૧૨ કરોડ પહોંચાડવા હતા કૅનેડા ને પહોંચી ગયા પોલીસના હાથમાં

22 February, 2021 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૨ કરોડ પહોંચાડવા હતા કૅનેડા ને પહોંચી ગયા પોલીસના હાથમાં

પ્રતીકાત્મક તસવીર

વિલે પાર્લે (વેસ્ટ)માં ડોમેસ્ટિક ઍરપોર્ટ પાસે આવેલી જાણીતી હોટેલમાં બુધવારે સાયનમાં રહેતો લેબર કૉન્ટ્રૅક્ટર ૧૨ કરોડ રૂપિયાનો હવાલો આપવા આવ્યો હતો. એ રોકડ તે હવાલા દ્વારા કૅનેડા મોકલવાનો હતો. જોકે એ સોદો કરવા બીજા રાજ્યમાંથી આવેલા બે જણ સામે જ પોલીસ ત્રાટકી હતી અને રેઇડ પાડીને તેમણે એ રકમ હસ્તગત કરી લીધી હતી. પછી સામાન્ય પૂછપરછ કરીને લેબર કૉન્ટ્રૅક્ટરને પોલીસ-સ્ટેશન આવવાનું કહી રકમ લઈને પોલીસ નીકળી ગઈ હતી. જોકે ત્યાર પછી કૉન્ટ્રૅક્ટરને જાણ થઈ હતી કે એ પોલીસ બનાવટી હતી. તેઓ છેતરાઈ ગયા હતા અને એ રકમ ગુમાવી ચૂક્યા હતા. એથી તેણે વિલે પાર્લે પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરી હતી. 

એક ઑફિસરે આ કેસ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘સાયનની રજનીગંધા સોસાયટીમાં રહેતો લેબર કૉન્ટ્રૅક્ટર આનંદ ઇંગળે એ રકમ હવાલા દ્વારા કૅનેડા મોકલવા માગતો હતો. એથી બુધવારે સાંજે બે જણને મળવાનો હતો. તેમની મીટિંગ ચાલી રહી હતી ત્યારે ત્રણ જણે પોતે પોલીસ છે અને અહીં રેઇડ પાડવામાં આવી છે એમ કહીને એ રકમ જપ્ત કરી લીધી હતી. ત્યાર બાદ એ રકમ ક્યાંથી આવી, કોની છે જેવી સામાન્ય પૂછપરછ કરીને તેઓ નીકળી ગયા હતા અને લેબર કૉન્ટ્રૅક્ટરને વિલે પાર્લે પોલીસ-સ્ટેશન આવવા કહ્યું હતું. જોકે વિલે પાર્લે પોલીસ-સ્ટેશન ત્યાંથી માત્ર બે જ મિનિટના અંતરે આવ્યું છે. આનંદ ઇંગળે ત્યાં પહોંચ્યો ત્યારે જાણ થઈ કે આવી કોઈ રેઇડ વિલે પાર્લે પોલીસે પાડી જ નથી. પોતે છેતરાઈ ગયો હોવાની જાણ થતાં તેણે એ બાબતે ફરિયાદ કરવાની કોશિશ કરી હતી, પણ મોટી રકમ હોવાથી પોલીસે પહેલાં ઇન્ક્વાયરી કરી હતી. હોટેલના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ ચેક કર્યાં હતાં અને આખરે શુક્રવારે કન્ફર્મ થયા બાદ ફરિયાદ નોંધીને તપાસ ચાલુ કરી હતી.’

પોલીસે સીસીટીવી કૅમેરાના ફુટેજના આધારે તપાસ કરીને એ ગૅન્ગના ૯ જણને ઝડપી લીધા હતા. તપાસ દરમ્યાન એવું પણ જાણવા મળ્યું હતું કે આનંદ જે બે જણને હવાલાનાં નાણાં આપવાનો હતો એ બે જણ પણ તેને છેતરીને એ રકમ પડાવવા જ આવ્યા હતા. આમ હાલ તો આનંદ ઇંગળેની એ રકમ પાછી મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે, પણ સાથે જ તેના પર પણ તવાઈ આવવાની છે કે એ રકમ તેણે કેવી રીતે અને ક્યાંથી મેળવી હતી.

mumbai mumbai news sion vile parle canada