શ્રી કચ્છી લોહાણા મહાજન-મુંબઈની નવી કમિટીએ રવિવારે ચાર્જ સંભાળી લીધો

18 September, 2012 06:04 AM IST  | 

શ્રી કચ્છી લોહાણા મહાજન-મુંબઈની નવી કમિટીએ રવિવારે ચાર્જ સંભાળી લીધો


આજે કારોબારી સમિતિના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. જીતવા છતાં વિવિધ ર્કોટકેસ તથા ચૅરિટી કમિશનર સમક્ષ થયેલા કેસને કારણે આ નવી કમિટી ચાર્જ નહોતી લઈ શકતી, પણ ગત શનિવારે આ કમિટીના માર્ગના બધા અંતરાયો દૂર થઈ ગયા છે. આના કારણે કચ્છી લોહાણા જ્ઞાતિમાં ખુશીની લાગણી ફરી વળી છે.

નવી કમિટીના એક ટ્રસ્ટી કિશોર માનસત્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવી કમિટી જીત મેળવવા છતાં વિવિધ ર્કોટકેસ અને ચૅરિટી કમિશનર સમક્ષ થયેલા કેસને કારણે એનો ચાર્જ નહોતી સંભાળી શકી. આના કારણે સમાજનાં અનેક કામો અટકી ગયાં હતાં. જોકે ગત અઠવાડિયે લગભગ બધા કેસમાં નવી કમિટી ચાર્જ હાથમાં લઈ શકે નહીં એવો જે આદેશ હતો એ દૂર થતાં રવિવારે સવારે ૧૧ વાગ્યે જૂની અને નવી કમિટીની બેઠક મહાજનની વડગાદીસ્થિત દરિયાસ્થાન સ્ટ્રીટમાં મળી હતી અને જૂની કમિટીએ નવી ચૂંટાયેલી કમિટીને ચાર્જ સોંપી દીધો હતો. નવી કમિટીએ કુળદેવતા શ્રી દરિયાલાલ સમક્ષ પ્રતિજ્ઞા લીધી હતી કે અમે બંધારણને વફાદાર રહીને જ્ઞાતિહિતનાં કાર્યો નિષ્ઠાપૂર્વક કરીશું.’

ગત ચૂંટણીમાં કારોબારી સમિતિના મેમ્બર તરીકે ચૂંટાઈ આવેલા જિજ્ઞેશ ખિલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઝુલેલાલ બાપાની અસીમ કૃપાથી આઠ મહિનાથી જે કામ બંધ હતાં એ બધાં ફરીથી શરૂ થઈ જશે. નવી કમિટીએ ચાર્જ સંભાળી લીધો હોવાથી હવે જોમપૂર્વક આ કામને આગળ ધપાવવામાં આવશે.’

જીત મેળવનારી ટીમ

૨૯ જાન્યુઆરીએ થયેલી ચૂંટણીમાં પ્રમુખપદે વસંત નથુભાઈ માણેક અને ચાર ટ્રસ્ટીપદે કિશોર માનસત્તા, નવીન કોઠારી, ચેતન ધીરાવાણી અને મનુભાઈ કોઠારી તથા કારોબારી સમિતિમાં ૨૫ મેમ્બરો ચૂંટાઈ આવ્યા હતા.