અડવાણી જનચેતના યાત્રામાં લાગેલા બેનરો : ૬૬ ને ૩૨૩૭માં કંઈ ફરક ખરો કે નહીં?

22 December, 2011 04:06 AM IST  | 

અડવાણી જનચેતના યાત્રામાં લાગેલા બેનરો : ૬૬ ને ૩૨૩૭માં કંઈ ફરક ખરો કે નહીં?


સપના દેસાઈ

 


મુંબઈ,  તા. ૨૨
બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રા દરમ્યાન મુંબઈમાં તેમનું સ્વાગત કરવા ૬૬ની પરવાનગી સામે ૩૨૩૭ જેટલાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં હતાં અને તમામ હોર્ડિંગ્સ ફક્ત એક જ વિસ્તારના એટલે કે ફક્ત બોરીવલીમાં જ હોવાનું અને એ પણ સુધરાઈની મંજૂરી લીધા વગર લગાવવામાં આવ્યાં હોવાનું રાઇટ ટુ ઈન્ફર્મે‍શન ઍક્ટ હેઠળ મેળવેલી માહિતીમાં બહાર આવ્યું છે.


નવેમ્બરમાં મુંબઈ આવેલા લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રા દરમ્યાન તેમના સ્વાગત માટે મુંબઈમાં ઠેર-ઠેર હોર્ડિંગ્સ લગાવવામા આવ્યાં હતાં, જેમાંથી મોટા ભાગનાં હોર્ડિંગ્સ સુધરાઈ પાસેથી મંજૂરી લીધા વિના જ લગાડી દેવામાં આવ્યાં હતાં. અત્યારે જ રાઇટ ટુ ઇન્ફર્મે‍શન ઍક્ટ હેઠળ સુધરાઈ પાસેથી આ ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેમાં આર-સેન્ટ્રલ વૉર્ડમાં બીજેપીના નગરસેવકો સહિત કાર્યકર્તાઓએ પોતાના નેતાના માનમાં હદ વટાવી દીધી હતી.


ચોંકાવનારી હકીકત
બોરીવલીમાં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા દરમ્યાન લગાડવામાં આવેલાં હોર્ડિંગ્સ માટે પરમિશન લેવામાં આવી હતી કે નહીં એવો સવાલ રાઇટ ટુ ઇન્ફર્મે‍શન ઍક્ટ હેઠળ પૂછïવામાં આવ્યો હતો જેમાં સુધરાઈ પાસેથી ચોંકાવનારો જવાબ મ Yયો હતો કે આર-સેન્ટ્રલ વૉર્ડમાં બૅનર્સ, ર્બોડ અને હોર્ડિંગ્સ વગેરે લગાડવા માટે સુધરાઈ પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવવામાં નહોતી આવી. સામાન્ય રીતે હોર્ડિંગ્સ લગાવવાં હોય તો એ માટે સુધરાઈ પાસેથી મંજૂરી લેવાની હોય છે અને એ માટે પૈસા પણ ભરવાના હોય છે. જ્યારે આ લોકોએ મંજૂરી લીધા વગર તથા પૈસા ભર્યા વગર હોર્ડિંગ્સ લગાવી દીધાં હતાં, એ પણ પાછાં પચ્ચીસપચાસ હોય તો ઠીક, પણ પૂરાં ૩૨૩૭ જેટલાં હોર્ડિંગ્સ બોરીવલીમાં ઠેર-ઠેર લગાવી દીધાં હતાં.


૬૬ બૅનર્સ માટે જ અરજી
આર-સેન્ટ્રલ વૉર્ડમાં હોર્ડિંગ્સ લગાવવા માટે મંજૂરી માગતી કેટલી ઍપ્લિકેશન આવી હતી એવો સવાલ પણ રાઇટ ટુ ઇન્ફર્મે‍શન ઍક્ટ હેઠળ પૂછવામાં આવ્યો હતો જેની સામે ૧ નવેમ્બર ૨૦૧૧થી લઈને ૨૪ નવેમ્બર ૨૦૧૧ના સમયગાળા માટે ૬૬ બૅનર્સ લગાવવા માટે ફક્ત ૧૪ ઍપ્લિકેશન આવી હોવાનો જવાબ મYયો હતો. એટલે ૬૬ બૅનર્સની કાયદેસરની મંજૂરી સામે ૩૨૩૭ જેટલાં હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યાં હતાં. આટલાં બધાં ગેરકાયદે હોર્ડિંગ્સ સામે સુધરાઈએ કેટલી પૉલિટિકલ પાર્ટી અને પ્રાઇવેટ પાર્ટીને દંડ ફટકાર્યો એ સવાલ સામે કુલ ૨૩૨ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાની અને તેમની પાસેથી દંડ લેવામાં આવ્યો હોવાનું સુધરાઈએ જણાવ્યું હતું.

સુધરાઈ પરમિશન આપે નહીં તો બીજું શું કરીએ? : રાજ પુરોહિત

બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રા દરમ્યાન ગેરકાયદે લગાવવામાં આવેલાં હોર્ડિંગ્સ બાબતે મુંબઈ બીજેપીના અધ્યક્ષ રાજ પુરોહિતને પૂછવામાં આવતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકલ લેવલ પર નાના-મોટા કાર્યકર્તાઓ, નગરસેવકો તથા વિધાનસભ્યો વગેરે પોતાના નેતાના સ્વાગત માટે ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવે તો એ માટે  અમે જવાબદાર નથી, છતાં આ લોકોએ હોર્ડિંગ્સ લગાવ્યાં હોય તો એ માટે પણ હું તેમને જવાબદાર નહીં ગણું. સુધરાઈ જ આવાં ગેરકાયદે હોર્ડિંગ્સ માટે જવાબદાર છે. સુધરાઈનું મૅનેજમેન્ટ બેજવાબદાર છે. તેઓ પરમિશન આપે નહીં અને પચાસ જગ્યાએ રખડાવે તો માણસ તેમના આવા મૅનેજમેન્ટથી કંટાળીને બીજું કરી પણ શું શકે?’