બદલાપુરમાં કચ્છી સુસાઇડ કેસ : મૃતક પીયૂષ ગડાની પત્ની-દીકરીની અરેસ્ટ

19 September, 2020 11:32 AM IST  |  Mumbai | Mumbai Correspondent

બદલાપુરમાં કચ્છી સુસાઇડ કેસ : મૃતક પીયૂષ ગડાની પત્ની-દીકરીની અરેસ્ટ

પીયૂષ ગડા

બદલાપુર (ઈસ્ટ)માં રહેતા કચ્છી જૈન પીયૂષ ગડાએ ૩ સપ્ટેમ્બરે કથિત રીતે આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. મૃત્યુ પામતાં પહેલાં લખેલી સુસાઇડ-નોટમાં તેણે આ પગલું પત્ની, પુત્રી, પુત્ર અને અન્ય બે જણના સતત ત્રાસને લીધે ભર્યું હોવાનું લખ્યું હોવા છતાં બદલાપુર પોલીસે આ બનાવના ૧૩ દિવસ બાદ પાંચેય સામે એફઆઇઆર નોંધીને મરનારની પત્ની અને પુત્રીની ગુરુવારે ધરપકડ કરી હતી.

બદલાપુર (ઈસ્ટ)માં કાત્રપ ખાતેના અષ્ટવિનાયક કૉમ્પ્લેક્સમાં રહેતા ૪૫ વર્ષના પીયૂષ હેમરાજ ગડાનો મૃતદેહ ૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ની સવારે ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ કરાતાં બદલાપુર (ઈસ્ટ) પોલીસની ટીમે ઘટનાસ્થળે આવીને મૃતદેહનો કબજો લીધો હતો. ઘરમાંથી પીયૂષે મૃત્યુ પામતાં પહેલાં લખેલી ત્રણ પાનાંની સુસાઇડ-નોટ મળી આવી હતી.

પીયૂષે સુસાઇડ-નોટમાં પોતાના મૃત્યુ માટે પત્ની વંદના, પુત્રી રિદ્ધિ, પુત્ર જૈનમ, સહિત પાંચ જણને જવાબદાર ગણાવ્યાં હતાં. પીયૂષનાં બહેન શીતલ ગાલા તથા પિતા હેમરાજ ગડાએ પીયૂષને લાંબા સમયથી પાંચેય જણ ત્રાસ આપતા હોવાથી જીવન ટૂંકાવ્યું હોવાથી તેના મૃત્યુ માટે આ લોકો જવાબદાર હોવાથી તેમની સામે એફઆઇઆર નોંધીને કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

પીયૂષનાં બહેન શીતલ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાઈ પીયૂષને ખૂબ ત્રાસ અપાતો હોવાથી તેણે ગળે ફાંસો ખાધો હોવાના પુરાવા તરીકે પોલીસ પાસે તેની સુસાઇડ-નોટ હોવા છતાં બદલાપુર (ઈસ્ટ) પોલીસ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી ન કરતી હોવાથી અમે બૉમ્બે હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.’

બદલાપુર (ઈસ્ટ) પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દીપક દેશમુખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પીયૂષ ગડા મૃત્યુ મામલામાં અમે વંદના ગડા અને રિદ્ધિ ગડાની ગુરુવારે ધરપકડ કરી હતી. કોર્ટમાંથી તેમની ૨૧ સપ્ટેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી મેળવી હતી. બાકીના આરોપીઓની તપાસ ચાલી રહી છે. ગુનામાં તેઓ સામેલ હોવાના પુરાવા હાથ લાગશે તો તેમની સામે પણ કાર્યવાહી કરીશું.’

mumbai mumbai news Crime News mumbai crime news badlapur