કચ્છી માઉન્ટનમૅનનું છે મોટું મિશન : દિવસ 35 ને શિખર 3

15 March, 2021 07:36 AM IST  |  Mumbai | Alpa Nirmal

કચ્છી માઉન્ટનમૅનનું છે મોટું મિશન : દિવસ 35 ને શિખર 3

કેવલ કક્કા

તેન્ઝિંગ નૉર્ગે નૅશનલ ઍડ્વેન્ચર્સ અવૉર્ડ મેળનાર કેવલ કક્કા એકસાથે ત્રણ શિખર માઉન્ટ અન્નપૂર્ણા, માઉન્ટ મકાલુ અને માઉન્ટ કંચનજંગા ક્લાઇમ્બ કરીને નવો ઇતિહાસ રચવાનો છે. ૨૦૧૯ના મે મહિનામાં એવરેસ્ટ અને એ પછી ૬ દિવસ બાદ દુનિયાનો ચોથો હાઇએસ્ટ પહાડ લ્હોત્સે સર કરનાર પ્રથમ ભારતીય કેવલ કક્કા આ ટ્રાઇ સમિટ મિશન બાદ વિશ્વના ૭ ટૉલેસ્ટ માઉન્ટનનું આરોહણ કરી ચૂક્યો હશે.

કચ્છી વીસા ઓસવાળ જેવી બિઝનેસ કમ્યુનિટીમાં જન્મેલો કેવલ કક્કા એકદમ નોખી માટીનો છે. તેને ધંધાની આંટીઘૂંટી કરતાં ડુંગરાઓની ઊંચી-નીચી કેડીઓમાં અને મની કરતાં માઉન્ટનમાં વધુ રસ પડે છે. જોકે મુલુંડમાં રહેતો કેવલ માને છે કે કચ્છી પ્રજા બાય બૉર્ન બ્રેવ છે. જો તે ધંધામાં સાહસ ખેડી શકે છે તો માઉન્ટેનિયરિંગમાં કેમ નહીં? આ જ પૉઇન્ટને માઇન્ડમાં રાખીને ૨૮ વર્ષનો કેવલ પર્વતારોહણ ક્ષેત્રે બીજું સાહસ કરવા જઈ રહ્યો છે જે આજ સુધી કોઈ ભારતીયે નથી કર્યું. તે ફક્ત ૩૫ દિવસના ગાળામાં વિશ્વનો દસમો, પાંચમો અને ત્રીજો હાઇએસ્ટ માઉન્ટન સર કરવાનો છે.

માઉન્ટેનિયરિંગનો બેઝિક અને ઍડ્વાન્સ તથા સ્કીઇંગનો બેઝિક અને ઇન્ટરમિડિયેટ કોર્સ કરનાર કેવલ ‘મિડ-ડે’ને તેના આ પ્રોજેક્ટ વિશે કહે છે, ‘મેં ૨૦૧૯માં એવરેસ્ટ અને લ્હોત્સે માઉન્ટનું એકસાથે આરોહણ કર્યું હતું. એવું નહોતું કે આવું કરનાર દુનિયાનો હું પ્રથમ વ્યક્તિ હતો; પણ હા, પ્રથમ ભારતીય હતો. મારા એ ઍડ્વેન્ચરથી ઘણા માઉન્ટેનિયર્સ પ્રભાવિત થયા અને આ કાર્ય પણ શક્ય છે એવું માનવા લાગ્યા. મને ઘણા પર્વતારોહકોના ફોન આવતા, એ વિશે પૂછતા, ગાઇડન્સ લેતા એટલે મને થયું કે મારો આ નૅશનલ રેકૉર્ડ અન્ય લોકો માટે મોટિવેશન બન્યો અને ઇન્ડિયન પર્વતારોહકો એ દિશામાં, એ વિશે વિચારવા લાગ્યા. તો હવે હું બીજું મિશન પણ પાથ-બ્રેકિંગ કરીને નવો બાર સેટ કરું.’

ગયા વર્ષે લૉકડાઉનમાં મોટા ભાગના લોકોએ આરામ કર્યો અને જ્યાફત ઉડાડી ત્યારે કેવલ તનતોડ મહેનત કરી રહ્યો હતો. દિવસના ૪થી ૬ કલાક તે સાઇક્લિંગ, સ્ટેરકેસ ક્લાઇમ્બિંગ, સ્કિપિંગ, પુશઅપ્સ અને રનિંગ પાછળ કાઢતો. આ ઉપરાંત બ્રીધિંગ એક્સરસાઇઝ કરતો. કેવલ કહે છે, ‘ભલે બધું બંધ હતું, મારે કોઈ ડુંગરા ચડવાય જવાનું નહોતું; પણ મારે મારી બૉડીને લેઝી નહોતી બનવા દેવી તેમ જ મારું ઘૈર્ય ઓછુ નહોતું થવા દેવું એટલે રોજિંદા ધોરણે મેં આ એક્સરસાઇઝ ચાલુ રાખી હતી.’

જોકે ટ્રાઇ સમિટ મિશન માટે આટલી કસરત પૂરતી નહોતી એટલે કેવલ ગયા ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધી ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના પહાડોમાં હતો. કેવલ ઉમેરે છે, ‘આપણે મુંબઈમાં એકદમ દરિયાની સપાટીના લેવલે રહીએ છીએ. મારા શરીરને હાઈ ઍલ્ટિટ્યુડની પ્રૅક્ટિસ આપવા મારે પર્વતોની વચ્ચે રહેવું જરૂરી હતું એટલે ભરશિયાળામાં હું ઉત્તરાખંડ ગયો અને ત્યાં ગંગોત્રીમાં લાંબો સમય રહીને આજુબાજુના અનેક નાના-મોટા પહાડ સર કર્યા અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ગુલમર્ગમાં સ્નો-સ્કીઇંગ કરીને શરીરને બરફ, ઠંડી હવાઓ માટે પ્રિપેર્ડ કર્યું.’
વેલ, ૧૭ માર્ચે કેવલ મુંબઈથી દિલ્હી અને ત્યાંથી કાઠમાંડુ જશે અને ક્વૉરન્ટીન તેમ જ માઉન્ટેનિયરિંગની બીજી પ્રોસેસ કર્યા બાદ ડુંગરાના ખોળે રહીને ત્રણ અઠવાડિયાં ત્યાંની આબોહવા સાથે શરીરને ઍડ્જસ્ટ કરવાની કોશિશ કરશે. એમાં અનેક વખત બેઝ કૅમ્પથી થર્ડ કૅમ્પ સુધીના ટ્રૅક સહિત કૅમ્પના સેટઅપ કરશે અને એપ્રિલ-એન્ડમાં ક્લાઇમ્બિંગ શરૂ કરશે. કેવલ કહે છે, ‘મે મહિનો હાઈ ક્લાઇમ્બિંગ માટે યોગ્ય છે. હું શરૂઆત એવરેસ્ટની સામે આવેલા ૮૪૮૧ મીટરની ઊંચાઈના માઉન્ટ મકાલુથી કરીશ. ત્યાર બાદ ૮૦૯૧ મીટરનું અન્નપૂર્ણા-૧ પિક કરીશ. આ પર્વત બહુ ડેન્જરસ છે અને એની કુલ ચાર પિક છે. અહીં હિમપ્રપાત બહુ થાય છે. ૬૦થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાય છે અને ટૉપ પર ટેમ્પરેચર માઇનસ ૨૫થી ૩૦ જેટલું રહે છે. ૨૧-૨૨ મે સુધીમાં આ સમિટ કમ્પ્લીટ કર્યા બાદ તરત માઉન્ટન કંચનજંગા જે ૮૫૮૬ મીટર ઊંચો છે એની શરૂઆત કરીશ. આ પહાડ ભારતનો સૌથી ઊંચો ગિરિ છે. જોકે એનું ચડાણ નેપાલથી જ થાય છે. ઇન્ડિયા સાઇડથી થાય છે, પણ એ અત્યંત કઠિન છે. અત્યાર સુધી ગણ્યાગાંઠ્યા પર્વતારોહકો જ ભારત સાઇડથી ચડ્યા છે.’

માત્ર પોણાબે વર્ષના સમયગાળામાં ૮૦૦૦ મીટરથી ઊંચા ૪ પહાડોનાં શિખર સર કરનાર કેવલ કક્કા ફરી એક ચૅલેન્જિંગ મિશન પર જવા તૈયાર થઈ ગયો છે એનું ગુજરાતી અને ભારતીય તરીકે દરેકને ગૌરવ છે.

મારો આ નૅશનલ રેકૉર્ડ અન્ય લોકો માટે મોટિવેશન બન્યો અને ઇન્ડિયન પર્વતારોહકો એ દિશામાં, એ વિશે વિચારવા લાગ્યા. તો હવે હું બીજું મિશન પણ પાથ-બ્રેકિંગ કરીને નવો બાર સેટ કરું.
કેવલ કક્કા

mumbai mumbai news alpa nirmal