મુંબઈ : જરૂર છે એવા કોવિડ-19ના દર્દીઓને બેડ નથી મળતા

20 June, 2020 08:06 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ : જરૂર છે એવા કોવિડ-19ના દર્દીઓને બેડ નથી મળતા

ગયા મહિને તેમણે નાગરિક વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી, ચહલે ધારાવી, માનખુર્દ અને નાયર અને સાયન હોસ્પિટલોની સમીક્ષા કરી

કોરોના વાઇરસના રોગચાળાને ડામવાની કાર્યવાહી બાબતે મુંબઈના મ્યુનિસિપલ કમિશનરના બે સર્ક્યુલર વિવાદનો વિષય બન્યા છે, કારણ કે ડૉક્ટરો કહે છે કે એ સર્ક્યુલરની ભાષા અસ્પષ્ટ હોવાથી એનો અમલ કરવામાં મુશ્કેલી પડે છે. જોકે કમિશનર ઇકબાલસિંહ ચહલ કહે છે કે ‘પરિસ્થિતિનો અભ્યાસ કરીને નિષ્ણાતોની સલાહ લઈને એ પરિપત્ર બહાર પાડવામાં આવ્યા છે. જે દર્દીઓમાં કોરોના-ઇન્ફેક્શનનાં લક્ષણ દેખાતાં હોય એવા પૉઝિટિવ દર્દીઓનાં હિતના રક્ષણ માટે મુંબઈ મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધા છે.’

જો લૅબમાંથી રિઝલ્ટ સીધાં આપી દઈએ તો કોરોનાનાં લક્ષણ વિનાના દર્દીઓ બેડ રોકી રાખે છે અને જેમને ખરેખર જરૂર છે એવા લક્ષણ ધરાવતા દર્દીઓ માટે બેડ નથી મળતા, એવી દલીલ બીએમસીના કમિશનરે પોતાના બચાવમાં કરી હતી.

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે મહારાષ્ટ્ર સરકારને એના એવા આદેશની સમીક્ષા કરવાનું કહ્યું છે જેમાં લૅબ્સને દર્દીઓને સીધા રિપોર્ટ આપવાની ના પાડવામાં આવી છે.
બે વિવાદાસ્પદ સર્ક્યુલરમાંના એકમાં જણાવવામાં આવ્યું છે કે લૅબોરેટરીઓએ કોઈ પણ પૉઝિટિવ રિપોર્ટ દર્દી કે પ્રાઇવેટ હૉસ્પિટલને સીધેસીધો આપવાનો નહીં. ટેસ્ટનો રિપોર્ટ મહાનગરપાલિકાને જણાવ્યા પછી એ પ્રાઇવેટ હૉસ્પિટલ કે દર્દીને પહોંચાડશે. બીજા સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાનાં લક્ષણ દેખાતાં ન હોય એવા પૉઝિટિવ દર્દીઓ સીધા પ્રાઇવેટ હૉસ્પિટલમાં આવે તો લોકલ મ્યુનિસિપલ વૉર્ડ વૉર રૂમની પરવાનગી વગર તેમને ઍડ્મિટ કરવા નહીં.

ઇકબાલસિંહ ચહલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘અગાઉ પ્રાઇવેટ લૅબોરેટરી એમની ટેસ્ટ કરવાની ક્ષમતાથી વધારે સૅમ્પલ્સ એકઠાં કરતી હતી એથી રિપોર્ટ આપવામાં ત્રણ-ચાર દિવસ પસાર થતા હતા. અમે ચેતવણી આપીને રિપોર્ટ ૨૪ કલાકમાં આપવાની તાકીદ લૅબોરેટરીને કરી હતી. હવે સવારે સૅમ્પલ લીધા પછી રાત સુધીમાં રિપોર્ટ પહોંચે છે અને બીજા દિવસની સવાર સુધીમાં આરોગ્ય વિભાગ રિપોર્ટની યાદી બનાવે છે. દર્દીઓ વિલંબ વિના મહાનગરપાલિકાના અધિકારીઓ પાસેથી રિપોર્ટ મેળવી શકશે.’

coronavirus prajakta kasale sion nair hospital dharavi mumbai mumbai news brihanmumbai municipal corporation