અજિત પવારના કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસી-તૈસી

30 May, 2020 02:50 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

અજિત પવારના કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસી-તૈસી

પુણેમાં ઔંધ ખાતે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર

કોરોના વાઇરસથી બચવા માટે સરકાર દ્વારા લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરવાનું સૂચન કરવામાં આવે છે. પોલીસ નિયમનો ભંગ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરે છે. જોકે આ નિયમો રાજકારણીઓને લાગુ ન પડતા હોય એવું લાગી રહ્યું છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારના હસ્તે શુક્રવારે સવારે ઔંધ-રાવેત ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આ‍વ્યું હતું ત્યારે લૉકડાઉનના તમામ નિયમો બાજુએ મૂકી દેવાની ચોંકાવનારી ઘટના બની હતી.

પુણેના ઔંધ ખાતે નવા બંધાયેલા ફ્લાયઓવર બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે સોશ્યલ ડિસ્ટન્સિંગનું કોઈ પણ પ્રકારે ધ્યાન રાખવામાં ન આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પ્રશાસકીય અધિકારી અને રાષ્ટ્રવાદી નેતાઓ દ્વારા પણ આ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું નહોતું.

પુણે અને પિંપરી-ચિંચવડ વિસ્તારમાં કોરોનાનો કેર ફેલાયો છે. આવી પરિસ્થિતિમાં કોઈ મોટો કાર્યક્રમ કરવામાં આવે અને એમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થાય તો આવામાં દરદીઓની સંખ્યામાં મોટો વધારો થઈ શકે છે.

કોરોનાના કારણે દેશભરમાં ચોથું લૉકડાઉન ચાલી રહ્યું છે અને વધુ આગળ લંબાવાય એવી શક્યતા પણ છે. આવામાં કોઈ મોટો કાર્યક્રમ કરવો સોશ્યલ ડિસ્ટન્સિંગની મજાક ઉડાવવા સમાન છે.

coronavirus covid19 ajit pawar pune