૧ ચોરે બે કલાકમાં ૧૪ દુકાનોનાં શટર તોડ્યાં

13 March, 2025 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેના ચરઈ વિસ્તારમાં મંગળવારની મધરાત પછી અલગ-અલગ શૉપમાંથી લાખો રૂપિયાની ચોરી

CCTV કૅમેરામાં કેદ થયેલો આરોપી, વિજય ક્લિનિકનું શટર તૂટ્યું હતું.

થાણે પોલીસની ધાક ઓછી થઈ ગઈ હોય એમ ગુનેગારોની સાથે તસ્કરો પણ બેફામ બન્યા છે. મંગળવાર મધરાતથી ગઈ કાલે વહેલી સવાર સુધીમાં એક ચોરે થાણે-વેસ્ટના ચરઈ વિસ્તારમાં આવેલી ૧૪ દુકાનોનાં શટર તોડીને લાખો રૂપિયાની માલમતાની ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે નૌપાડા પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે દુકાનોમાં લાગેલાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજો તપાસતાં અંધારાનો ફાયદો ઉઠાવીને એક ચોર ડૉક્ટરનું ક્લિનિક, આયુર્વેદિક દુકાન, હાર્ડવેઅરની દુકાન, સલૂન્સ અને કરિયાણાની દુકાન એમ એક પછી એક દુકાનોનાં તાળાં તોડીને અંદર પ્રવેશતો જોવા મળ્યો હતો. આ કેસની જૉઇન્ટ તપાસ ક્રાઇમ બ્રાન્ચે પણ શરૂ કરી છે.

મારી દુકાનમાંથી પૈસા વધારે હાથમાં ન આવતાં ચોર ઠંડા પીણાની બૉટલો ચોરી ગયો હતો એમ જણાવતાં ચરઈ વિસ્તારમાં છેડા જનરલ સ્ટોરના માલિક જીનેશ નંદુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ચાર વાગ્યાની આસપાસ મારી દુકાનમાં એક ચોરે પ્રવેશીને ગલ્લામાં રાખેલા ૧૭૦૦ રૂપિયા તડફાવી લીધા હતા. એ સમયે મારી દુકાનમાં વધારે રોકડા પૈસા ન મળતાં ચોર મારી દુકાનમાં રાખેલી સાતથી આઠ ઠંડા પીણાની બૉટલ ચોરી ગયો હતો.’

મારી દુકાનમાંથી ૧૦,૦૦૦ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી એમ જણાવતાં ચરઈ વિસ્તારમાં આવેલી રોકડા જનરલ સ્ટોરના માલિક સંજય દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે મારી દુકાનમાં બ્રેડની ડિલિવરી કરવા આવતા માણસે મને જાણ કરી હતી કે મારી દુકાન ખુલ્લી છે. તાત્કાલિક હું દુકાને પહોંચ્યો ત્યારે ગલ્લામાં રાખેલા ૧૦,૦૦૦ રૂપિયા ચોરાયા હોવાની જાણ થઈ હતી. ચોરે મારી દુકાનનું શટર તોડી નાખ્યું છે. પોલીસ આવા રીઢા ગુનેગારને તાત્કાલિક પકડે એવી અમારી અપીલ છે.’

આરોપીને શોધવા માટે અમે વિવિધ ટીમ બનાવી છે, એક ચોરે બે કલાકમાં ૧૪ દુકાનોનાં શટર તોડી નાખ્યાં હતાં એમ જણાવતાં નૌપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અભય મહાજને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીને શોધવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આ મામલે ૧૪ લોકોની અમે ફરિયાદ નોંધી છે. મોટા ભાગની દુકાનોમાંથી ૧૦,૦૦૦ રૂપિયા કરતાં ઓછાની ચોરી થઈ છે.’

mumbai news mumbai thane crime thane mumbai police