કચ્છી ઇન્વેસ્ટરો દિવાળીમાં ફટાકડાં ફોડી શકશે ખરા?

03 October, 2020 11:35 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

કચ્છી ઇન્વેસ્ટરો દિવાળીમાં ફટાકડાં ફોડી શકશે ખરા?

કચ્છી ઇન્વેસ્ટરો દિવાળીમાં ફટાકડાં ફોડી શકશે ખરા?

કચ્છી જૈન ફાઉન્ડેશન દ્વારા કચ્છી સહિયારું અભિયાનના ભાગરૂપે ગઈ કાલે કુર્લામાં બે મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં ૭૫ લેણદારો હાજર રહ્યા હતા અને તેમણે લીધેલી રકમ પાછી આપવાની બાંયધરી આપી હોવાનું જાણવા મળ્યું હતું.
કુર્લા(વેસ્ટ)માં શ્રી કુર્લા સેવા સમાજ સંચાલિત મહાજનવાડી-કુર્લામાં આવેલા હોલમાં ગઈ કાલે આ મીટિંગોનું આયોજન થયું હતું. કચ્છી સહિયારું અભિયાનની રોકાણકારો માટે એક મહત્ત્વની મીટિંગમાં દેવાદાર અને તેમના નાણાદલાલ મારફત લાગેલી રકમ રોકાણકારોને ચૂકવવાની ચર્ચા થઈ હતી. શાંતિપૂર્ણ રીતે યોજાયેલી આ મીટિંગમાં દેવાદારોએ રોકાણકારોની રકમ આપવાની બાંયધરી આપી છે.
સવારની મીટિંગમાં દેવાદાર દ્વારા ૨૦ નવેમ્બર સુધી રકમ ચૂકવવાની તૈયારી કરાઈ રહી હોવા વિશે સહિયારુંને જાણ કરાય તો ૩૧ ડિસેમ્બર સુધી તેમને લેવડદેવડ કરવા મુદત અપાશે, જ્યારે બપોરની બીજી મીટિંગમાં દેવાદાર દ્વારા દિવાળીની આસપાસ રકમ આપવાની શરૂઆત કરાશે એવી બાંયધરી આપી હતી.
ગઈ કાલની આ બેઠકમાં કચ્છી સહિયારું અભિયાન વતી કિશોર સાવલા, દીપક ભેદા, અૅડવોકેટ અનિલ ગાલા, સીએ જિગ્નેશ દેઢિયા, અનિલ ગાલા (વડાલા), ધીરજભાઈ છેડા (એકલવીર), ભૂપેન્દ્ર ગોસર, વિનેશ મામણિયા, શાંતિલાલ મારુ (સુવિધાવાળા) સહિત અન્ય દ્વારા મીટિંગનું માર્ગદર્શન કરાયું હતું. ટેમ્પરેચર તપાસ, સૅનિટાઈઝર, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે મીટિંગ યોજાઈ હતી.
કચ્છી સહિયારું અભિયાનના પ્રવક્તા ધીરજ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીટિંગમાં રોકાણકારો, નાણાદલાલો અને અશોક છાડવા તથા તેમની અસોસીએટસ કંપનીઓ વતી અશોક છાડવાના દીકરા મિહિર છાડવા પિતાના પત્ર સાથે હાજર રહ્યા હતા.’
ધીરજભાઈએ ઉમેર્યું હતું કે ‘અૅડ્વોકેટ અનિલ ગાલાએ સહિયારું વતી સ્પષ્ટ વલણ દાખવી અને મિહિર અશોક છાડવાએ પ્રોપર્ટી વેચાણ અને બીજા MOU બનાવવા સંમતિ દર્શાવી આગામી બે-ત્રણ દિવસમાં અભિયાનના સભ્યો સાથે બેસી આગળની તૈયારી કરાશે. અશોક છાડવાના કહેવા પ્રમાણે પ્રોપર્ટીનું વેચાણ નક્કી થયું છે એટલે ૩૧ ડિસેમ્બર સુધી બધો વ્યવહાર પૂર્ણ થશે. જો એમ ન થાય તો તેઓએ અભિયાન હસ્તક પોતાની પ્રોપર્ટી સરન્ડર કરવા પણ સંમતિ દર્શાવી છે. ૨૦ નવેમ્બર સુધી એમનું બધું થાળે પડશે અને અભિયાનને જાણ કરશે તો આગળ તેમની લેવડદેવડ માટે એકથી દોઢ મહિનો અપાશે, આમ ૩૧ ડિસેમ્બર સુધી તેમને સમય અપાયો છે.’
ધીરજભાઈએ વધુમાં કહ્યું હતું કે ‘બપોરે યોજાયેલી બીજી મીટિંગમાં બોરીવલીના હિમાશું નરેન્દ્ર શાહ તથા તેમની અસોસીએટસ કંપનીઓ વતી દિવાળીની આસપાસ રોકાણકારોને પહેલાં ૧૦ ટકા જેટલી રકમ આપવાની અને આગળ ધીરે-ધીરે કરીને તેમની પૂરેપૂરી રકમ આપવાની બાંયધરી મીટિંગમાં લેવાઈ છે. અમે બધા વિશેષ કરીને શ્રી કુર્લા કચ્છી વિ.ઓ.જૈન સેવા સમાજના પ્રમુખ વીરચંદ વિસરિયાનો હોલ ઉપલબ્ધ કરાવવા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ.’

અભિયાન વતી મેં છેલ્લા ૨૦૧૯થી તેમની સાથે થયેલી ચર્ચાઓ વિશે વાત કરીને તેમણે એ વખતે આપેલા વાયદાઓ પૂરા થયા ન હોવાથી આવી મીટિંગનું આયોજન કરવું પડી રહ્યું છે. સમયની અંદર પૈસા ચૂકવી નાખશે તો સહિયારું તેમની પડખે ઊભું રહેશે. તેમ જ બન્ને વચ્ચે એક બ્રિજ બનીને લેવડદેવડ કરાવીશું એવું સ્પષ્ટ કરાયું હતું.
- ધીરજ છેડા, કચ્છી સહિયારું અભિયાનના પ્રવક્તા

mumbai mumbai news preeti khuman-thakur