દીવાલ ધરાશાયી થવાથી મજૂરનું મૃત્યુ : તેને ત્યાં ૬ દિવસ પહેલાં જ દીકરી જન્મી હતી

08 December, 2022 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાઈંદર પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર ૨૮ વર્ષના આ મજૂરનું નામ શૈલેષ ગુપ્તા હતું

પપૈયા ગ્રાઉન્ડ પર દીવાલ તોડતી વખતે મજૂર એમાં દબાઈને મૃત્યુ પામ્યો હતો.

મુંબઈ : ભાઈંદર-વેસ્ટમાં પપૈયા ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમ માટે બનાવવામાં આવેલી કામચલાઉ દીવાલ તોડતી વખતે એક મજૂર મૃત્યુ પામ્યો હતો. છ દિવસ પહેલાં જ તે પિતા બન્યો હતો અને તેના ઘરે દીકરીનો જન્મ થયો હતો.

ભાઈંદર પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર ૨૮ વર્ષના આ મજૂરનું નામ શૈલેષ ગુપ્તા હતું. તે પરિવાર સાથે ભાઈંદર-વેસ્ટમાં ગણેશ દેવલનગરમાં રહેતો હતો. સ્થાનિક નાગરિકોએ ભાઈંદર પોલીસને શૈલેશ ગુપ્તા વિશે જાણ કરી હતી, જે દીવાલ પડી જવાથી એની નીચે આવી ગયો હતો. પોલીસે ફાયર બ્રિગેડને જાણ કરીને શૈલેશને તાત્કાલિક બહાર કાઢવાની જાણકારી આપી હતી. ફાયર કર્મચારીઓએ શૈલેશને બહાર કાઢવાના ખૂબ પ્રયત્નો કર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેણે જીવ ગુમાવી દીધો હતો. તેના ઘરે ૬ દિવસ પહેલાં બાળકીનો જન્મ થયો હતો. ભાઈંદર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

mumbai mumbai news