લક્ષ્મીવિલાસ બૅન્કના લીધે ખાતેદારો અને સિનિયર સિટિઝનો મુશ્કેલીમાં

19 November, 2020 09:21 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

લક્ષ્મીવિલાસ બૅન્કના લીધે ખાતેદારો અને સિનિયર સિટિઝનો મુશ્કેલીમાં

લક્ષ્મીવિલાસ બૅન્ક

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ લક્ષ્મીવિલાસ બૅન્ક પર હાલ ૧૬ ડિસેમ્બર સુધી બંધી મૂકી દેતાં નાના ખાતેદારોની હાલત કફોડી થઈ ગઈ છે. આરબીઆઇની શરતો મુજબ હાલ આ આ એક મહિનામાં વધુમાં વધુ ૨૫,૦૦૦ રૂપિયા જ ખાતેદાર તેમના અકાઉન્ટમાંથી કઢાવી શકશે. આથી ખાતેદારો હાલપૂરતા ચિંતામાં મુકાઈ ગયા છે.

બોરીવલીના ચંદાવરકર રોડ પર આવેલી લક્ષ્મીવિલાસ બૅન્કની બ્રાન્ચમાં ગઈ કાલે ખાતેદારો આવીને પૂછપરછ કરતા હતા અને ૨૫,૦૦૦ની રકમ કઢાવતા હતા. બૅન્કના મૅનેજર અને અન્ય કર્મચારી વર્ગ દ્વારા તેમને કહેવાતું હતું કે ચિંતા કરવાની જરૂર નથી, તેમની ડિપોઝિટ સેફ છે. આ જે પ્રૉબ્લેમ છે એ ટાઇમ બિઇંગ છે. પણ એમ છતાં તેમના મોઢા પર સ્પષ્ટપણે ચિંતા દેખાઈ આવતી હતી.

લક્ષ્મીવિલાસ બૅન્કના ખાતેદારોનું આ બાબતે શું માનવું છે, તેમનું શું કહેવું છે એ જાણવાનો ‘મિડ-ડે’ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો...

વ્યાજ અને ડિવિડન્ડ પર ઘર ચાલે છે

આમાં નાનો માણસ મરી જશે. આપણે સામાન્ય ખાતેદારો સેવિંગ અકાઉન્ટમાં પૈસા મૂકે, એફડી કઢાવે. બૅન્કની અંદર શું ચાલે છે એની આપણને શી રીતે ખબર પડે? હું શૅરબજારમાં પોતાનું જ ટ્રેડિંગ કરું છું. કંપનીઓમાં આ અકાઉન્ટ નંબર આપ્યા છે. કંપનીના ડિવિડન્ડના ચેક આમાં જ આવે છે. મારે જો કોઈ શૅર્સની લે-વેચ કરવી હોય તો પણ આ જ અકાઉન્ટ થ્રૂ થાય છે. વ્યાજ અને ડિવિડન્ડ પર જ મારું ઘર ચાલે છે. આરટીજીએસ, એનઈએફટી બધું જ અટકી ગયું. બૅન્ક તરફથી કહેવાયું છે કે પાંચ લાખ સુધીની રકમ સેફ છે, પણ એની ઉપરની રકમનું શું? અને એ પણ આરબીઆઇની ઇન્શ્યૉરન્સની રકમ છે. પણ અમારી મૂળ રકમ તો હાલ અટવાઈ જ ગઈ.
- વિક્રમ શાહ, એમએચબી કૉલોની-બોરીવલી

બિઝનેસ અકાઉન્ટ હોવાથી ધંધો અટકી ગયો

એલઈડી લાઇટના વેપાર કરતા રાજકુમાર સિંઘવીએ કહ્યું હતું કે ‘દિવાળીના સમયે આ કર્યું એ બહુ ખોટું કર્યું. અમારો તો ધંધો જ અટકી જશે. અમારે વેપારીઓને પૈસા આપવાના છે. હવે કેવી રીતે આપવા? છેલ્લાં પંદર વર્ષથી મારુ અહીં કરન્ટ અકાઉન્ટ પણ છે અને મારા પરિવારના સભ્યોનાં સેવિંગ અકાઉન્ટ્સ છે. થોડીઘણી એફડી પણ છે. પણ હવે એ બધી જ રકમ અટકી ગઈ. ગવર્નમેન્ટ અને આરબીઆઇ આમ ઇન્ટસ્ટન્ટ આવી રીતની બંધી કઈ રીતે મૂકી શકે? લોકો હેરાન થઈ જશે. બૅન્કનું નામ સારું છે પણ અંદરની ખબર નથી. પૈસા પાછા આવશે, પણ હવે લાંબો સમય લાગી જશે. આપણા હિસાબે આપણને પૈસા નહીં મળે.’
- રાજકુમાર સિંઘવી, બોરીવલી

એફડી અટવાઈ જવાથી મુશ્કેલી વધી

એક વાર જે પાર્ટી ઊઠી જાય એ ફરી ઊઠે. 2019ના સપ્ટેમ્બરમાં આવું જ થયું હતું. 2020માં ફરી વાર થયું. એ વખતે પણ બૅન્ક પ્રૉબ્લેમમાં આવી ગઈ હતી. ડીબીએસ બૅન્ક આ બૅન્કને ટેકઓવર કરવાની છે એમ સાંભળ્યું છે. એકથી દોઢ વર્ષમાં પૈસા મળશે એમ કહે છે. મારી એફડી અટકી ગઈ. એક મહિનામાં માત્ર ૨૫,૦૦૦ ઉપાડવા મળશે. આ તો પીએનબી બૅન્ક જેવું થયું. હવે જલદી ચાલુ થાય એવું લાગતું નથી.
- સુધીર સંઘવી, બોરીવલી

પ્રતિબંધથી થોડી અસર તો થશે

ડિપોઝિટર્સને મોટા ભાગે વાંધો નહીં આવે. બૅન્ક અને ગવર્નમેન્ટ બન્નેએ ઍશ્યૉરન્સ આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ તકલીફ થોડા વખત માટે જ છે. આ બૅન્કની 563 બ્રાન્ચ છે, મોટી બૅન્ક છે. મૂળ તામિલનાડુની બૅન્ક છે. ૯૦ ટકા બ્રાન્ચ દક્ષિણ ભારતમાં આવેલી છે. એથી સાઉથમાં થોડી વધારે ઇફેક્ટ પડશે. આજે ૨૫,૦૦૦ કઢાવ્યા છે.’
- કમલેશ પ્રાગાવત, બોરીવલી

બૅન્કને પ્રૉબ્લેમ નહીં આવે

બૅન્કને સો ટકા પ્રૉબ્લેમ નહીં આવે. ૨૧ વર્ષથી બૅન્ક એનું ભાડુ રેગ્યુલર ટાઇમે આપે છે. ક્યારેય આ બાબતે કોઈ મુશ્કેલી નથી આવી. હાલ મર્જરની પ્રોસેસ ચાલે છ એથી થોડો ટાઇમ લાગશે, બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મારી પોતાની બાર એફડી છે અને અકાઉન્ટ છે. લોકોએ ગભરાવાની જરૂર નથી.’
- દીપક આહીર, બોરીવલી

આરબીઆઇની ઇન્સ્ટ્રક્શનને અનુસરીએ છીએ

બોરીવલી લક્ષ્મીવિલાસ બૅન્કનાં બ્રાન્ચ મૅનેજર પ્રિયા મેઘાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ અમે આરબીઆઇએ આપેલી ઇન્સ્ટ્રક્શન મુજબ ડિપોઝિટર્સને 25,000 સુધીની રકમ આપીએ છીએ. મર્જર અને અન્ય ડિસિઝન આરબીઆઇ અને બૅન્ક મૅનેજમેન્ટ લેશે. હાલ અમારા બધા જ ડિપોઝિટર્સની રકમ સેફ છે. કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. અમારી બ્રાન્ચ ડિપોઝિટ હાલ 24 + કરોડ રૂપિયા છે.’
- પ્રિયા મેઘાણી, મૅનેજર

બિઝનેસને અસર પહોંચશે

હાલ માત્ર ૨૫,૦૦૦ ઉપાડવા આપે છે. કરન્ટ અકાઉન્ટ, સીસી, ઓડી ફૅસિલિટી વિશે કોઈ જ સ્પષ્ટતા કરાઈ નથી. એફડી પણ કૅન્સલ કરાવીએ તો એના પૈસા અકાઉન્ટમાં જમા થાય અને એમાંથી કુલ ૨૫,૦૦૦ જ ઉપાડવા મળે. આના કારણે બિઝનેસમેનને તકલીફ પડશે. તેઓ ૨૫,૦૦૦થી વધુ પૈસા સ્વાકીરી પણ નથી રહ્યા ને આપી પણ નથી રહ્યા. ઇન અને આઉટ બન્ને બંધ છે. જોકે પાંચસો કરતાં વધુ બ્રાન્ચ હોવાથી વાંધો નહીં આવે એવું લાગે છે. જો કોઈને ઇમર્જન્સી હોય તો હૉસ્પિટલમાં પૈસા ભરવાના હોય તો તેઓ ૨૫,૦૦૦ની લિમિટ કરતાં વધારે પણ કઢાવી શકશે, પણ એ માટે હૉસ્પિટલનો લેટર હોવો જરૂરી છે.’
- નરેશ જૈન, બોરીવલી

mumbai mumbai news