મનાઈ હોવા છતાં ટ્રેનમાં બાળકો સાથે પ્રવાસ

03 December, 2020 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનાઈ હોવા છતાં ટ્રેનમાં બાળકો સાથે પ્રવાસ

બાળકોના પ્રવાસ પર પ્રતિબંધ હોવાની રેલવેએ સૂચના જાહેર કરી હોવા છતાં બાળકો હાલ સુધી લોકલમાં પ્રવાસ કરી રહ્યાં છે

કોરોના મહામારીના કારણે લૉકડાઉન લાગુ કરાયા બાદ મિશન બિગિન અગેન હેઠળ અનલૉકની પ્રક્રિયા દરમિયાન મહિલા પ્રવાસીઓની અસુવિધા દૂર કરવા ૨૧ ઑક્ટોબરથી મુંબઈની ટ્રેનોમાં મર્યાદિત સમય માટે મહિલા પ્રવાસીને પ્રવાસ કરવાની અનુમતિ અપાઈ હતી. પરંતુ અનેક મહિલા પ્રવાસીઓ તેમની સાથે બાળકોને પણ ટ્રેનમાં પ્રવાસ કરાવી રહી હતી. જોકે કોરોના સંક્રમણને કારણે બાળકોને હાલમાં ટ્રેનમાં પ્રવાસ કરવો જોખમભર્યું હોવાથી વેસ્ટર્ન રેલવે અને સેન્ટ્રલ રેલવે દ્વારા બાળકોને ટ્રેનમાં પ્રવાસ કરવા સામે વાંધો લેવાતાં તેમના પ્રવાસ પર પ્રતિબંધ હોવાનું જાહેર કર્યું હતું. આવી જાહેરાત છતાં વેસ્ટર્ન રેલવે અને સેન્ટ્રલ રેલવેમાં હાલ સુધી અનેક બાળકો પ્રવાસ કરતાં હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ હવે કદાચ બાળકોને લઈને ટ્રેનમાં પ્રવાસ કરવો મોંઘો પડી શકે છે અને રેલવે દ્વારા કાર્યવાહી સુધ્ધાં કરવામાં આવી શકે છે.

રેલવેએ આ બાબતે વધુ ગંભીરતા દાખવવી જોઈએ એમ કહેતાં રેલયાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોનાનો ખતરો ખતરો હજી ટળ્યો નથી એથી સિનિયર સિટિઝન અને બાળકોને લોકલમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો એ સરકારનો નિર્ણય યોગ્ય છે. રેલવેની સૂચના જાહેર કર્યા છતાં પ્રવાસીઓ બાળકોને લઈને હાલ સુધી પ્રવાસ કરતા જોવા મળે છે અને રેલવેની સૂચના કચરાની પેટીમાં નાખવા જેવું કામ થતું જોવા મળે છે. આ મામલે આરપીએફ અને જીઆરપીએ મળીને આ વયજૂથના પ્રવાસીઓની એન્ટ્રી પર કાર્યવાહી કરવાનું કામ કરવું જરૂરી છે. એકબીજા પર જવાબદારી ધકેલવા કરતાં બન્નેએ મળીને વ્યવસ્થા સંભાળવી જોઈએ. તેમ જ રાજ્ય શાસન અને રેલવે બન્નેને આ વિશેષ ધ્યાન આપવું જોઈએ જેથી અહીંથી સંક્રમણ ફેલાય નહીં.’

પ્રવાસીઓ ટ્રેનમાં ‘નો સોશ્યલ ડિસ્ટન્સિંગ’ને ફૉલો કરે છે?

વેસ્ટર્ન રેલવે હોય કે સેન્ટ્રલ રેલવે હોય, ટ્રેનમાં જ્યારથી અમુક પ્રવાસી વર્ગને પ્રવાસ કરવાની પરવાનગી મળવા લાગી છે ત્યારથી ટ્રેનમાં ભીડ પણ વધવા લાગી છે. કોરોના મહામારીની શરૂઆતમાં ટ્રેનોના કોચમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરીને પ્રવાસ કરવામાં આવતો હતો, પરંતુ હવે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં ટ્રેનોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગને ફૉલો કરવામાં આવતું ન હોવાનું દરરોજ જોવા મળે છે. પ્રવાસીઓ એકબીજા સાથે અડીને સીટ પર બેઠા હોય છે તો આ પરિસ્થિતિ કોરોનાની સેકન્ડ વેવને આમંત્રણ નથી આપી રહી?

રેલવેનું શું કહેવું છે?

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ કામ માટે દરેક રેલવે સ્ટેશનના એન્ટ્રી પૉઇન્ટ અને પ્લૅટફૉર્મ પર રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો તહેનાત કરેલા હોવાથી તેઓ રાઉન્ડ મારતા જ હોય છે. એમ છતાંય રેલવે પોલીસને આ વિશે જાણ કરીને બાળકોને લઈને પ્રવાસ કરતા પ્રવાસીઓને પહેલાં કાઉન્સેલ કરાશે અને પછી કાર્યવાહી હાથ ધરાશે.’

સેન્ટ્રલ રેલવેના સિનિયર પબ્લિક રિલેશન્સ ઑફિસર એ. કે. જૈન ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલા પ્રવાસીઓની અસુવિધાને દૂર કરવા માટે તેમને ટ્રેનમાં પ્રવાસ કરવાની અનુમતિ અપાઈ છે. પરંતુ મહિલા પ્રવાસીઓ બાળકોને લઈને પ્રવાસ કરતી હોવાથી બાળકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એમ છે. એથી બાળકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે જ રેલવેએ તેમને પ્રવાસ કરવાની પરવાનગી આપી નથી. એમ છતાંય હાલ સુધી સૂચનાઓને નજરઅંદાજ કરીને બાળકોને પ્રવાસ કરાવતા હશે તો એ મામલે કડક વલણ દેખાડવામાં આવશે.’

mumbai mumbai news mumbai local train