

શ્રદ્ધાને જોતાં ઑક્શનમાંથી ખરીદી


લાલબાગમાં જ રહેતા અને કપડાંનો વ્યવસાય કરતા નીતિન દાવડાએ ગઈ કાલે ચાંદીનું છત્ર ૮૧,૦૦૦ રૂપિયામાં ખરીદ્યું હતું. છેલ્લાં અનેક વર્ષોથી ઑક્શનમાંથી ખરીદવાનો નિયમ રાખનારા નીતિને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે મારું કંઈ નહોતું, પણ રાજાની પાસે માગ્યું અને એણે મને બધી રીતે જીવનમાં સધ્ધર બનાવી દીધો. એમના આશીર્વાદને પગલે જ મારો ટ્રેડિંગનો બિઝનેસ શરૂ થઈ શકયો અને એટલે જ એમના પ્રત્યે રહેલી શ્રદ્ધાને જોતાં મેં ઑક્શનમાંથી વસ્તુઓ ખરીદવાનું શરૂ કર્યું હતું. આટલાં વર્ષોમાં મેં ગણપતિની મૂર્તિ, સોનાની ચેઇન, મોદક જેવી અનેક વસ્તુઓની ખરીદી કરી છે અને જ્યાં સુધી એમના આશીર્વાદ મારા માથે રહેશે ત્યાં સુધી હું ઑક્શનમાંથી વસ્તુઓ ખરીદતો રહીશ.’

સોનાનો ફૂટબૉલ ખરીદવો છે

સોનાનું કમળ, ચાંદીનો મોદક, સોનાની ચેઇન જેવી ઘણીબધી વસ્તુઓની ખરીદી કરનારા સાઉથ મુંબઈ રહેતા બિઝનેસમૅન પ્રદીપ ભાવનાણીએ કહ્યું હતું કે ‘બાપ્પામાં રહેલા વિશ્વાસ અને એમના આશીર્વાદને લીધે જ હું ઑક્શનમાંથી વસ્તુઓની ખરીદી કરતો આવ્યો છું. મારી ઇચ્છા તો સોનાનો ફૂટબૉલ ખરીદવાની છે. જો મારા નસીબમાં હશે તો હું એ પણ ખરીદી લઈશ.’

બાપ્પાની વસ્તુઓ શુભ સાબિત થઈ

ભિવંડી રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા મુકેશ ઠક્કર ગઈ કાલે તેમનાં કાંદિવલી રહેતાં સાસુ દયમંતી દત્તાણી સાથે ઑક્શનમાં આવ્યા હતા. ઑક્શનમાંથી સોનાનું ફૂલ ખરીદનારા મુકેશે કહ્યું હતું કે ‘ગયા વર્ષે મેં સોનાની વીંટીની ખરીદી કરી હતી અને આ વષેં મેં સોનાનું ફૂલ ખરીદ્યું છે તો મારાં સાસુએ ચાંદીનું મોટું ઘર ખરીદ્યું હતું. ગયા વર્ષે તેમણે સોનાનું બિસ્કિટ ખરીદ્યું હતું. અહીંથી ખરીદેલી વસ્તુઓ અમારા ઘર માટે શુભ સાબિત થઈ છે.’

ઘરના ગણપતિ સામે રાખું છું


ઑક્શન માટે ખાસ પનવેલથી આવેલા અશોક ચોરડિયાએ ગઈ કાલે ૨૮ ગ્રામ વજનની સોનાની ગણપતિની મૂર્તિની ખરીદી કરી હતી. અત્યાર સુધી હાર, મૂષક, વીંટી જેવી અનેક વસ્તુઓ ઑક્શનમાંથી ખરીદનારા અશોકે કહ્યું હતું કે ‘મને લાલબાગચા રાજામાં અપાર શ્રદ્ધા છે અને એટલે જ હું અહીંથી વસ્તુઓની ખરીદી કરું છું. મારા ઘરે દોઢ દિવસના ગણપતિ આવે છે અને અહીંથી ખરીદેલી તમામ વસ્તુઓ હું ગણેશોત્સવ દરમ્યાન હું તેમના સમક્ષ રાખું છું.’

ઘરે સુખ-શાંતિ આવે છે

ચર્ની રોડમાં રહેતા યતીન નવીનચંદ્ર શાહે ગઈ કાલે ૬૦ ગ્રામ વજનના પાંચ મોદક ખરીદ્યા હતા. રાજાએ મારા જીવનનાં તમામ વિઘ્નો દૂર કયાર઼્ છે એવું બોલતાં યતીન શાહે કહ્યું હતું કે ‘મારા જીવનમાં અનેક પ્રકારનાં વિઘ્નો આવ્યાં હતાં. ઘરે ભારે તકલીફ હતી, પણ મારો મિત્ર મને લાલબાગચા રાજાના શરણે લઈ આવ્યો અને મારી તકલીફો દૂર થઈ. ત્યારથી મેં નિયમિત એમનાં દર્શને આવવાનું શરૂ કર્યું અને જીવનમાં રહેલાં વિઘ્નો ધીમે-ધીમે દૂર થતાં મેં ઑક્શનમાંથી વસ્તુઓ ખરીદવાની શરૂઆત કરી. આ વસ્તુઓ ખરીદવાને પગલે વિઘ્નો તો દૂર થયાં, પણ સાથે જ મારા ઘરમાં વસ્તુઓના રૂપમાં સુખ-શાંતિ પણ આવ્યાં છે.’

બાપ્પાના આશીર્વાદથી ઘર બન્યું

વિદ્યાવિહારમાં રહેતા અને સર્વિસ કરતા હેમલ ઠક્કરે ગઈ કાલે ઑક્શનમાંથી ચાંદીનું મોટું ત્રિશૂલ ૪૩,૦૦૦ રૂપિયામાં ખરીદ્યું હતું. છેલ્લાં ત્રણ વર્ષથી હું ઑક્શનમાંથી વસ્તુઓની ખરીદી કરતો આવ્યો છું એવું બોલતાં હેમલે કહ્યું હતું કે ‘મારા ઘરે પાંચ દિવસના ગણપતિ આવે છે. એમની સમક્ષ આ વસ્તુઓ રાખું છું. પહેલા વર્ષે ઑક્શનમાંથી મેં નાનકડું ઘર ખરીદ્યું હતું અને રાજાના આશીર્વાદને પગલે એ જ વર્ષે હું મારું પોતાનું ઘર ખરીદી શક્યો હતો. બીજા વર્ષે મેં ગણપતિબાપ્પાની મૂર્તિની ખરીદી અને એ જ વર્ષથી મારા ઘરે ગણપતિબાપ્પા આવ્યા. અમે એ વર્ષથી ઘરમાં ગણપતિની સ્થાપના કરવા માંડી હતી અને હવે આ વર્ષે મેં શક્તિનું, માતાનું પ્રતીક ગણાતા ત્રિશૂલની ખરીદી કરી છે એટલે બાપ્પા અમને તમામ વિઘ્નો સામે લડવાની શક્તિ આપશે.’

સોનાના હારની મોટી બોલી

સૌથી મોટી બોલી ગઈ કાલે સોનાના ૧૧૨ ગ્રામના હારની થઈ હતી. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે એની કિંમત ૨,૮૦,૦૦૦ રૂપિયા આંકી હતી, જેની ભારે બોલી લાગ્યા પછી છેવટે એ ચાર લાખ એક હજાર રૂપિયામાં વેચાયો હતો. એને એક બિલ્ડરે ખરીદ્યો હતો. ત્યાર બાદ સોનાના ત્રણ બિસ્કિટો વેચાયાં હતી જેમાં એક બિસ્કિટ ૩,૮૦, ૦૦૦માં, બીજું ૩,૩૩,૦૦૦માં અને ત્રીજું ૩,૨૭,૦૦૦માં વેચાયું હતું.

રોકડ રકમની ગણતરી પૂરી


લાલબાગચા રાજાના ચરણે આવેલી રોકડ રકમ ગણતરી ગઈ કાલે ફાઇનલી પૂરી થઈ હતી. ગણેશોત્સવ દરમ્યાન સાત હૂંડીઓમાંથી નીકળેલી કુલ રકમ નવ કરોડ ૧૯ લાખ રૂપિયા જેટલી થઈ હતી. ગયા વર્ષે હૂંડીઓ અને પેટીઓમાંથી આઠ કરોડ ૧૪ લાખ રૂપિયા રોકડા જમા થયા હતા. એની સામે આ વર્ષે હૂંડીઓ અને પેટીમાંથી નીકળેલી રકમ વધારે છે. જોકે મંડળને આ રકમ  દસ કરોડ પર પહોંચવાનો અંદાજ હતો.