આ કચ્છી પરિવાર પર ગર્વ કરો

01 December, 2014 03:43 AM IST  | 

આ કચ્છી પરિવાર પર ગર્વ કરો




ફાલ્ગુની જડિયા-ભટ્ટ


સ્વજનના મૃત્યુ સમયે દુનિયાદારીનું ભાન ગુમાવી ઇમોશનલ થઈ જવું અત્યંત સ્વાભાવિક છે, પરંતુ આવા સમયે પોતાના દુ:ખને બાજુએ મૂકી લોકકલ્યાણનો વિચાર કરવો બહુ વિરલ ઘટના છે. આવી જ એક ઘટનામાં તાજેતરમાં મુંબઈ રહેતા પરંતુ મૂળ કચ્છના એક પરિવારે પોતાના પ્રિયજનના શરીરના વિવિધ અવયવોનું દાન કર્યા બાદ સંપૂર્ણ દેહનું પણ દાન કરી દીધું હોવાનો એક પ્રેરણાદાયી કિસ્સો જાણવા મળ્યો છે. કચ્છી સમાજે પણ આ કિસ્સાને પ્રેરણાત્મક પગલું ગણી આ પરિવારને દિલથી બિરદાવ્યો છે.

મૃત્યુ બાદ ચક્ષુદાનના કિસ્સા તો ઘણા સાંભળવા મળતા હોય છે, પરંતુ ચક્ષુદાન ઉપરાંત બન્ને કિડની અને લિવરનું દાન કરવાની તક બહુ ઓછાને પ્રાપ્ત થાય છે. સાયનમાં રહેતા કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના ૬૫ વર્ષના હેમેન્દ્ર શાંતિલાલ નંદુને આ તક તેમનાં પત્ની રંજનબહેન અને પુત્ર ધીરેન નંદુએ પોતાનું અંગત દુ:ખ ભૂલીને અપાવી. એ આખી ઘટનાની વાત કરતાં ૩૯ વર્ષના ધીરેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પિતા હેમેન્દ્રભાઈ જૈન ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનારા અને અત્યંત સાદું જીવન જીવનારા વ્યક્તિ હતા. મુંબઈમાં જ જન્મ્યા અને જીવન આખું અહીં જ રહ્યા હોવા છતાં પોતાના ગામ મુંદ્રા પ્રત્યે તેમને અપાર પ્રેમ. તેથી દર વર્ષે તેઓ મહિનો-દોઢ મહિનો ગામના અમારા ઘરે ખાસ રોકાવા જતા.’

પોતાના આ નિયમ અનુસાર આ વર્ષે પણ હેમેન્દ્રભાઈ દિવાળી પહેલાં ત્યાં પહોંચી ગયા હતા અને ૮ ડિસેમ્બરે પાછા આવવાના હતા. એવામાં ૮ નવેમ્બરે તેઓ માંડવીની નજીક આવેલા નાના ભાડિયા ગામમાં તેમનાં માસીને મળવા જઈ રહ્યા હતા જ્યાં એકાએક રસ્તામાં પડી જતાં તેમને માથાના પાછળના ભાગમાં મૂઢ માર વાગ્યો હતો. ગામના લોકોએ ઍમ્બ્યુલન્સ બોલાવી તેમને માંડવીની હૉસ્પિટલમાં દાખલ કર્યા જ્યાં CT સ્કૅનમાં તેમને બ્રેઇન હૅમરેજ થયું હોવાનું બહાર આવ્યું. વધુ સારવાર માટે તેમને ભુજની એકૉર્ડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ ત્યાં પહોંચતાં સુધીમાં તેમનું બ્રેઇન ડેડ થઈ ગયું હતું.

બીજા દિવસે સવારે હું મારી મમ્મી સાથે ભુજ પહોંચ્યો ત્યાં સુધીમાં ડૉક્ટરે જવાબ આપી દીધો હતો એમ જણાવતાં ધીરેને કહ્યું હતું કે ‘તેમને વેન્ટિલેટર પર મૂકી ધારીએ એટલા દિવસ કાઢી શકાયા હોત, પરંતુ તેઓ ક્યારેય ઊઠવાના તો હતા જ નહીં. તેથી મેં અને મારી મમ્મીએ ડૉક્ટરોના સહયોગથી ત્યાં હૉસ્પિટલમાં જ લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવી દેવાનો અને તેમનાં કિડની તથા લિવરનું દાન આપવાનો નિર્ણય લઈ લીધો.’

આવી ગમગીન પરિસ્થિતિમાં પણ આવો ઉમદા વિચાર ક્યાંથી આવ્યો એ સવાલના જવાબમાં ધીરેને કહ્યું હતું કે ‘મારા પપ્પાના દાદાનું નિધન ૧૦૫ વર્ષની ઉંમરે થયું હતું. મારા પિતાની જેમ તેમનું જીવન પણ અત્યંત સાદગીભર્યું હોવાથી છેલ્લે સુધી તેઓ એકદમ સ્વસ્થ અને નિરોગી હતા. તેથી ૧૯૮૭ની સાલમાં મારા પપ્પાએ પોતાના દાદાની ચિતાને આગ લગાડવાને સ્થાને તેમના દેહનું દાન કર્યું હતું. ત્યાર બાદ હમણાં બે વર્ષ પહેલાં મારાં દાદીનું મૃત્યુ થયું ત્યારે પણ પપ્પાએ દાદીનાં ચક્ષુ અને ત્વચાનું દાન કર્યું હતું. તેથી તેમના નિધન વખતે આ વિચાર આવવો અમારા માટે સ્વાભાવિક હતો. મારી મમ્મીએ પણ આ વિચારને તરત જ સ્વીકારી લીધો અને અમે ભુજના ડૉક્ટરોની મદદથી તેમનું ચક્ષુદાન તો કર્યું જ, પરંતુ ખાસ અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીઝીસ ઍન્ડ રિસર્ચ સેન્ટરના ડૉક્ટરોની ટીમ બોલાવી તેમનાં લિવર અને બન્ને કિડનીઓ પણ ડોનેટ કર્યા.’

ડોનેટ થયેલા અવયવો અમુક ચોક્કસ કલાકોમાં ઉપયોગમાં લેવામાં ન આવે તો પછી એ કોઈ કામના રહેતા નથી. તેથી અમદાવાદથી આવેલી ૧૫થી ૧૬ જણની આ ટીમે એવી રીતે આખી કામગીરી હાથ ધરી કે રાતના એક વાગ્યે તેઓ ભુજથી અવયવો લઈને નીકળ્યા અને બીજા દિવસે સવારે ૯ વાગ્યા સુધીમાં તો ત્રણ જરૂરિયાતમંદ દરદીઓના શરીરમાં બન્ને કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ થઈ પણ ગયાં હતાં. એવી જ રીતે બન્ને આંખો પણ બે જોઈ ન શકતા લોકોમાં રોપી દેવામાં આવી હતી. છેલ્લે ધીરેનભાઈએ પણ પોતાના પિતાના પગલે ચાલી હેમેન્દ્રભાઈનો અગ્નિસંસ્કાર કરવાને સ્થાને અદાણી હૉસ્પિટલમાં તેમના દેહનું પણ દાન કરી દીધું. મારા પિતાનું હંમેશાંથી માનવું હતું કે મૃત્યુ બાદ દેહને બાળી કે દફનાવી દેવા કરતાં કોઈને કામ લાગે એમ હોય તો ચોક્કસ એનું દાન કરવું. એમ જણાવતાં ધીરેને કહ્યું હતું કે અમે તો તેમના આ વિચારોનું માત્ર માન જાળવ્યું છે.

જોકે ધીરેનના આ પ્રેરણાદાયક પગલાએ સમગ્ર કચ્છી સમાજને વિચાર કરતો મૂકી દીધો છે. તેમને મળનાર કે તેમની આ વાત જાણનાર બધાએ તેમના આ પગલાને અત્યંત ઉમદા કાર્ય તરીકે વધાવી લીધું છે.