પાર્લાના કચ્છી વેપારીનું મોત : એ અકસ્માત નહીં મર્ડર હતું

14 October, 2011 08:35 PM IST  | 

પાર્લાના કચ્છી વેપારીનું મોત : એ અકસ્માત નહીં મર્ડર હતું


૧૭ જુલાઈએ ખંડાલા પાસે ૪૬ વર્ષના હરેશ દેઢિયાનો મૃતદેહ મળી આવેલો. આ ઘટનામાં પૂરતી તપાસ પછી પોલીસનો સનસનાટીભર્યો નિષ્કર્ષ

કરોડો રૂપિયાની પ્રૉપર્ટી ધરાવતા અપરિણીત હરેશ દેઢિયાની હત્યા તેમની કોઈ જાણીતી વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોવાની પોલીસને શંકા છે અને તેમની હત્યાથી કોને ફાયદો થઈ શકે એ વિશે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. 

મૂળ કચ્છના પત્રી ગામના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના હરેશ દેઢિયાનો મૃતદેહ ખંડાલાની જે જગ્યાએથી મળી આવ્યો હતો એ જગ્યાની મુલાકાત પોલીસ અને ફૉરેન્સિક ડૉક્ટર સાથે તેમના ભત્રીજા તેજસ દેઢિયાએ લીધી હતી. તેજસે એ મુલાકાત વિશે જણાવતાં કહ્યું હતું કે ‘કાકાની બૉડી જે જગ્યાએથી મળી આવી હતી એ સ્પૉટ હાઇવેથી બહુ જ નજીક હતો. હાઇવેની બાજુના ૨૦ ફૂટ ઊંડા ખાડામાં તેમની બૉડી મળી હતી. કાકાનો ફેસ હતો જ નહીં. તેમના ફેસને મિટાવી તેમની આઇડેન્ટિટી છુપાવાવામાં આવી હોવાની પોલીસને પણ શંકા છે, કારણ કે તેમને મોં પર ઈજા છે, જ્યારે તેમના માથાના (ખોપરી) ભાગ પર કેટલાક સ્ક્રૅચિસ જ છે. ઈવન ફૉરેન્સિક ડૉક્ટરે પણ સ્પૉટ જોઈને કહ્યું હતું કે આ જગ્યાએ તેમને ચહેરા પર જે રીતે ઈજા થઈ છે એ જોતાં તેમનું મર્ડર અન્ય જગ્યાએ કરીને અહીં તેમને ફેંકી દેવાયા હોય એવા ચાન્સિસ વધુ છે. જો તેઓ ઍક્સિડેન્ટલી એ ખાડામાં પડ્યા હોત તો તેમને એ રીતની ગંભીર ઈજા થાય એવો કોઈ જ પથ્થર એ જગ્યા પર હોવાની કોઈ શક્યતા નથી, કારણ કે એ જગ્યાએ માત્ર રેતી જેવા નાના-નાના બારીક પથ્થર છે, જે લાગવાથી કદાચ થોડો માર લાગે પણ આખું મોઢું છૂંદાઈ જાય એવી ઈજા તો ન જ થાય. આ કિસ્સો મર્ડરનો છે.’

ક્યારેય પુણે ન જતા હરેશ દેઢિયા એ દિવસે પુણે ગયા ત્યારે એક દિવસ રોકાવાના હતા એટલે તેઓ એક જોડી કપડાં પણ બૅગમાં લઈ ગયા હતા. તેમની બૅગ મળી નથી. તેમનાં ખિસ્સાંમાંથી કોઈ પાકીટ, કાગળ કે પૈસા કશું જ મળ્યું નથી. ઈવન તેમનાં ચંપલ પણ સ્પૉટ પરથી મળ્યાં નથી. તેજસ દેઢિયાએ આ વિશે વધુમાં કહ્યું હતું કે ‘હત્યા કરનારે એ વાતની કાળજી લીધી છે કે બની શકે એટલી તેમની આઇડેન્ટિટી છુપાવી શકાય. એ જ દર્શાવે છે કે તેમની હત્યા પ્લાનપૂર્વક કરવામાં આવી છે. તેઓ પોતાની દુકાન સિવાયના નાણાકીય વ્યવહાર કોઈને જણાવતા નહોતા. આથી તેમની હત્યા પાછળ કદાચ કોઈ આર્થિક રીઝન હોય તો એ પણ નકારી શકાય નહી.’

હરેશ દેઢિયા પુણે ગયા એની આગલી રાતે પણ કંઈક એવું બન્યું હતું જે અજુગતું હતું. એ વિશે જણાવતાં તેજસે કહ્યું હતું કે ‘રાત્રે એક વાર આઠથી સાડાઆઠની વચ્ચે દુકાન વધાવી લીધા પછી ભાગ્યે જ દુકાન પાછી ખોલતા હરેશભાઈએ આગલી રાતે દુકાન વધાવી લીધા પછી ૧૦ વાગ્યે દુકાન ફરી ખોલી હતી અને ૧૫થી ૨૦ મિનિટ એમાં ગાળીને નીકળી ગયા હતા. તેમના બે કર્મચારીઓને પણ તેમણે સાડાનવે વાગ્યે ફોન કરીને કહ્યું હતું કે તેઓ એક દિવસ પુણે જવાના છે આથી દુકાનનું ધ્યાન રાખે. કોઈ દિવસ પુણે ન જતા કાકાએ પુણે જવાનો પ્લાન સાડાનવની આસપાસ જ બનાવ્યો હોવાનું જણાય છે.’

- બકુલેશ ત્રિવેદી