જીવના જોખમે જિંદગીનો જંગ

07 February, 2021 10:09 AM IST  |  Mumbai | Rohit Parikh

જીવના જોખમે જિંદગીનો જંગ

ન્યાયની માગણી સાથે ૨૪ જાન્યુઆરીએ રોડ પર ઊતરી આવેલા કામા લેનના રહેવાસીઓ

ઇન્ડિયન નેવી એની નજીકના વિસ્તારોમાં બાંધકામ માટે એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) આપે, જેથી હજારો લોકો બેઘર થતા બચી શકે અને બેઘર થયેલા હજારો લોકોને તેમનાં ઘર મળે એવી માગણી સાથે ઘાટકોપરના નેવીના ડેપોના ૫૦૦ મીટરના અંતરમાં રહેતા રહેવાસીઓ આજે ઘાટકોપર (વેસ્ટ)ના નારાયણનગરમાં આવેલા નેવીના ડેપો સામે ધરણાં કરવાના છે.

ઘાટકોપર વેસ્ટ અને ઈસ્ટમાં ઇન્ડિયન નેવી દ્વારા ૨૦૧૪માં જાહેર કરવામાં આવેલા નેવી ડેપોના ૫૦૦ મીટરના અંતરમાં બાંધકામ પર નિયંત્રણ મૂકતા સર્ક્યુલરને કારણે નારાયણનગર, કામા લેન અને રાજાવાડી વિસ્તારોમાં અનેક પ્રોજેક્ટો અટવાઈ ગયા છે. આ માહિતી આપતાં આ વિસ્તારોમાં જર્જરિત ઇમારતોમાં રહેતા રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પચાસ વર્ષથી વધુ સમયથી જે ઇમારતોમાં રહીએ છીએ એ ઇમારતોની હાલત હવે અમે એમાં જીવી શકીએ એવી સ્થિતિમાં નથી. એનો એકમાત્ર ઉપાય ઇમારતોનું રીડેવલપમેન્ટ છે. જોકે નેવીના એનઓસી વગર રીડેવલપ કરી શકીએ એમ નથી. અમે અમારી ઇમારતોનું રીડેવલપમેન્ટ કરવાની શરૂઆત કરી હતી, પણ આ સર્ક્યુલરને કારણે હવે એ શક્ય નથી. અમારા જેવા અનેક લોકો છેલ્લાં સાત વર્ષથી પીડાઈ રહ્યા છે. આમ છતાં અમારી વહારે કોઈ આવતું નથી.’

આ પહેલાં ૨૪ જાન્યુઆરીએ સવારે કામા લેનના મહિલાઓ સહિત સેંકડો રહેવાસીઓ ‘અમને અમારાં ઘરો માટે ન્યાય આપો’ના નારા સાથે રોડ પર પ્લૅકાર્ડ્સ સાથે ઊતરી ગયા હતા. આ રહેવાસીઓએ સરકાર નેવલ ડિપાર્ટમેન્ટના નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ માટે વહેલી તકે કાયદામાં પરિવર્તન લાવે એવી જોરદાર માગણી કરી હતી.

મહાનગરપાલિકાના બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટે ૨૦૧૭થી કન્સ્ટ્રક્શનનાં કામોને નેવલના નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ વગર પરવાનગી આપવાની બંધ કરી દીધી છે. આ કારણસર અત્યારે મુંબઈમાં મલાડ, કાંદિવલી અને ઘાટકોપર સહિત અનેક ઉપનગરોમાં ૧૫૦૦થી વધુ પ્રોજેક્ટોનો વિકાસ રૂંધાયો છે.

એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પ૦૦ મીટરને બદલે ૧૦ મીટરના અંતર પર પ્રતિબંધ મૂકવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. એનાથી હજારો લોકોને તેમની જર્જિરત ઇમારતો રીડેવલપ થશે એવી આશા જન્મી હતી. જોકે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના આ પ્રસ્તાવ સામે આર્મીએ વિરોધ નોંધાવતાં આ મુદ્દો વિવાદિત બન્યો હતો.

આવી જ રીતે ૨૦૧૯માં નૌકામથકોની નજીકનાં મકાનોને વ્યવસાય પ્રમાણપત્ર આપવા માટે ભારતીય નૌકાદળ તરફથી વાંધા પ્રમાણપત્ર (એનઓસી) મેળવવા વિરુદ્ધ બે અરજીઓ નામંજૂર કરતી વખતે બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે સુરક્ષાનાં પાસાં એ ‘મૂળભૂત આવશ્યકતા’ છે.

રહેવાસીઓ કેવી વ્યથામાંથી પસાર થાય છે?

સાડાસાત વર્ષથી ઘરની બહાર

અમારું મકાન જર્જરિત થયા પછી રીડેવલપમેન્ટમાં ગયું હતું. બાંધકામ શરૂ થઈ ગયા પછી નેવલના નિયમને કારણે અમને સ્ટૉપ વર્કની નોટિસ આપવામાં આવી. ઘર છોડ્યાનાં સાડાસાત વર્ષ પછી હવે બિલ્ડરે અત્યારના કોરોનાના સમયમાં અમને ભાડું આપવાનું બંધ કરી દીધું છે. હવે અમે ક્યાં જઈશું? અમારી સોસાયટીમાં મોટા ભાગના સિનિયર સિટિઝનો છે. તેમને હવે તેમના માથા પર આવેલો ભાડાનો બોજો કેવી રીતે પરવડશે?

સુજાતા રાવ, સેક્રેટરી, પ્રમોદ સમાજ, રાજાવાડી, ઘાટકોપર (ઈસ્ટ)

અમને નેવીનો તર્ક જ સમજાતો નથી

અમારી ઇમારતના બાંધકામના એક વર્ષ બાદ પ્લિન્થ લેવલ સુધી કામ પહોંચી ગયા પછી અમને સ્ટૉપ વર્કની નોટિસ આપવામાં આવી હતી. મકાન ખાલી કર્યાનાં છ વર્ષ પછી પણ અમે બેઘર છીએ. નૌકાદળના અધિકારીઓ કહી રહ્યા છે કે સુરક્ષાનાં કારણોસર પરવાનગી આપી શકાતી નથી. અમને નેવીના અધિકારીઓનો તર્ક જ સમજાતો નથી. અમારા પુનર્વિકાસની જવાબદારી કોની છે?

નીલેશ શાસ્ત્રી, રહેવાસી, રામદેવ હાઇટ્સ, કામા લેન, ઘાટકોપર (વેસ્ટ)

અત્યારે અમે બેઘર થઈ ગયા છીએ

અમારા બિલ્ડિંગને બીએમસીએ અત્યંત જોખમી છે એમ કહીને પહેલી ફેબ્રુઆરીએ અમારા સખત વિરોધ વચ્ચે ખાલી કરાવ્યું હતું. અમે રીડેવલપમેન્ટ માટે તૈયાર છીએ તો મહાનગરપાલિકા કહે છે કે નેવલની એનઓસી લઈ આવો. નેવલ કહે છે કે અમે મંજૂરી આપી શકીએ એમ નથી. અત્યારે અમે બેઘર થઈ ગયા છીએ.

રાજન શાહ, રહેવાસી, મહેતા બિલ્ડિંગ, ઘાટકોપર (વેસ્ટ)

કોઈ તો મારગ બતાવો, અમારી વહારે આવો

અમારી મોટા ભાગની ઇમારતો જૂની અને જર્જરિત છે. કેટલીક ઇમારતોને તોડી પાડવામાં આવ્યા પછી ઍડહૉક નેવલ ઑર્ડર પસાર કરવામાં આવ્યો હતો. એને કારણે ડેવલપરોએ રીડેલપમેન્ટમાંથી રસ ગુમાવ્યો હતો અને તેમણે ભાડું આપવાનું બંધ કરી દીધું હતું.

કંચના રાજાગોપાલ, સેક્રેટરી, મિથિલા સમાજ, ઘાટકોપર (વેસ્ટ)

mumbai mumbai news ghatkopar